અમેરિકામાં ફુગાવો ૨.૯% પર, ફેડના વ્યાજદર ઘટાડા પર બજારની આશા…!!

અમેરિકામાં ઓગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવાનો દર વધી ૨.૯ ટકા પર પહોંચ્યો, જે જાન્યુઆરીથી અત્યાર સુધીનો સૌથી વધુ છે. જુલાઈમાં આ દર ૨.૭ ટકા હતો. ખાદ્યચીજો અને એનર્જીના ભાવ વધવાથી ફુગાવો તેજ થયો. બીજી બાજુ, પ્રથમવાર નોકરી મેળવવા માંગતા બેરોજગારોની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી છે. ઓગસ્ટમાં બેરોજગારોની સંખ્યા ૨૭,૦૦૦ વધીને કુલ ૨.૬૩ લાખ થઈ, જે ઓક્ટોબર-૨૦૨૧ પછીનો સૌથી ઊંચો આંકડો છે. અર્થશાસ્ત્રીઓએ ફક્ત ૨,૦૦૦નો વધારો થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો, પરંતુ હકીકતમાં તેનાથી ઘણી વધારે બેરોજગારી વધી છે.
ફેડરલ રિઝર્વ માટે હાલ પરિસ્થિતિ મુશ્કેલ બની છે. ફુગાવાનો દર ૨ ટકા ના લક્ષ્યાંકથી વધારે છે, જેના કારણે વ્યાજદર ઘટાડવા યોગ્ય માહોલ નથી. તેમ છતાં, બેરોજગારી વધવાથી અર્થતંત્રમાં મંદીનું જોખમ છે. સામાન્ય રીતે ફેડ બેરોજગારી વધે ત્યારે ખર્ચ અને વૃદ્ધિ વધારવા માટે વ્યાજદર ઘટાડે છે. બીજી બાજુ, ફુગાવો વધે ત્યારે વ્યાજદર વધારવામાં આવે છે. હાલ બંને પરિસ્થિતિ એકસાથે સર્જાતાં નિર્ણય લેવું મુશ્કેલ છે. તેમ છતાં, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણને કારણે ફેડ આવતા સપ્તાહે વ્યાજદર ઘટાડશે તેવી સંભાવના બજાર માની રહ્યું છે. આ જ આશાએ ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ ઈન્ડેક્સ ગુરુવારે ૫૦૦થી વધુ પોઈન્ટ ઉછળ્યો હતો, જ્યારે ફ્યુચર માર્કેટ ૬૦૦થી વધુ પોઈન્ટ ચઢ્યો હતો.
ઓગસ્ટમાં વસ્તુઓના ભાવ જુલાઈની સરખામણીમાં ૦.૪ ટકા વધ્યા હતા, જ્યારે જુલાઈમાં તે ૦.૨ ટકા વધ્યા હતા. કોર ઈન્ફ્લેશન સતત બીજા મહિને ૦.૩ ટકા વધીને ૩.૧ ટકા રહ્યો. બેરોજગારીનો દર વધીને ૪.૩ ટકા થયો છે, સાપ્તાહિક બેરોજગારી ૭૮૬૯ વધી ૨,૦૪,૫૮૧ પર પહોંચી છે, જે દર્શાવે છે કે છટણી વધી રહી છે.
યુરોપ તરફ જોીએ તો, યુરોપિયન સેન્ટ્રલ બેન્કે (ECB) વ્યાજના દર યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. ફુગાવો નિયંત્રણમાં હોવા છતાં, ફ્રાન્સમાં રાજકીય કટોકટી અને રશિયાના હુમલાને કારણે અનિશ્ચિતતા વધી છે. ECBએ હાલના તબક્કે કોઈ ફેરફાર કર્યા વગર બેન્ચમાર્ક રેપો રેટ ૨% જાળવી રાખ્યો છે. ફુગાવાનો દર ૨%ના લક્ષ્યાંકની આસપાસ છે. ECBએ યુરોઝોનના ૨૦ દેશોની મીટિંગમાં નક્કી કર્યું છે કે પરિસ્થિતિ અનુસાર આગળના પગલા લેવાશે. તાજેતરના અંદાજ મુજબ, યુરોઝોનના વર્તમાન વર્ષના ગ્રોથનો અંદાજ ૧.૨% સુધી વધારવામાં આવ્યો છે, જ્યારે આવતા વર્ષનો અંદાજ ઘટાડીને ૧% કરવામાં આવ્યો છે. ફુગાવાનો અંદાજ ૨૦૨૫ અને ૨૦૨૬ બન્ને માટે થોડો વધારે રાખવામાં આવ્યો છે.



