BUSINESS

યુરોપ તરફ વળી શકે ભારતની નિકાસ, અમેરિકાના ટેરિફ સામે વૈકલ્પિક બજાર તૈયાર…!!

ભારત તથા યુરોપિયન યુનિયન (EU) વચ્ચે વેપાર કરાર થશે તો અમેરિકા ખાતે ભારતની થતી નિકાસમાંથી લગભગ ૮૫ ટકા નિકાસ યુરોપ તરફ વળી શકે છે. તાજેતરના એક અભ્યાસ મુજબ ભારતના માલસામાન માટે યુરોપમાં વ્યાપક માંગ છે, જે અમેરિકાના ટેરિફ આંચકાથી સુરક્ષા પૂરું પાડવા માટે વૈકલ્પિક બજાર તરીકે ઉભરી શકે છે.

૨૦૨૪ દરમિયાન ભારતે યુરોપિયન યુનિયનમાં ૭૭.૫૦ અબજ ડોલરની નિકાસ કરી હતી, જ્યારે અમેરિકામાં ૭૯.૪૦ અબજ ડોલરની નિકાસ થઈ હતી. અભ્યાસ મુજબ જો વેપાર કરાર અમલમાં આવશે તો અમેરિકાની નિકાસમાંથી અંદાજે ૬૭.૨૦ અબજ ડોલરની નિકાસ યુરોપ તરફ ખસેડાઈ શકે છે. જોકે, નિકાસ કેટલો વધશે તે કરારની શરતો પર આધારિત રહેશે.

ડાયમન્ડસ ક્ષેત્રે યુરોપ ભારત માટે વિશાળ તક પૂરી પાડે છે. ગયા વર્ષે અમેરિકાએ ભારતમાંથી ૪.૮૨ અબજ ડોલરના ડાયમન્ડસ આયાત કર્યા હતા, જ્યારે યુરોપે પોતાની કુલ ૭.૩૦ અબજ ડોલરની આયાતમાંથી ૧.૭૦ અબજ ડોલરના ડાયમન્ડસ ભારતમાંથી ખરીદ્યા હતા. આ પરથી સ્પષ્ટ થાય છે કે યુરોપીયન બજારમાં ભારતીય ડાયમન્ડસ માટે નોંધપાત્ર અવકાશ છે.

વેપાર કરારમાં ડાયમન્ડસ ઉપરાંત સ્માર્ટફોન નિકાસ માટે પણ તકો ઊભી થઈ શકે છે. હાલમાં અન્ય દેશોમાંથી યુરોપમાં અબજો ડોલરના સ્માર્ટફોન નિકાસ થાય છે, જ્યારે ભારતમાંથી આ આંક તુલનાત્મક રીતે ઓછો છે.

હાલ યુરોપ સાથે કરાર ઝડપથી આગળ વધી રહ્યો છે, જ્યારે યુકે સાથે થયેલા કરારને હજી સંસદીય મંજૂરીની રાહ જોવાઈ રહી છે. બીજી તરફ અમેરિકા યુરોપને ભારતના માલસામાન પર ટેરિફ લગાવવાનો આગ્રહ કરી રહ્યું છે.

આ દરમિયાન ભારત તથા અમેરિકાની વચ્ચે પણ વેપાર કરાર માટેના સંકેત દેખાઈ રહ્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પ્રત્યે પોતાના વલણમાં નરમાઈ દાખવી છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવેદનને હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.

Back to top button
error: Content is protected !!