Rajkot: રાજકોટ વર્તુળનાં ગામડાઓમાં ગામ-તળાવો ઊંડા કરાશેઃ મંત્રીશ્રી બાવળીયા

તા.૧/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ વર્તુળમાં વરસાદથી ૪૩ નાની સિંચાઈ યોજના છલકાઈ, ડેમસેફ્ટીના ૧૫ કામો પૂર્ણ
Rajkot: રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં આજે રાજકોટ સિંચાઈ વર્તુળ વિભાગના વિવિધ વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બહુમાળી ભવન ખાતે રાજકોટ પંચાયત સિંચાઈ વર્તુળના અધિક્ષક ઈજનેરશ્રીની કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં, રાજકોટ વર્તુળના નાની સિંચાઈ યોજનાનાં કામોનો પ્રગતિ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
આ તકે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ પંચાયત સિંચાઈ વર્તુળ હેઠળ આવતાં ગામડાંની પાસે આવેલાં ગામ-તળાવોને અલગ તારવવા સૂચના આપી હતી તેમજ આગામી દિવસો ગામ-તળાવ ઊંડા કરવાને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગામ-તળાવમાં પાણીના સંગ્રહ થવાથી ગામ માટે પાણી ઉપલબ્ધ થાય, પશુઓને પીવાનું પાણી મળી રહે તેમજ ગામના જળસ્રોતને ફાયદો થાય, ખેડૂતોને સિંચાઈમાં પણ ફાયદો થાય. આથી ગામ-તળાવને પ્રાથમિકતા આપીને તેને ઊંડા કરવાના કામો પર લક્ષ આપવા તેમણે અધિકારીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં જણાવાયું હતું કે, રાજકોટ વર્તુળમાં ૫૬ નાની સિંચાઈ યોજનાઓ આવેલી છે. જેમાંથી વરસાદના કારણે હાલ ૪૩ યોજનાઓ સંપૂર્ણ રીતે ભરાઈ ગઈ છે. રાજકોટ વર્તુળમાં હાલ ડેમ સેફટીના રૂપિયા ૧૮ કરોડથી વધુની રકમનાં ૨૨ જેટલાં કામો પ્રગતિ હેઠળ છે. જેમાંથી ૧૫ ડેમ સેફ્ટીનાં કામો સો ટકા પૂર્ણ થઈ ગયાં છે. જ્યારે બે ડેમનાં કામો ૯૦ ટકાથી વધુ પૂર્ણ થઈ ગયાં છે. જ્યારે બાકી કામો પ્રગતિ હેઠળ છે.
રાજકોટ વર્તુળમાં અંદાજે રૂપિયા ૨.૩૩ કરોડથી વધુના ખર્ચના પૂર સંરક્ષણ દિવાલના ૧૦ જેટલા કામોમાંથી આઠ કામો પૂર્ણ થઈ ગયા છે, જ્યારે બે કામો પ્રગતિ હેઠળ છે. જેના કારણે ઉપલેટાના ગાયત્રી મંદિર વિસ્તાર, પડધરીના ધુનાના, રાજકોટના ગઢકા, જસદણના દેવપરા, બળધોઈ તેમજ કાળાસર, વિંછિયા બેલડા તથા જનડા ગામે પૂરના પાણી આવતાં અટકશે અને ગામ લોકોને રાહત થશે. ઉપરાંત ૧૧ ચેકડેમો-તળાવનું અંદાજે ૮૦ લાખથી વધુના ખર્ચે રીપેરિંગ કામ પૂર્ણ થઈ ગયું છે.
રાજકોટ વર્તુળમાં ડેમ સેફ્ટીના ૩૩ કામો, કેનાલ મરામત તેમજ રીપેરિંગના ૧૦ જેટલા કામો તેમજ ચેકડેમ તળાવના રીપેરિંગના ૨૮ જેટલા કામો તથા પૂર સંરક્ષણ દીવાલના છ જેટલા કામો આયોજન હેઠળ હોવાનું જણાવાયું હતું.
મંત્રીશ્રીએ અધિકારીઓને ડેમોની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરવા તેમજ જ્યાં ક્યાંય પણ લિકેજ તેમજ કોઈ રિપેરિંગની જરૂર જણાય તો તાત્કાલિક હાથ ધરવા સૂચના આપી હતી. ઉપરાંત બાકી કામોની સ્થિતિ જાણીને તેને વેગવાન બનાવવા પણ સૂચના આપી હતી.
આ બેઠકમાં અધિક્ષક ઈજનેર શ્રી જયેન ભાટુ, કાર્યપાલક ઈજનેર શ્રી ડી.પી. ગજેરા, નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી સ્મીત ચૌધરી તેમજ અન્ય અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



