RBI દ્વારા ડોલરના વેચાણથી રૂપિયો સ્થિર રાખવાનો પ્રયાસ…!!

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ છેલ્લા ૧૧ વર્ષમાં પહેલીવાર ડોલરની ખરીદી નથી કરી. ફેબ્રુઆરી ૨૦૧૪ પછી પહેલીવાર જુલાઈ ૨૦૨૫માં આરબીઆઈએ ફોરેક્સ સ્પોટ માર્કેટમાંથી એક પણ ડોલર ખરીદ્યો નહોતો. તેના બદલે, રૂપિયામાં ભારે દબાણ વચ્ચે કરન્સીને સ્થિર રાખવા માટે ૨.૫૪ અબજ ડોલર વેચ્યા હતા. રૂપિયાના દબાણને કારણે આરબીઆઈએ ખરીદી નહીં પરંતુ વેચાણનું પગલું ભર્યું. આ કારણે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર ૪ જુલાઈએ ૬૯૯.૭૩ અબજ ડોલરથી ઘટીને ૧ ઓગસ્ટે ૬૮૮.૮૭ અબજ ડોલર થયું.
જુલાઈ માસમાં રૂપિયો ૨.૨૩% ઘટ્યો, જે ૨૦૨૫નું સૌથી મોટું માસિક ઘટાડું હતું. વર્ષના પ્રારંભથી અત્યાર સુધી રૂપિયો ડોલર સામે ૩.૪૮% ઘટ્યો છે, જે છેલ્લા બે નાણાકીય વર્ષ પછીનો સૌથી મોટો ઘટાડો છે. ડોલર ન ખરીદીને વેચવાનો આ અભિગમ આરબીઆઈની રણનીતિમાં બદલાવ દર્શાવે છે. હવે તે રિઝર્વ વધારવા કરતાં કરન્સી સ્થિરતા પર ભાર મૂકે છે. સ્પોટ અને ફોરવર્ડ માર્કેટ બંનેમાં હસ્તક્ષેપ કરીને રૂપિયાની અસ્થિરતા કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
ટેરિફનો દબાણ, રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાઇલ-ઈરાન તણાવ જેવા બાહ્ય પરિબળોએ રૂપિયાને અસર કરી. ખાસ કરીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાત પર ૫૦% ટેરિફ લાગુ કરાયા બાદ ડોલરની આવકમાં ઘટાડો નોંધાયો. જોકે, અમેરિકાના ફાર્મા ક્ષેત્ર પર ટેરિફ લાગ્યા છતાં રૂપિયો સ્થિર રહ્યો. એફપીઆઇ વેચવાલી વચ્ચે ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો અને ક્રૂડના ભાવ નરમ રહેવાને કારણે રૂપિયો ટક્યો હતો. તેમ છતાં, સપ્તાહિક ધોરણે ૦.૮% નો ઘટાડો થયો, જે છેલ્લા એક મહિનાનો સૌથી મોટો ઘટાડો છે.



