BUSINESS

ઓક્ટોબર માસમાં ભારતની નિકાસમાં ૧૧.૮%નો તીવ્ર ઘટાડો…!!

દેશની નિકાસ ઓક્ટોબર મહિનામાં નોંધપાત્ર ઘટીને ૧૧.૮% નીચે આવી ૩૪.૩૮ અબજ ડોલર પર પહોંચી છે, જ્યારે આયાતમાં ૧૬.૬૩%નો ઉછાળો નોંધાયો છે અને કુલ આયાત ૭૬.૦૬ અબજ ડોલર સુધી થઈ છે. આ વધઘટના સીધા પ્રભાવ રૂપે દેશનો વ્યાપાર ખાધ (ટ્રેડ ડેફિસિટ) વધી ૪૧.૬૮ અબજ ડોલર સુધી પહોંચ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં પણ ટ્રેડ ડેફિસિટ ૩૧.૧૫ અબજ ડોલર સુધી વધ્યો હતો. વાણિજ્ય મંત્રાલયે સોમવારે આ આંકડા જાહેર કર્યા હતા. કુલ આયાતમાં થયેલા વધારા પાછળ મુખ્યત્વે સોનું, ચાંદી, પાસ, ખાતર અને સલ્ફર જેવી વસ્તુઓની આયાતમાં વધારો જવાબદાર રહ્યો હતો. ખાસ કરીને, સોનાની આયાત ઓક્ટોબરમાં દોઢગણી કરતાં પણ વધારે રહી હતી.

સોનાની આયાત ૧૯૯.૨%ના જોરદાર ઉછાળા સાથે ૧૪.૭૨ અબજ ડોલર પર પહોંચી, જ્યારે ગત વર્ષે આ જ ગાળામાં તે માત્ર ૪.૯૨ અબજ ડોલર હતી. ચાંદીની આયાત તો ૫૨૮.૭૧%ના રેકોર્ડ ઉછાળા સાથે ૨.૭૧ અબજ ડોલર સુધી પહોંચી છે. ક્રૂડ ઓઈલની આયાત ઘટીને ૧૪.૮ અબજ ડોલર રહી, જે ગત વર્ષે ૧૮.૯ અબજ ડોલર હતી. અમેરિકા તરફ નિકાસમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ઓક્ટોબરમાં અમેરિકા માટેની નિકાસ ૬.૩ અબજ ડોલર રહી હતી, જે ગત વર્ષે ૬.૯ અબજ ડોલર હતી. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું કે ઓક્ટોબરમાં મર્ચન્ડાઈઝ નિકાસમાં આ વર્ષે પ્રથમવાર ૪ અબજ ડોલરનો ઘટાડો થયો છે અને તેમાં મુખ્ય કારણ અમેરિકા માટેની નિકાસ ઘટવાની અસર રહી છે.

સર્વિસીઝ સેગમેન્ટમાં જોવામાં આવે તો ઓક્ટોબરમાં સેવાઓની નિકાસ વધીને ૩૮.૫૨ અબજ ડોલર થઈ હતી, જે ગત વર્ષની ૩૪.૪૧ અબજ ડોલરની સરખામણીએ વધુ છે. સેવાઓની આયાત પણ થોડો ઉછાળો લઈને ૧૮.૬૪અબજ ડોલર થઈ હતી, જ્યારે ગયા વર્ષે તે ૧૭.૨૩ અબજ ડોલર હતી. એપ્રિલથી ઓક્ટોબર સુધીના સાત મહિનાના આંકડા દર્શાવે છે કે આ ગાળામાં મર્ચન્ડાઈઝ નિકાસ સાધારણ ૦.૬૩% વધીને ૨૫૪.૨૫ અબજ ડોલર થયો છે. જ્યારે આયાતમાં ૬.૩૭% નો વધારો નોંધાયો છે અને કુલ આયાત ૪૫૧.૦૮ અબજ ડોલર થઈ છે. આ દરમિયાન દેશનો મર્ચન્ડાઈઝ ટ્રેડ ડેફિસિટ વધુ વધીને ૧૯૬.૮૨ અબજ ડોલર થયો છે, જે એક વર્ષ પહેલાં આ જ ગાળામાં ૧૭૧.૪૦ અબજ ડોલર હતો.

Back to top button
error: Content is protected !!