નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભારતનો વિકાસ દર ૬.૯૦% રહેવાનો અંદાજ : ફીચ

રેટિંગ એજન્સી ફીચે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં સુધારો કર્યો છે. વર્તમાન નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે દેશનો વિકાસ દર ૬.૫૦ ટકાથી વધારીને ૬.૯૦ ટકા મુકાયો છે. ઘરઆંગણેની મજબૂત માગ આ વૃદ્ધિનો મુખ્ય આધાર ગણાઈ રહી છે. ઉપભોક્તાઓની વધતી આવક અને તેનો ખર્ચ પર થયેલો પ્રભાવ આર્થિક ગતિને વધુ ટેકો આપશે.
જો કે, આગામી નાણાં વર્ષો માટે ફીચે થોડો સાવધ રહેલો અભિગમ અપનાવ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિકાસ દર ૬.૩૦ ટકા અને ૨૦૨૭-૨૮ માટે ૬.૨૦ ટકા રહેવાની ધારણાં મૂકાઈ છે.
વિશ્વ સ્તરે, ૨૦૨૫માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દર ૨.૪૦ ટકા રહેવાની ધારણા છે, જે ગયા વર્ષની ૨.૯૦ ટકાની સરખામણીએ નબળી છે. ભારત સિવાય, ફીચે ચીનના વિકાસ દરનો અંદાજ પણ ૪.૨૦ ટકાથી વધારી ૪.૭૦ ટકા કર્યો છે. યુરોઝોનનો વિકાસ દર ૦.૮૦ ટકાથી વધીને ૧.૧૦ ટકા થવાની ધારણા છે, જ્યારે અમેરિકાનો અંદાજ ૧.૫૦ ટકાથી વધીને ૧.૬૦ ટકા મુકાયો છે.
ભારત સંબંધિત ફીચના અભ્યાસમાં જણાવાયું છે કે, અમેરિકાના ટેરિફ તબક્કાવાર ઘટશે, પરંતુ વેપાર સંબંધોમાં રહેલી અનિશ્ચિતતા રોકાણ પર નકારાત્મક અસર કરી શકે છે. તેમ છતાં, ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (જીએસટી) સુધારા અને સારા ચોમાસાના કારણે ઉપભોગ ખર્ચમાં વધારો તેમજ ખાદ્ય મોંઘવારીમાં રાહત જોવા મળશે. આ ઉપરાંત, રિઝર્વ બેન્ક વર્ષના અંત સુધીમાં રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે એવી ધારણા પણ વ્યક્ત કરવામાં આવી છે.



