નાણાંકીય વ્યવહારમાં ક્રિપ્ટોના વધતા ઉપયોગમાં ભારત નવમા સ્થાને…!!

સ્ટેબલકોઈન્સના વધતા સ્વીકાર સાથે નાણાંકીય લેતીદેતીમાં ક્રિપ્ટોકરન્સીઝનો ઉપયોગ વૈશ્વિક સ્તરે ઝડપથી વધી રહ્યો છે. તાજેતરના એક રિપોર્ટ મુજબ, નાણાંકીય વ્યવહારોમાં ક્રિપ્ટો વાપરતા ટોચના દસ દેશોમાં ભારતનો પણ સમાવેશ થયો છે. સ્ટેબલકોઈન્સ એ એવી ક્રિપ્ટોકરન્સી છે, જેનું મૂલ્ય મોટા ભાગે સ્થિર રહે છે અને તેથી તેનો ઉપયોગ દૈનિક વ્યવહારમાં વધુ સરળ બન્યો છે. ભારતમાં લાખો વપરાશકારો હવે બચત, સરહદપાર નાણાં ટ્રાન્સફર અને રોજિંદા પેમેન્ટ્સ માટે ડિજિટલ એસેટ્સ પર આધાર રાખી રહ્યા છે. રિટેલ પ્રવૃત્તિમાં થયેલા વધારા અને ડિજિટલ પેમેન્ટ્સ પ્રત્યે વધતા ઝુકાવને કારણે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે. આ કારણસર ભારત નાણાંકીય વ્યવહારમાં ક્રિપ્ટો વાપરતા દેશોમાં નવમા ક્રમે આવ્યું હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
એક સમયે માત્ર ટ્રેડર્સ સુધી સીમિત ગણાતા સ્ટેબલકોઈન્સ હવે ડિજિટલ ફાઈનાન્સનું મહત્વપૂર્ણ અંગ બની ગયા છે. જુલાઈ ૨૦૨૫માં સ્ટેબલકોઈન્સનું વૈશ્વિક વ્યવહાર વોલ્યુમ વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું. રેમિટેન્સ, મર્ચન્ટ પેમેન્ટ્સ, સરહદપાર સેટલમેન્ટ અને પેરોલ જેવા ક્ષેત્રોમાં તેનો ઉપયોગ વધતા ક્રિપ્ટોકરન્સી પ્રત્યેનો વિશ્વાસ પણ મજબૂત થયો છે. નિયમનકારી માળખાની અછત હોવા છતાં ભારતે ક્રિપ્ટો વપરાશમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે. ટોચના દસ દેશોમાં સ્થાન મેળવવું એ દર્શાવે છે કે ડિજિટલ ફાઈનાન્સના ક્ષેત્રમાં ભારત પાસે વૈશ્વિક બળ બનવાની વિશાળ સંભાવના છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ક્રિપ્ટોકરન્સીના નાણાંકીય વપરાશમાં સિંગાપુર અને અમેરિકા ટોચના સ્થાને છે. સિંગાપુરમાં સ્પષ્ટ નિયમન, મજબૂત લાઈસન્સિંગ માળખું અને વૈશ્વિક સંસ્થાકીય હાજરીને કારણે ક્રિપ્ટો વ્યવહારમાં વધારો થયો છે.
જ્યારે ઊંડા મૂડી બજાર, વિશાળ રિટેલ આધાર અને ટેકનોલોજી પ્રત્યેનો ખુલ્લો અભિગમ અમેરિકાને બીજા સ્થાને રાખવામાં મદદરૂપ થયો છે. આ ઉપરાંત લિથુનિયા પણ ક્રિપ્ટોકરન્સીના નાણાંકીય ઉપયોગમાં અગ્રેસર દેશોમાં સામેલ છે, જ્યાં લાઈસન્સિંગ માળખું મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યુક્રેન અને નાઈજિરિયા જેવા દેશોમાં અસ્થિર પરિસ્થિતિ અને રેમિટેન્સ પર ઊંચા આધારને કારણે દૈનિક નાણાંકીય વ્યવહારમાં ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ વધી રહ્યો છે. ભારતમાં સ્ટેબલકોઈન્સનો વધતો ઉપયોગ માત્ર ટ્રેડિંગ પૂરતો સીમિત નથી, પરંતુ પેમેન્ટ્સ અને રોજિંદા નાણાંકીય પ્રવૃત્તિઓમાં પણ તેનો વ્યાપ વધી રહ્યો છે. ટોચના દસ દેશોમાં મળેલું સ્થાન એ દેશમાં ડિજિટલ ફાઈનાન્સના વધતા પ્રભાવને સ્પષ્ટ રીતે દર્શાવે છે.


