BUSINESS

ઓગસ્ટ માસમાં રિટેલ ફુગાવો ૨.૦૭% પર, સતત નવ મહિના બાદ વધારો…!!

ઓગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવાના દરમાં સાધારણ વધારો નોંધાયો છે. સરકારે શુક્રવારે જાહેર કરેલા આંકડા મુજબ ઓગસ્ટમાં ફુગાવો ૨.૦૭ ટકા રહ્યો હતો, જે જુલાઈમાં ૧.૬૧ ટકા અને ગત વર્ષે ઓગસ્ટમાં ૩.૬૫ ટકા રહ્યો હતો. શાકભાજી અને માંસ-મચ્છીના ભાવમાં વૃદ્ધિના કારણે કુલ ફુગાવામાં વધારો થયો છે. નવેમ્બર ૨૦૨૪થી સતત નવ મહિના સુધી ઘટતો રહ્યો હતો તેવા ફુગાવાના દરમાં હવે વધારો નોંધાયો છે.

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (NSO)ના ડેટા દર્શાવે છે કે ખાદ્યચીજોમાં ફુગાવો ઓગસ્ટમાં માઈનસ ૦.૬૯ ટકા રહ્યો હતો, જે જુલાઈમાં માઈનસ ૧.૭૬ ટકા હતો. શાકભાજી, માંસ-મચ્છી, તેલ-ફેટ, ઈંડા અને પર્સનલ કેર જેવી ચીજોના ભાવ વધવાના કારણે ખાદ્ય ફુગાવો વધ્યો છે. અનાજના ભાવમાં ફુગાવો ૨.૭ ટકા રહ્યો હતો, જે છેલ્લા ૪૪ મહિનામાં સૌથી ઓછો છે. જુલાઈમાં તે ૩.૧ ટકા હતો.

ખાસ કરીને ઓઈલ સેગમેન્ટમાં સૌથી વધારે ફુગાવો જોવા મળ્યો છે. ઓગસ્ટમાં તેલમાં ફુગાવો ૨૧.૨ ટકા રહ્યો હતો, જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઊંચો છે. સરસવ તેલના ભાવ ૨૪.૨ ટકા, રિફાઈન્ડ તેલના ભાવ ૨૩.૫ ટકા અને નારિયેળ તેલના ભાવમાં આશ્ચર્યજનક ૧૩૩.૧ ટકાનો ઉછાળો નોંધાયો છે.

વિસ્તારો પ્રમાણે જોવામાં આવે તો ગ્રામિણ વિસ્તારોમાં રિટેલ ફુગાવો ઓગસ્ટમાં વધીને ૧.૬૯ ટકા રહ્યો હતો, જ્યારે જુલાઈમાં તે ૧.૧૮ ટકા હતો. શહેરી વિસ્તારોમાં આ દર ૨.૪૭ ટકા નોંધાયો હતો, જે જુલાઈમાં ૨.૧ ટકા હતો. રાજ્યોમાં કેરળમાં સૌથી વધારે ૯.૦૪ ટકા અને આસામમાં સૌથી ઓછો માઈનસ ૦.૬૬ ટકા ફુગાવો નોંધાયો છે.

ઈકરાના ચીફ ઈકોનોમિસ્ટ અદિતી નાયર મુજબ ફૂડ-બેવરેજ સેગમેન્ટ ફુગાવાનો મુખ્ય પરિબળ રહ્યું છે. કોર ઈન્ફ્લેશન પણ સાધારણ વધીને ૪.૩ ટકા થયું છે, જે જુલાઈમાં ૪.૨ ટકા હતું. તેમનું માનવું છે કે વર્તમાન સંજોગોને ધ્યાનમાં લેતાં આ નાણાકીય વર્ષ દરમિયાન સરેરાશ રિટેલ ફુગાવો ૨.૬ ટકા આસપાસ રહેશે અને ઓક્ટોબર-નવેમ્બરમાં આ વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચી શકે છે. નાયરે ઉમેર્યું કે વર્તમાન પરિસ્થિતિ જોતા મોનેટરી પોલિસી કમિટી (MPC) ઓક્ટોબરની પોલિસી મીટિંગમાં રેપો રેટ યથાવત્ રાખવાની સંભાવના છે.

Back to top button
error: Content is protected !!