BUSINESS

ભારત ક્રૂડ ઓઈલની માંગમાં ચીનને પાછળ છોડવા તૈયાર…!!

આ વર્ષે ભારતની ક્રૂડ તેલની માંગ ચીનની તુલનામાં વધુ ઝડપથી વધી શકે છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, જો વ્યૂહાત્મક સંગ્રહને ગણતરીમાં ન લેવાય તો ભારતની વાસ્તવિક માંગ ચીન કરતાં આગળ નીકળી જશે. ભારતમાં ક્રૂડ વપરાશમાં વૃદ્ધિનું મુખ્ય કારણ વધતું શહેરીકરણ, વધતી આવક અને જીવનશૈલીમાં સુધારો છે. ખાનગી તેમજ વ્યાપારી વાહનોની વધતી સંખ્યા પણ તેલની માંગમાં વધારો કરી રહી છે.

બીજી તરફ, ચીનમાં ક્રૂડ તેલનો વપરાશ ધીમો પડી ગયો છે. ત્યાં વૃદ્ધિ મુખ્યત્વે પેટ્રોકેમિકલ ક્ષેત્ર સુધી મર્યાદિત રહી છે. હાલ ચીન પોતાના વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ માટે દરરોજ અંદાજે ૨ લાખ બેરલ તેલનો જથ્થો ભરી રહ્યું છે, જેના કારણે વૈશ્વિક તેલના ભાવમાં થોડું સંતુલન આવ્યું છે અને ઓપેકને તેની ક્ષમતા પુનઃપ્રારંભ કરવાનો મોકો મળ્યો છે. જોકે લાંબા ગાળે ચીન આટલો મોટો જથ્થો ભેગો કરી શકશે નહીં, અને વધારાનું તેલ શોષી લેવા મુશ્કેલ બનશે.

નિષ્ણાંતોના મત પ્રમાણે, આગામી વર્ષે વૈશ્વિક ક્રૂડ માંગમાં મોટો ઉછાળો જોવા મળશે એવું કોઈ મજબૂત કારણ નથી. સરેરાશ દરરોજ માત્ર ૧ મિલિયન બેરલ જેટલી વધારાની માંગ શક્ય છે, જે પુરવઠાની સામે પૂરતી નહીં ઠરે. એટલે, આ વર્ષે વૈશ્વિક ક્રૂડ બજારની દિશા મોટા ભાગે ભારતમાં વધતી માંગ અને ચીનમાં ધીમા વપરાશ વચ્ચેના તફાવત પર આધારિત રહેશે. ઉત્પાદકો તથા રોકાણકારો બંને આ બદલાવને ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!