
સમીર પટેલ, ભરૂચ
ગેંગના 4 સભ્યોએ ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં 52 સ્થળોએ ATM છેતરપિંડી કરી
ગુનેગારો પાસેથી 2 બાઇક, 4 એટીએમ કાર્ડ અને 4 મોબાઇલ અને રોકડા જપ્ત
દહેજ પોલીસે ATM કાર્ડ ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગના 4 આરોપીઓને ઝડપી પાડી દેહજમાં થયેલી છેતરપિંડીનો ભેદ ઉકેલી નાખ્યો છે.
મૂળ ઉત્તરપ્રદેશની ટોળકીના 4 સાગરીતો એટીએમ સેન્ટરમાં મદદ કરવાના બહાને કાર્ડ બદલી પીન મેળવી અન્ય એટીએમમાંથી પૈસા ઉપાડી લેતા હતા.
દહેજ ગામના એક્સીસ બેંકના ATM ની અંદરથી વ્યક્તિની નજર ચુકવી તેનુ કાર્ડ ચોરી કરી બીજુ એ.ટી.એમ. કાર્ડ આપી પૈસા ઉપાડી લેનાર સામે ગુનો દાખલ કરાયો હતો.
દહેજ PI એચ.બી.ઝાલાની સુચના આધારે સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી. જગ્યાની આજુબાજુના તેમજ રોડ પરના અલગ-અલગ જગ્યાના CCTV ફુટેજ, ટેકનીકલ અને હ્યુમન સોસીંસ આધારે તપાસ હાથ ધરાઈ હતી.
દહેજના સરસ્વતી નાળા પાસેથી ATM ફ્રોડમાં સંડોવાયેલા 4 આરોપીઓને 2 બાઇક, 4 મોબાઈલ અને 4 ATM તેમજ રોકડા 8 હજાર સાથે ઝડપી લેવાયા હતા.
આરોપીઓ ભીડભાળવાળી જગ્યાઓએ આવેલ અલગ-અલગ એ.ટી.એમ. સેન્ટરો ખાતે જતા. ભોળા માણસોની પાછળ એ.ટી.એમ.ની. લાઈનમાં ઉભા રહી માણસોનો વિશ્વાસ કેળવતા. તેઓ પાસે રહેલ એ.ટી.એમ. કાર્ડનો પાસવર્ડ જાણી નજર ચુકવી એ.ટી.એમ. કાર્ડ બદલી બીજી જગ્યાએ જઈ પૈસા ઉપાડી લેતા.
મૂળ ઉત્તરપ્રદેશ અને હાલ સુરત તેમજ નવસારી ખાતે રહેતા શુભમ ઉર્ફે અંશુ તિવારી, નિતીનસિંહ, નિલેશ તિવારી અને આકાશસિંગે ગુજરાત, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં કાર્ડ બદલી ATM ફ્રોડને અંજામ આપ્યો છે.
ત્રણ રાજ્યોમાં આ 4 સાગરીતોએ 52 જેટલા સ્થળોએ ATM સેન્ટરો પર લોકોના કાર્ડ બદલી બીજા સેન્ટર પરથી લાખોની રકમ ઉપાડી લીધી હોવાનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે.



