ભારતીય શેરબજારમાં અફડાતફડી સાથે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૧૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૬૬૬ સામે ૮૪૬૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૩૧૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૩૯૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૯૬૦ સામે ૨૫૮૮૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૮૫૮૪૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૮૫૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો… સપ્ટેમ્બર ત્રિમાસિક માટેના જીડીપી આંક અપેક્ષા કરતા સારા આવ્યા બાદ વર્તમાન સંપૂર્ણ નાણાં વર્ષના જીડીપી આંક પ્રોત્સાહક રહેવાની ધારણાંને પગલે આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી, પરંતુ ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ લાદવાની આપેલી ચીમકીને કારણે દિવસના અંતે શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
અમેરિકા સાથેના ભારતના સૂચિત વેપાર કરારને મુદ્દે પ્રવર્તતી અનિશ્ચિતતા, વિદેશી રોકાણકારોની વેચવાલી તેમજ અમેરિકન ફેડરલ રિઝર્વના આવનારા નિર્ણય પૂર્વે ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે એશિયન બજારો પાછળ અફરાતફરી જોવા મળી હતી અને મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ ઘટાડે બંધ રહ્યા હતા.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, જેરોમ પોવેલની આગેવાની હેઠળની એફઓએમસી સમિતિના ૨૦૨૫ના અંતિમ દર નિર્ણય પૂર્વે બુધવારે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે સ્થિર ટ્રેડિંગ કરી રહ્યો હતો, જયારે રશિયા – યુક્રેન યુદ્ધવિરામ માટે હવે પ્રગતિ કેવી આગળ વધે છે તેના પર બજારની નજર સાથે ક્રુડ ઓઈલના ભાવ ઘટાડા બાદ ફરી વધી આવ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૮% ઘટીને બંધ રહ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં મુખ્યત્વે બીએસઈ પર માત્ર મેટલ, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, કોમોડિટીઝ અને યુટિલિટીઝ સેક્ટરમાં ઉછાળો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૪૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૮૯ અને વધનારની સંખ્યા ૧૮૯૮ રહી હતી, ૧૫૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ટાટા સ્ટીલ ૧%, સન ફાર્મા ૦.૭૫%, આઈટીસી ૦.૫૬%, એનટીપીસી ૦.૪૮%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૪૩%, એચસીએલ ટેકનોલોજી ૦.૩૮%, એશિયન પેઈન્ટ્સ ૦.૩૫% અને મારુતિ સુઝુકી ૦.૦૫% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે ઈટર્નલ લિ. ૨.૮૬%, ટ્રેન્ટ લિ. ૧.૬૬%, ભારતી એરટેલ ૧.૧૦%, ઈન્ફોસિસ લિ. ૦.૯૨%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૮૩%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૭૮%, ટેક મહિન્દ્ર ૦.૭૨%, એચડીએફસી બેન્ક ૦.૬૫%, બજાજ ફાઈનાન્સ ૦.૬૪%, ટીસીએસ લિ. ૦.૬૩%, બીઈએલ ૦.૫૯% અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ ૦.૩૯% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૮૩ લાખ કરોડ ઘટીને ૪૬૪.૦૮ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૨ કંપનીઓ વધી અને ૧૮ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતમાં રોકાણના બદલાતા વલણો સ્પષ્ટ કરે છે કે ભારતીય શેરબજાર આગામી વર્ષોમાં વધુ મજબૂત અને વ્યાપક બનવા જઈ રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ્સ અને લિસ્ટેડ શેરોમાં વધતી રૂચિ, રોકાણયોગ્ય સંપત્તિમાં તેમનો સતત વધતો હિસ્સો અને ટિયર-૨, ટિયર-૩ શહેરો તરફ વધતો બજાર પ્રવેશ ભારતીય મૂડીબજારના ધોરણોને બદલી રહ્યા છે. ખાસ કરીને યુવા રોકાણકારો અને મહિલાઓનો વધતો પ્રવેશ બજારમાં નવી ઊર્જા અને લાંબા ગાળાના મૂડીપ્રવાહને મજબૂત કરશે. એસઆઈપી મારફતે સતત આવતો સ્થિર નાણા પ્રવાહ બજારને વોલેટિલિટી દરમિયાન પણ સપોર્ટ કરે છે, જે ભારતીય શેરબજારને વધુ રેસિલિયન્ટ અને મજબૂત બનાવે છે. આ તમામ પરિબળો દર્શાવે છે કે આવનારા સમયમાં ભારતીય બજારમાં ભાગીદારી અને લિક્વિડિટી બંને વધશે, જે ઈક્વિટી માર્કેટને લાંબા ગાળે મજબૂત આધાર પૂરું પાડશે.
જો કે, ભારત હજી પણ કેનેડા, યુએસ, યુકે અને બ્રાઝિલ જેવા દેશોની તુલનામાં ઈક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણોમાં ઘણું પાછળ છે, પરંતુ આ જ તફાવત ભારત માટે સૌથી મોટી તક છે. સ્થાનિક સંપત્તિમાં ઈક્વિટી રોકાણનો હિસ્સો વધવા માટે વિશાળ અવકાશ છે અને જ્યારે રોકાણયોગ્ય સંપત્તિ ૨૦૨૫ સુધી ૧૩૦૦-૧૪૦૦ લાખ કરોડ સુધી પહોંચવાની શક્યતા છે, ત્યારે આ બજારમાં વધુ મૂડી પ્રવાહની સંભાવના વધારે છે. ડેમોગ્રાફિક એડ્વાન્ટેજ, વિકાસશીલ ડિજિટલ ઈકોસિસ્ટમ, નિયમનકારી સુધારા અને વધી રહેલી નાણાકીય જાગૃતિ મળીને ભારતને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ઈક્વિટી બજારોમાં સ્થાન અપાવી શકે છે.
તા.૧૧.૧૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૦.૧૨.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૮૫૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૭૩૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૮૮૦ પોઈન્ટ થી ૨૫૯૩૯ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૫૩૯ ) :- રીફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૪૭ થી રૂ.૧૫૫૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૨૬ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૯૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૩૭ થી રૂ.૧૩૪૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- એક્સીસ બેન્ક ( ૧૨૮૧ ) :- રૂ.૧૨૬૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૫૫ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૮૯ થી રૂ.૧૨૯૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ટાટા કન્ઝ્યુમર ( ૧૧૪૫ ) :- ટી એન્ડ કૉફી સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૫૩ થી રૂ.૧૧૬૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૧૬ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- જીન્દાલ સ્ટીલ ( ૧૦૧૦ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૯૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૨૪ થી રૂ.૧૦૩૩ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઈન્ફોસીસ લિ. ( ૧૫૯૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૦૯ આસપાસ સપોર્ટથી રૂ.૧૫૭૮ થી રૂ.૧૫૬૫ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૨૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ટેક મહિન્દ્રા ( ૧૫૫૬ ) :- રૂ.૧૫૭૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૮૮ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૫૩૩ થી રૂ.૧૫૧૭ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૯૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- એચડીએફસી બેન્ક ( ૯૯૪ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૧૭ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૮૩ થી રૂ.૯૭૬ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- સ્ટેટ બેન્ક ( ૯૬૦ ) :- પબ્લિક બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૭૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૫૩ થી રૂ.૯૪૪ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૮૪ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એસબીઆઈ કાર્ડ્સ ( ૮૬૫ ) :- રૂ.૮૮૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૮૮૯ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૮૫૮ થી રૂ.૮૫૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૯૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in


