ઓગસ્ટ માસમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં મજબૂત રોકાણ, નેટ ઇનફ્લો રૂ.૭૦,૫૦૦ કરોડ સુધી પહોંચ્યો…!!
ઓગસ્ટ મહિનામાં ભારતીય ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણકારોની મજબૂત ભાગીદારી જોવા મળી છે. જુલાઈમાં રૂ. ૪૨,૭૦૨ કરોડના ઇનફ્લો બાદ, ઓગસ્ટમાં ચોખ્ખું રોકાણ વધીને રૂ. ૭૦,૫૦૦ કરોડ સુધી પહોંચી ગયું છે. આ અત્યાર સુધીના એક મહિનામાં નોંધાયેલ બીજું સૌથી મોટું રોકાણ ગણાય છે. સૌથી વધુ નેટ ઇનફ્લો ઓક્ટોબર ૨૦૨૪માં જોવા મળ્યો હતો, જ્યારે આ આંકડો રૂ. ૯૦,૭૭૦ કરોડ સુધી પહોંચ્યો હતો.
આ વખતે ખાસ વાત એ રહી કે બજારમાં ઘટાડા વચ્ચે પણ મ્યુચ્યુઅલ ફંડ મેનેજરોએ સક્રિય ખરીદી ચાલુ રાખી. જુલાઈમાં નિફ્ટી ૫૦ ઇન્ડેક્સમાં લગભગ ૩ ટકાનો ઘટાડો અને ઓગસ્ટમાં ૧.૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, છતાં રોકાણકારો ઇક્વિટી તરફ આકર્ષાયા હતા. આથી સ્પષ્ટ થાય છે કે લાંબા ગાળાની દ્રષ્ટિએ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ પર તેમનો વિશ્વાસ યથાવત રહ્યો છે.
ઓગસ્ટમાં નોંધાયેલા નેટ ઇનફ્લો પાછળનું મુખ્ય કારણ લમ્પ-સમ રોકાણ અને નવા ફંડ ઓફરિંગ્સ (NFO) રહ્યાં છે. જુલાઈમાં લમ્પ-સમ ઇનફ્લો જૂનની સરખામણીએ નોંધપાત્ર રીતે વધ્યો હતો. જૂનમાં રૂ. ૩૪,૩૦૦ કરોડના મુકાબલે જુલાઈમાં લમ્પ-સમ રોકાણ રૂ. ૫૨,૦૦૦ કરોડથી વધુ થઈ ગયું હતું. ખાસ કરીને હાઇ નેટવર્થ વ્યક્તિઓ (HNIs) અને સંસ્થાકીય રોકાણકારોએ બજારમાં થયેલા કરેક્શન અને મૂલ્યાંકન તકોનો લાભ લઈ મોટા પાયે રોકાણ કર્યું હતું.
આ ઉપરાંત, નવા ફંડ ઓફરિંગ્સે પણ ઉદ્યોગના ભંડોળ એકત્રિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ફક્ત જુલાઈમાં જ એનએફઓ દ્વારા રૂ. ૩૦,૪૧૬ કરોડ એકત્ર થયા હતા. થીમેટિક અને સેક્ટરલ ફંડ્સ તરફ રોકાણકારોની ખાસ રસદારી જોવા મળી, જેના કારણે ઓગસ્ટમાં પણ રોકાણની ગતિ જાળવાઈ રહી.
એકંદરે જોવામાં આવે તો, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં સતત વધતો રોકાણપ્રવાહ દર્શાવે છે કે રોકાણકારો હવે ટૂંકા ગાળાના બજાર ઉતાર-ચઢાવને અવગણીને લાંબા ગાળાની સંપત્તિ સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ પ્રવાહ ભારતીય મૂડીબજાર માટે એક સકારાત્મક સંકેત છે.