
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ગણેશ ચતુર્થીનાં પાવન પર્વનાં પ્રથમ દિવસે ભક્તોમાં ભારે ઉત્સાહ અને ગણપતિ બાપા મોરિયા’નાં નાદથી સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. ડાંગ જિલ્લાનાં આહવાનગર, પ્રવેશદ્વાર વઘઈ, શબરીધામ સુબીર, ગિરિમથક સાપુતારા સહિત જિલ્લાનાં 300થી વધુ ગામડાઓમાં ‘ગણપતિ બાપા મોરિયા’નાં જયઘોષ સાથે શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી. જેના કારણે સમગ્ર વનપ્રદેશનું વાતાવરણ ભક્તિમય બની ગયુ હતુ.ગણેશોત્સવનાં પ્રારંભ સાથે જ સમગ્ર જિલ્લામાં ગણેશ મંડળો દ્વારા ફળિયાઓમાં,સોસાયટી,શેરીઓમાં શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યુ હતુ.વહેલી સવારથી જ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.ગામડાઓ અને આહવા,વઘઇ જેવા વિસ્તારોમાં ડીજેના તાલે ગુલાલની છોળો ઉડાડી અને ફટાકડા ફોડીને શ્રીજીની પ્રતિમાઓને સ્થાપના સ્થળ સુધી લઈ જવામાં આવી હતી. આ દૃશ્યો જોઈને લાગતું હતુ કે સમગ્ર ડાંગ જિલ્લો ગણેશમય બની ગયો છે.વઘઈ,આહવા,સુબીર, સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં લાઈટિંગ ડેકોરેશનથી શણગારેલા પંડાલોમાં આદિવાસી યુવક મંડળો દ્વારા ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી હતી.સાથે શાસ્ત્રોક્ત વિધિ મુજબ શ્રીજીની અવનવી પ્રતિમાઓનું સ્થાપન કરીને શાંતિપૂર્ણ માહોલમાં ગણેશોત્સવનો પ્રારંભ કરાયો હતો.આ વર્ષે સાપુતારાનાં સાઈબજાર અને નવાગામનાં અષ્ટ વિનાયક મિત્ર મંડળ દ્વારા પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.ઉલ્લેખનીય છે કે, ડાંગના અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં પણ આદિવાસી ભક્તજનો દ્વારા પૂજા-અર્ચના કરીને શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે,જે ગણેશ પર્વ પ્રત્યેની તેમની ઊંડી શ્રદ્ધા દર્શાવે છે. આ ભક્તિમય માહોલ આગામી દસ દિવસ સુધી યથાવત્ રહેશે અને ભક્તો ગણપતિની પૂજા-અર્ચના, આરતી અને ભજન-કિર્તન દ્વારા તેમની આરાધના કરશે..





