ડોલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે, મોંઘવારી વધવાની શક્યતા…!!

ડોલર સામે રૂપિયો તૂટી નવા તળિયે ૮૮.૪૬ પર પહોંચી ગયો છે, જેના કારણે મોંઘવારી વધવાની ચિંતા ઊભી થઈ છે. કરન્સી માર્કેટમાં આજે ડોલરના ભાવ રૂ.૮૮.૧૨ પર ખુલ્યા બાદ ઝડપથી વધી ઊંચામાં રૂ.૮૮.૪૬ની સપાટીએ પહોંચ્યા હતા. અંતે ડોલર રૂ.૮૮.૪૨ પર બંધ રહ્યો. ડોલરના ભાવમાં ૩૧ પૈસાનો વધારો થતા રૂપિયા સામે ૦.૩૫ ટકા કમજોરી નોંધાઈ. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો અને મુંબઈ શેરબજારમાં તેજી હોવા છતાં કરન્સી માર્કેટમાં રૂપિયો સતત નબળો રહ્યો.
બજાર નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, અમેરિકાના કડક ટેરિફ પગલાંના કારણે રૂપિયામાં દબાણ વધ્યું છે. એશિયાની અન્ય કરન્સીઓ પણ ઘટી છે, પરંતુ રૂપિયામાં ઘટાડો સૌથી વધારે જોવા મળ્યો છે. આયાતકારોની વધતી ડોલર માગ અને હેજીંગની માંગને કારણે દબાણ વધ્યું છે. રિઝર્વ બેન્કની સૂચનાથી સરકારી બેન્કો ડોલર વેચી રહી છે, છતાં રૂપિયાને મજબૂતાઈ મળી નથી. જો કે, ડોલર મજબૂત થતાં નિકાસકારોને થોડો લાભ થયો છે.
વિશ્વબજારમાં તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે અમેરિકામાં રોજગારી વૃદ્ધિ નબળી રહી છે, જ્યારે મોંઘવારી અપેક્ષા કરતાં વધુ ઘટી છે. જેના કારણે આવનારી ફેડરલ રિઝર્વની બેઠક (૧૬-૧૭ સપ્ટેમ્બર)માં વ્યાજદર ઘટાડાવાની સંભાવના વધી છે. જાપાનમાં મોંઘવારીમાં વધારો જોવા મળ્યો છે, જ્યારે યુરોપિયન સેન્ટ્રલ બેન્કે વ્યાજદર યથાવત્ રાખ્યા છે. ફોરેક્સ માર્કેટમાં, રૂપિયા સામે આજે બ્રિટિશ પાઉન્ડ રૂ.૧૧૯.૪૧, યુરો રૂ.૧૦૩.૩૫, યેન ૦.૧૦ ટકા ઘટ્યો અને ચાઇનીઝ યુઆન ૦.૩૪ ટકા મજબૂત રહ્યો.



