નાના શહેરોમાંથી એસઆઈપી મારફત રૂ.૧૦૦૦૦ કરોડથી વધુનો ઇન્ફ્લો…!!

ઓક્ટોબર મહિનામાં દેશના નાના શહેરો અને અર્ધનગરી વિસ્તારોમાંથી મ્યુચ્યુઅલ ફંડની એક્ટિવ ઇક્વિટી સ્કીમોમાં એસઆઈપી મારફતનું રોકાણ રેકોર્ડ સ્તર પાર કરી ગયું છે. ટોચના ૩૦ શહેરો સિવાયના વિસ્તારો (B30)માંથી એસઆઈપી ઈન્ફ્લો ઓક્ટોબર માસમાં રૂ.૧૦,૦૮૦ કરોડ સુધી પહોંચ્યો હતો, જે માર્ચ ૨૦૨૧ના રૂ.૨૮૩૨ કરોડની સરખામણીએ ત્રિગુણથી વધુ વધારો દર્શાવે છે. ઓક્ટોબરમાં એક્ટિવ ઇક્વિટી સ્કીમોમાં કુલ એસઆઈપી ઇન્ફ્લો રૂ.૨૪૩૬૪ કરોડ રહ્યો હતો, જેમાંથી B30 વિસ્તારોનો હિસ્સો ૪૧.૪% જેટલો નોંધાયો છે, જે નાના શહેરોમાં ઇક્વિટી રોકાણ તરફ વધતી રુચિનું પ્રતિબિંબ માનવામાં આવે છે.
ઉદ્યોગ સૂત્રો મુજબ, ઓનલાઇન પ્લેટફોર્મની સરળતા અને છેલ્લા કેટલાક વર્ષોમાં ઇક્વિટી માર્કેટમાંથી મળેલા આકર્ષક વળતરથી નાના શહેરોના રોકાણકારો એસઆઈપીમાં ઝડપથી જોડાઈ રહ્યા છે. ઓક્ટોબરના અંતે દેશભરમાં ડિમેટ એકાઉન્ટની સંખ્યા ૨૧ કરોડ સુધી પહોંચી હતી, જે ગયા વર્ષના ઓક્ટોબરની સરખામણીએ ૧૭.૪% વધારે છે. ગયા મહિને સેન્સેક્સ અને નિફ્ટીમાં ૪%થી વધુ વૃદ્ધિ નોંધાતા રિટેલ રોકાણકારોમાં ઇક્વિટી માટે વિશ્વાસ વધ્યો છે, જે એસઆઈપી ઇન્ફ્લોઝ અને ડિમેટ ખાતાઓના ઝડપી વધારા પાછળનું મુખ્ય કારણ ગણાય છે.



