GUJARATKUTCHMUNDRA

બારોઇમાં આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા–ડેન્ગ્યુ અટકાવવા સઘન ઝુંબેશ

રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.

બારોઇમાં આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા–ડેન્ગ્યુ અટકાવવા સઘન ઝુંબેશ

મુન્દ્રા, તા. 29 : ચોમાસા બાદ મચ્છરજન્ય રોગોનું જોખમ વધતું હોય છે, ત્યારે બારોઇ નગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા મેલેરિયા અને ડેન્ગ્યુ અટકાવવા સઘન પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી ડો. યોગેન્દ્ર પ્રસાદ મહતો તથા બારોઇ શહેરી આરોગ્ય કેન્દ્રના ઈન્ચાર્જ ડો. મેહુલ બલદાણીયાની આગેવાનીમાં આરોગ્ય વિભાગની 20 ટીમોએ કુલ 1243 ઘરોની મુલાકાત લીધી હતી.

આ અભિયાન દરમિયાન 4253 પાણીના પાત્રોની તપાસમાં 49 ઘરોમાં 75 પાત્રોમાં મચ્છરના પોરા જોવા મળ્યા હતા. સ્થળ ઉપર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય ટીમો ઘરોમાં પહોંચતા પ્રાથમિક તબક્કે કેટલાક રહેવાસીઓએ દલીલો કરી હતી અને પોતે જ પાણીનો ભરાવો કરેલો જોવા મળ્યો હતો. જાહેર આરોગ્યના જાહેરનામા હેઠળની કલમ 188 મુજબ આવા બનાવોમાં દંડ અને જેલની સજાની જોગવાઈ છે તે અંગે લોકોને સમજાવવામાં આવ્યા બાદ તેઓ સહકાર આપવા આગળ આવ્યા હતા. તેમ છતાં ભવિષ્યમાં જો આવી જ બેદરકારી જોવા મળશે તો દંડ અને સજા ન છૂટકે કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી.

સાથે જ 762 પાત્રોમાં પોરાનાશક દવાનો છંટકાવ અને 200થી વધુ ઘરોમાં જંતુનાશક ધુમાડો કરીને પુખ્ત મચ્છરોનો નાશ કરવામાં આવ્યો હતો. તાવના લક્ષણો ધરાવતા 26 લોકોના લોહીના નમૂના મેલેરિયા નિદાન માટે તપાસવામાં આવ્યા હતા અને સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવી હતી.

જાહેર અપીલ :

તાલુકા આરોગ્ય સુપરવાઇઝર હરિભાઈ જાટીયા દ્વારા સૌને અપીલ કરવામાં આવી હતી કે મચ્છરોના પ્રજનન સ્થાનોને નાબૂદ કરવા માટે ઘર અને આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખો. ટાયર, કુલર, ફ્રિજની ટ્રે, પક્ષીકુંજ, કુંડા જેવા પાણી ભરાતા પાત્રોને નિયમિત ખાલી કરો અથવા સાફ કરો. કોઈને તાવ આવે તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા તાજેતરમાં ઉમિયાનગર ખાતે શરૂ કરાયેલ શહેરી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી.

 

(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)

 

Back to top button
error: Content is protected !!