BUSINESS

ભારતનું ફોરર્કસ રિઝર્વ વધીને ૬૮૭.૨૬ અબજ ડોલર…!!

ભારતનો વિદેશી વિનિમય ભંડાર (ફોરેક્સ રિઝર્વ) ૫ ડિસેમ્બરના રોજ પૂર્ણ થયેલા સપ્તાહ દરમિયાન ૧.૦૩૩ અબજ ડોલર વધીને ૬૮૭.૨૬ અબજ ડોલર થયો છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા આંકડાઓમાં જણાવાયું છે. તેના અગાઉના સપ્તાહમાં દેશનો ફોરેક્સ રિઝર્વ ૧.૮૭૭ અબજ ડોલર ઘટીને ૬૮૬.૨૨૭ અબજ ડોલર રહ્યો હતો. ફોરેક્સ રિઝર્વનો મુખ્ય હિસ્સો ગણાતી વિદેશી ચલણ સંપત્તિમાં આ સપ્તાહ દરમિયાન ૧૫૧ મિલિયન ડોલરનો ઘટાડો નોંધાયો છે અને તે ઘટીને ૫૫૬.૮૮ અબજ ડોલર થઈ છે. ડોલરના હિસાબે દર્શાવાતા FCAમાં યુરો, પાઉન્ડ અને જાપાનીઝ યેન જેવી બિન-યુએસ ચલણોના મૂલ્યમાં થતો વધારો અથવા ઘટાડો પણ સમાવેશ પામે છે.

આ પહેલા, ૨૧ નવેમ્બરના રોજ પૂર્ણ થયેલા સપ્તાહમાં ભારતનો ફોરેક્સ રિઝર્વ ૪.૪૭૨ અબજ ડોલર ઘટીને ૬૮૮.૧૦૪ અબજ ડોલર થયો હતો. જોકે, ત્યારબાદના સપ્તાહમાં ગોલ્ડ રિઝર્વના મૂલ્યમાં નોંધપાત્ર વધારો થવાથી કુલ રિઝર્વમાં મજબૂતી જોવા મળી હતી. તે સપ્તાહ દરમિયાન વિદેશી હુંડિયામણ ૫.૫૪૩ અબજ ડોલર વધીને ૬૯૨.૫૭૬ અબજ ડોલર સુધી પહોંચી હતી. ૨૧ નવેમ્બરના સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ્સ ૧.૬૯ અબજ ડોલર ઘટીને ૫૬૦.૬ અબજ ડોલર રહ્યા હતા, જ્યારે ગોલ્ડ રિઝર્વ ૨.૬૭૫ અબજ ડોલર ઘટીને ૧૦૪.૧૮૨ અબજ ડોલર થયો હતો. આ સાથે, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) સમક્ષ ભારતનું રિઝર્વ ૨.૩ કરોડ ડોલર ઘટીને ૪.૭૫૭ અબજ ડોલર રહ્યું હતું અને સ્પેશ્યલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR)માં ૮.૪ કરોડ ડોલરનો ઘટાડો થઈને તે ૧૮.૫૬૬ અબજ ડોલર થયા હતા.

Back to top button
error: Content is protected !!