BUSINESS

આઈપીઓ થકી નાણાં ઊભા કરવામાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે…!!

વર્ષ ૨૦૨૫માં ભારતીય પ્રાઈમરી માર્કેટમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. આઈપીઓ મારફત ભંડોળ ઊભા કરવામાં ભારત વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે પહોંચ્યું છે. ચાલુ વર્ષે ભારતીય કંપનીઓએ કુલ ૧૪.૨૦ અબજ ડોલર, એટલે કે અંદાજીત રૂ.૮૫,૨૪૦ કરોડ ઊભા કર્યા છે. રિસર્ચ રિપોર્ટ અનુસાર, અમેરિકાએ આઈપીઓ મારફતે ૫૨.૯૦ અબજ ડોલર ભંડોળ ઊભું કરી પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે હોંગકોંગ ૨૩.૪૦ અબજ ડોલર સાથે બીજા અને ચીન ૧૬.૨૦ અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે રહ્યા છે. ભારતમાં અત્યાર સુધી આશરે ૭૪ કંપનીઓએ આઈપીઓ દ્વારા મૂડી ઊભી કરી છે.

તાજેતરના કેટલાક મોટા જાહેર ભરણાં મળીને રૂ.૩૦,૦૦૦ કરોડ જેટલું ભંડોળ ઊભું કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ મુજબ, વર્ષ ૨૦૨૫ દરમિયાન ઊભી કરાયેલી રકમનો આંક ત્રીજો સૌથી મોટો રહ્યો છે. વર્ષ ૨૦૨૪માં ૯૧ આઈપીઓ દ્વારા રૂ.૧.૫૯ લાખ કરોડ અને ૨૦૨૧માં ૬૩ કંપનીઓ દ્વારા રૂ.૧.૧૮ લાખ કરોડ ઊભા કરાયા હતા. એક તરફ પ્રાઈમરી માર્કેટમાં ઉછાળો જળવાઈ રહ્યો છે, જ્યારે બીજી બાજુ સેકન્ડરી માર્કેટમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો સતત નાણાં બહાર ખેંચી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધી એફઆઈઆઈએ આશરે ૧૮ અબજ ડોલર બજારમાંથી પાછા ખેંચ્યા છે.

જોકે, પ્રાઈમરી માર્કેટમાં તેમનું રોકાણ હજી પણ આશરે પાંચ અબજ ડોલર જેટલું રહ્યું છે. આઈપીઓ બાદ લિસ્ટિંગમાં રોકાણકારોને મળતા આકર્ષક વળતરના કારણે પ્રાઈમરી માર્કેટમાં રોકાણકારોનો ઉત્સાહ યથાવત રહ્યો છે. જાન્યુઆરી ૨૦૨૪ પછી લિસ્ટ થયેલા શેરોએ સરેરાશ ૨૨% લિસ્ટિંગ ગેઈન આપ્યા છે, જે રોકાણકારો માટે નોંધપાત્ર છે. વિદેશી રોકાણકારોના આઉટફ્લોને વચ્ચે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ્સે બજારમાં મહત્વનો ટેકો આપ્યો છે. પ્રાપ્ત આંકડા મુજબ, મ્યુચ્યુઅલ ફંડ્સે અત્યાર સુધીમાં ભારતીય ઈક્વિટીમાં રૂ.૪ લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે, જે ગયા વર્ષના રૂ.૪.૩ લાખ કરોડની સરખામણીએ થોડું ઓછું છે, પરંતુ પ્રવાહ હજી મજબૂત છે.

Back to top button
error: Content is protected !!