SME IPO : લિસ્ટિંગ ગેઈનનો ઉત્સાહ ઓસર્યો, ૪૫% શેર ઇશ્યૂ ભાવથી નીચે…!!

નાના અને મધ્યમ ઉદ્યોગો (SME) ના આઈપીઓમાં લિસ્ટિંગ ગેઈનનો ઉત્સાહ ધીમે ધીમે ઓસરતો જોવા મળી રહ્યો છે. આ વર્ષે એસએમઈ પ્લેટફોર્મ પર રૂ.૮૧૯૨ કરોડ એકત્ર કરનાર ૧૬૫ કંપનીઓમાંથી, લિસ્ટિંગના દિવસે ૬૧ કંપનીઓ (૩૭%)ના શેર તેમના ઇશ્યૂ ભાવથી નીચે બંધ થયા. તેની સામે, ૨૦૨૪માં ૨૨૭ કંપનીઓમાંથી ફક્ત ૨૧ (૯%) જ કંપનીઓએ પહેલો દિવસ માઈનસમાં પૂરો કર્યો હતો. આ વર્ષે ફક્ત નવ કંપનીઓના શેર બમણા થયા છે, જ્યારે ગયા વર્ષે ૬૯ કંપનીઓએ ઉછાળો આપ્યો હતો.
૨૦૨૪માં વિન્સોલ એન્જિનિયર્સે ૪૧૧%નો ચોંકાવનારો ઉછાળો આપ્યો હતો, જ્યારે અનેક કંપનીઓએ ૩૦૦%થી વધુ ગેઈન આપ્યો હતો. વિશ્લેષકો માને છે કે જુલાઈ ૨૦૨૪માં લાદવામાં આવેલી લિસ્ટિંગ કેપ (૯૦% મર્યાદા) અને ઓગસ્ટ ૨૦૨૫થી અમલમાં આવેલી પ્રિ-ઓપન સોદા પર ૨૦% મર્યાદા, સાથે સાથે સેબીના કડક નિયમન એ મુખ્ય કારણો છે જેના કારણે લિસ્ટિંગ ગેઈનમાં તેજી ઘટી છે.
હવે આઈપીઓના પ્રારંભિક સોદા વધુ શિસ્તબદ્ધ બની રહ્યા છે અને ગ્રે-માર્કેટ પ્રીમિયમ પણ પહેલા જેટલું લિસ્ટિંગ ડે પર પ્રતિબિંબિત થતું નથી. તેમ છતાં, રિટેલ રોકાણકારોનો એસએમઈ આઈપીઓમાં ઉત્સાહ યથાવત છે. અરજીઓની સંખ્યા હજુ પણ ગયા વર્ષ કરતા વધારે છે. જોકે, આક્રમક પ્રાઈસિંગ અને મર્યાદાઓને કારણે લિસ્ટિંગ બાદ શેરોમાં તેજ ગતિ ઓછી રહી છે. હાલમાં ૨૦૨૪ અને ૨૦૨૫માં લિસ્ટ થયેલા લગભગ ૪૫% એસએમઈ શેર તેમના ઇશ્યૂ ભાવથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે, જે બજારની સાવચેતી અને જોખમ મૂલ્યાંકન તરફ ઈશારો કરે છે.



