ભારતની વેપાર ખાધ રૂ.૨.૪૮ લાખ કરોડ પહોંચવાની અપેક્ષા…!!

સપ્ટેમ્બર ૨૦૨૫માં ભારતની વેપાર ખાધમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના તાજા અહેવાલ મુજબ, દેશની વેપાર ખાધ ૨૮.૦ બિલિયન ડોલર (લગભગ રૂ.૨.૪૮ લાખ કરોડ) સુધી પહોંચી શકે છે, જે ઓગસ્ટમાં નોંધાયેલા ૨૬.૫ બિલિયન ડોલર રૂ.૨.૩૫ લાખ કરોડ) કરતાં આશરે ૧.૫ બિલિયન ડોલર વધુ છે.
આ વધારાનું મુખ્ય કારણ સોનાની આયાતમાં થયો ઉછાળો છે. ભાવમાં તેજી હોવા છતાં સપ્ટેમ્બરમાં સોનાની આયાત ઓગસ્ટની સરખામણીએ લગભગ બમણી થવાની સંભાવના છે. તહેવારો અને લગ્નની સીઝન શરૂ થતાં સોનાની માંગમાં તેજી જોવા મળી છે, જેના કારણે આયાતનો વોલ્યુમ વધ્યો છે.
આ સાથે, નિકાસ ક્ષેત્રમાં ધીમો પડકાર પણ ખાધ વધારવામાં યોગદાન આપી રહ્યો છે. વૈશ્વિક માંગમાં ઘટાડો અને અમેરિકા સાથેના વેપાર કરારમાં વિલંબના કારણે નિકાસ પર નકારાત્મક અસર પડી છે. હાલ અમેરિકા ભારતની કુલ નિકાસમાં આશરે ૨૦% હિસ્સો ધરાવે છે, એટલે દ્વિપક્ષીય વેપારમાં મંદી સીધી રીતે ભારતીય નિકાસને અસર કરી રહી છે.
વાણિજ્ય મંત્રી અને વિદેશ મંત્રીએ જણાવ્યું છે કે અમેરિકા સાથેના પ્રથમ તબક્કાના વેપાર કરાર માટેની વાટાઘાટો ચાલી રહી છે, જે નવેમ્બર ૨૦૨૫ સુધી ચાલુ રહેવાની સંભાવના છે. જો આ કરાર સફળ થાય છે, તો ટેરિફમાં ઘટાડાથી ભારતની નિકાસમાં સુધારો થવાની શક્યતા છે.



