BUSINESS

ભારતનું ફોરેક્સ રિઝર્વ ઘટીને ૬૯૯.૯૬ અબજ ડોલર…!!

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ૩ ઑક્ટોબરે પૂર્ણ થયેલા અઠવાડિયામાં ભારતના ફોરેક્સ રિઝર્વ ૬૯૯.૯૬ અબજ રહ્યું છે. અગાઉના અઠવાડિયામાં તે ૭૦૦.૨૪ અબજ ડોલર હતું. આમાંથી વિદેશી ચલણ સંપત્તિ ૫૭૭.૭૧ અબજ ડોલર છે, જેમાં ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવી ચલણનો પણ સમાવેશ થાય છે. સોનાનો હિસ્સો વધીને ૯૮.૭૭ અબજ ડોલર થયો છે, જે અઠવાડિયા દરમિયાન ૩.૭૫ અબજ ડોલરનો વધારો દર્શાવે છે. વિશ્વભરના કેન્દ્રીય બેંકો તણાવપૂર્ણ વૈશ્વિક પરિસ્થિતિમાં સોનાને સુરક્ષિત રોકાણ માનતા તેનું રિઝર્વ વધારી રહી છે.

આરબીઆઈએ વર્ષ ૨૦૨૪ પછીથી અંદાજીત ૭૫ટન સોનું ઉમેર્યું છે, જેનાથી કુલ જથ્થો ૮૮૦ ટન થયો છે. હવે કુલ ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો આશરે ૧૪% છે. ફોરેક્સ રિઝર્વમાં સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) ઘટક ૧૮.૮૧ અબજ ડોલર રહ્યો છે, જે અગાઉના અઠવાડિયાથી ૨૫ મિલિયન ડોલર વધુ છે. મજબૂત ફોરેક્સ રિઝર્વ આરબીઆઈને રૂપિયાને સ્થિર રાખવા માટે વધુ લવચીકતા આપે છે. આરબીઆઈ જરૂર પડે ત્યારે ડૉલર વેચીને રૂપિયાની અસ્થિરતા નિયંત્રિત કરી શકે છે. હાલમાં ભારત પાસે એટલો ફોરેક્સ જથ્થો છે કે તે ૧૧ મહિનાના આયાત ખર્ચ અને ૯૬% બાહ્ય દેવું પૂરી કરી શકે.

આરબીઆઈએ તાજેતરમાં નિકાસકારોને સહુલિયત આપવા વિદેશી ચલણ વ્યવસ્થાપનના નિયમોમાં છૂટછાટ આપી છે. હવે IFSCમાં ખોલાયેલા વિદેશી ચલણ એકાઉન્ટ્સ માટે ફોરેક્સ રિપેટ્રિએશનની અવધિ ૧ મહિનાથી વધારીને ૩ મહિના કરી છે. આ પગલાથી નિકાસકારોને લાભ મળશે અને IFSCમાં લિક્વિડિટી વધશે. જાન્યુઆરી ૨૦૨૫માં આરબીઆઈએ નિકાસકારોને ભારતની બહાર વિદેશી ચલણ એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપી હતી, જેના માધ્યમે મળેલા નાણાંનો ઉપયોગ આયાત ચૂકવણી માટે કરી શકાય છે અથવા તેને એક મહિનામાં પાછા લાવવા પડે છે.

Back to top button
error: Content is protected !!