ઓગસ્ટ માસમાં બેરોજગારી ૫.૧% પર, ૪ મહિનાનો સૌથી નીચો દર…!!

ઓગસ્ટ મહિનામાં દેશમાં બેરોજગારીનો દર ઘટીને ૫.૧ ટકા રહ્યો છે, જે છેલ્લા ચાર મહિનામાં સૌથી ઓછો દર છે. જુલાઈમાં આ દર ૫.૨ ટકા હતો. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) દ્વારા જાહેર કરાયેલા પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) મુજબ, ગ્રામિણ તેમજ શહેરી બંને વિસ્તારોમાં રોજગારીની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. ગ્રામિણ વિસ્તારોમાં બેરોજગારીનો દર ઘટીને ૪.૩ ટકા થયો છે, જે અત્યાર સુધીના આ નાણાકીય વર્ષનો સૌથી ઓછો સ્તર છે.
શહેરી વિસ્તારોમાં પણ આ દર ઘટીને ૬.૭ ટકા રહ્યો છે, જ્યારે જુલાઈમાં તે ૭.૨ ટકા હતો. પુરુષોમાં બેરોજગારીનો દર ઓગસ્ટમાં ઘટીને ૫ ટકા રહ્યો છે, જ્યારે સ્ત્રીઓમાં તે ૫.૨ ટકા નોંધાયો છે. ૧૫ થી ૨૯ વર્ષની વય જૂથમાં બેરોજગારી થોડું ઘટીને ૧૪.૬ ટકા રહી છે. આ વય જૂથના યુવાનો સામાન્ય રીતે પ્રથમ વખત નોકરી બજારમાં પ્રવેશતા હોવાથી આ આંકડા ખાસ મહત્વ ધરાવે છે. કુલ મળીને, ઓગસ્ટમાં શ્રમબજારમાં સકારાત્મક ગતિ જોવા મળી છે, જે રોજગારીમાં ધીમે ધીમે સુધારાની દિશા દર્શાવે છે.



