બિહાર ચૂંટણીના પરિણામો પૂર્વે ભારતીય શેરબજારમાં ફંડોની સાવચેતી…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૧૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૪૭૮ સામે ૮૪૦૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૦૨૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૬૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૪ પોઈન્ટના ઉછાળા સાથે ૮૪૫૬૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૯૫૩ સામે ૨૫૯૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૮૧૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૯૫૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે અંતે ઐતિહાસિક શટડાઉનનો અંત લાવતાં અને અમેરિકાની ભારત સાથે ટ્રેડ ડિલ ટૂંક સમયમાં થવાના પોઝિટીવ નિર્દેશો છતા આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર અફડાતફડીના અંતે સામાન્ય ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકાના પરમાણું પરીક્ષણ અને પાકિસ્તાન – અફઘાનિસ્તાન વચ્ચે વણસતી પરિસ્થિતિએ જીઓપોલિટીકલ ટેન્શનને લઈ અમેરિકી શેરબજારો પાછળ સતત વૈશ્વિક બજારોમાં ધોવાણ સાથે ભારતીય શેરબજારમાં પણ ફંડો, મહારથીઓએ ઈન્ડેક્સ બેઝડ વોલેટીલિટીના અંતે નવા કમિટમેન્ટથી દૂર રહી હળવા થવાનું પસંદ કર્યું હતું.
ચૂંટણીના પરિણામ જાહેર થતાં પૂર્વે અને શટડાઉનના અંતના પરિબળને આજે બજારે ડિસ્કાઉન્ટ કરી સાવચેતી બતાવી હતી. વૈશ્વિક આર્ટિફિશ્યિલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે થઈ રહેલા ઝડપી ટેકનોલોજી પરિવર્તનને લઈ આઈટી ઉદ્યોગ સામે અનેક પડકારો ઊભા થઈ રહ્યા હોવાને લીધે ફંડોએ ઉછાળે ઈન્ડેક્સ બેઝડ પ્રોફિટ બુકિંગ કરતા ઇન્ડેક્સ બેઝડ ભારતીય શેરબજાર વોલેટીલિટીના અંતે પોઝીટીવ ઝોનમાં બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં ૪૩ દિવસના અત્યારસુધીના લાંબા શટડાઉન સમાપ્ત થતા હવે મહત્વના આર્થિક ડેટા જાહેર થવાનો માર્ગ મોકળો થતા આર્થિક ડેટા અમેરિકામાં વ્યાજ દરમાં કપાતની શકયતા વધારશે તેવી ગણતરીએ ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે ઓપેક તથા સાથી દેશોએ વૈશ્વિક બજારમાં ક્રુડઓઈલનો પૂરવઠો વધવાના સંકેત આપતા ક્રુડઓઈલના ભાવમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૩% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઈટી, ફોકસ્ડ આઈટી, મેટલ, ટેક, કોમોડિટીઝ, ઓટો, ઓઈલ એન્ડ ગેસ અને એનર્જી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૮૯ અને વધનારની સંખ્યા ૧૯૭૪ રહી હતી, ૧૬૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ઈટર્નલ લિ. ૧.૯૭%, બીઈએલ ૧.૭૦%, ટ્રેન્ટ લિ. ૧.૫૬%, એક્સીસ બેન્ક ૧.૪૬%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૩૪%, બજાજ ફાઈનાન્સ ૧.૩૦%, સન ફાર્મા ૧.૧૯%, એશિયન પેઈન્ટ ૦.૯૫%, અદાણી પોર્ટસ ૦.૯૩%, હિન્દુસ્તાન યુનીલીવર ૦.૭૪% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૫૫% વધ્યા હતા, જ્યારે ઇન્ફોસિસ લિ. ૨.૫૮%, ટાટા મોટર પેસેન્જર વ્હીકલ ૧.૬૨%, ટાટા સ્ટીલ ૧.૩૯%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૦૧%, ટેક મહિન્દ્રા ૦.૫૭%, ટાઈટન કંપની લિ. ૦.૫૩%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૫૧%, મારુતિ સુઝુકી ૦.૪૯%, લાર્સેન લિ. ૦.૧૭%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૧૪% અને એચસીએલ ટેકનોલોજી ૦.૧૦% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સમાં ઉછાળા સાથે સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૭૪ લાખ કરોડ ઘટીને ૪૭૩.૯૪ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૯ કંપનીઓ વધી અને ૧૧ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજાર માટે આવતા સમયની દિશા મિશ્ર પરંતુ માળખાકીય રીતે સકારાત્મક દેખાઈ રહી છે. એક તરફ વૈશ્વિક અર્થતંત્રમાં ઘટાડો, વ્યાજદરો તથા જિયોપોલિટિકલ અનિશ્ચિતતાઓ બજારમાં ટૂંકા ગાળે વોલેટિલિટી જાળવી શકે છે. બજારના મૂલ્યાંકન ઐતિહાસિક સરેરાશ કરતાં ઊંચા હોવાથી, ઘટાડા આધારિત તબક્કાઓ વચ્ચે – વચ્ચે જોવા મળે તેવી સંભાવના છે. પરંતુ બીજી તરફ, ભારતની સ્થિર માઈક્રો અર્થવ્યવસ્થા, મજબૂત જીએસટી તથા ટેક્સ કલેક્શન, મજબૂત કોર્પોરેટ કમાણી વૃદ્ધિ અને અનેક ક્ષેત્રોમાં મૂડી ખર્ચ તેજ ગતિએ આગળ વધી રહી છે. આ પરિબળો લાંબા ગાળે બજારને સ્થિર સપોર્ટ આપતા રહેશે.
બીજી તરફ, વિદેશી રોકાણ પ્રવાહમાં ફરીથી વધારો, ભારત-અમેરિકા વેપાર સંબંધોમાં સુધારા અને સ્થાનિક રોકાણકારની સતત અને મજબૂત એસઆઈપી થકી સતત રોકાણ બજારને આંતરિક મજબૂતી પ્રદાન કરે છે. મ્યુચ્યુઅલ ફન્ડો દ્વારા ઊંચી કેશ પોઝિશન જાળવવામાં આવી હોવા છતાં, આ સાવચેતી તેઓને ઘટાડા દરમિયાન ખરીદીની તક અપાવશે, જેના કારણે બજારમાં ઘટાડા આધારિત સપોર્ટ મજબૂત રહેવાની શક્યતા છે. કુલ મળીને, ભારતીય બજારનું લાંબા ગાળાનું માળખાકીય રીતે તેજી વલણ યથાવત્ છે, જ્યારે ટૂંકા ગાળે વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે ઉતાર-ચઢાવ સાથે રેન્જ બાઉન્ડથી સિલેક્ટીવ અપટ્રેન્ડ ચાલ જળવાઈ રહેવાની સંભાવના વધારે છે.
તા.૧૭.૧૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૪.૧૧.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૯૫૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૦૦૮ પોઈન્ટ થી ૨૬૦૮૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- સન ફાર્મા ( ૧૭૫૯ ) :- ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૦૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૭૩ થી રૂ.૧૭૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૮૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૫૨૦ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૯૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૩૪ થી રૂ.૧૫૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ટેક મહિન્દ્રા ( ૧૪૪૩ ) :- રૂ.૧૪૨૩ નો પ્રથમ તેમજ રૂ.૧૪૦૮ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૬૪ થી રૂ.૧૪૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૫૫ ) :- હાઉસહોલ્ડ અપ્લાયન્સીસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૬૭ થી રૂ.૧૩૮૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૦૯ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- સ્ટેટ બેન્ક ( ૯૬૯ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પબ્લિક બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૩૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૮૪ થી રૂ.૯૯૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૭૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૦૪ આસપાસ સપોર્ટથી રૂ.૧૩૬૦ થી રૂ.૧૩૪૪ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૧૪ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૨૩૨ ) :- રૂ.૧૨૭૩ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૨૮૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૨૦૮ થી રૂ.૧૧૯૬ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૫૧ ) :- પર્સનલ કેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૯૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૨૭ થી રૂ.૧૧૦૮ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- અદાણી ગ્રીન ( ૧૦૬૯ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૯૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૩૩ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૩ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એચડીએફસી બેન્ક ( ૯૯૦ ) :- રૂ.૧૦૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૧૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૭૭ થી રૂ.૯૬૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૨૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in



