RAMESH SAVANI

નફરતી ચેનલોનો ઉપાય શું?

NBDSA-ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ એન્ડ ડિજિટલ સ્ટાન્ડર્ડ ઓથોરિટીના વડા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ એ.કે. સિકરીએ 29 ફેબ્રુઆરી 2024ના રોજ નફરત અને સાંપ્રદાયિક વિસંગતતા ફેલાવતી ટેલિવિઝન સમાચાર સંસ્થાઓ સામે પગલાં લીધાં છે.
એક્ટિવિસ્ટ ઈન્દ્રજીત ઘોરપડેએ સાંપ્રદાયિક અને ભડકાઉ શો સામે ફરિયાદ કરી હતી. NBDSAએ સુધીર ચૌધરી દ્વારા એન્કર કરાયેલા તેના શો માટે ઈન્ડિયા ટુડે જૂથના ‘આજતક’ને ચેતવણી આપી હતી. ટાઈમ્સ નાઉ નવભારતને રુપિયા 1,00,000 અને ન્યૂઝ 18 ઈન્ડિયાને રુપિયા 50,000નો દંડ ફટકાર્યો છે. ટાઈમ્સ નાઉના એન્કર હિમાંશુ દીક્ષિતને એક સમુદાય તરીકે મુસ્લિમોને લક્ષ્યાંકિત કરવા અને આંતર-વિશ્વાસ સંબંધોને ‘લવ જેહાદ’ તરીકે રજૂ કરવા માટે દંડ કરવામાં આવ્યો છે. NBDSAએ ઠરાવ્યું કે ‘દરેક નાગરિકને, તેની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર છે, પછી ભલે તે કોઈપણ ધર્મનો હોય.’ આ ત્રણેય ચેનલોને સાત દિવસની અંદર નફરતી કાર્યક્રમોના ઓનલાઈન વર્ઝનને દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ન્યૂઝ 18 ઇન્ડિયા, અબજોપતિ મુકેશ અંબાણીની છે. તેને ત્રણ જેટલા શો માટે દંડ ફટકારવામાં આવ્યો હતો, જેમાંથી બે અમન ચોપરા દ્વારા અને એક અમીષ દેવગન દ્વારા એન્કર કરવામાં આવ્યા હતા. ચેનલોના ધનપતિ માલિકો બંધારણની ભાવનાના હત્યારા છે ! તેમને ચેતવણી મળે કે દંડ થાય એથી કોઈ ફરક પડવાનો નથી ! પરંતુ આ ચેતવણી/ દંડ લોકોની આંખો જરુર ખોલી શકે !
ભારતીય ટીવી ન્યૂઝ ચેનલો નફરતથી ભરેલી છે તે 2014થી ચિંતાનો વિષય છે. સુપ્રીમ કોર્ટે 2022 માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘નફરત ટીઆરપી અપાવે છે, નફો લાવે છે ! તે સમગ્ર સમુદાયને લક્ષ્ય બનાવીને ઘટનાઓનું સામાન્યીકરણ છે, જે કોડ ઓફ એથિક્સ એન્ડ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ્સ હેઠળ નિષ્પક્ષતા, ઉદ્દેશ્ય અને તટસ્થતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.’
સૌથી મોટી સમસ્યા એ છે કે આ ચેનલોના માલિકો ધનપતિ છે, તેઓ જે નફરત ફેલાવે છે તેનો ભોગ ગરીબ અને મધ્યમવર્ગના લોકો બને છે. સત્તાપક્ષને મતો મળે છે. એટલે સરકાર નફરતી કાર્યક્રમો રોકતી નથી. ચેનલો સત્તાપક્ષની ચાપલૂસી માટે નફરત ફેલાવવાની સ્પર્ધા કરે છે. આ એક વિષચક્ર બની ગયું છે. આનો ઉકેલ શું? ઘરમાં સભ્યો આ નફરતી ચેનલો ન જૂએ તે માટે પ્રબંધ કરવો એ જ શ્રેષ્ઠ ઉકેલ છે !

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!