AHAVADANG

ડાંગના સુબીર ખાતે મજૂર અધિકાર મંચની બેઠક યોજાઈ, શેરડી કાપણીના મજૂરોના હિતમાં મહત્વના ઠરાવો પસાર કરાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા મજૂર અધિકાર મંચની આગેવાની હેઠળ ડાંગ જિલ્લાનાં સુબીરનાં શબરીધામ રિસોર્ટ ખાતે શેરડી કાપણીનાં મજૂરો અને મુકદમોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં 300થી વધુ મજૂર મુકદમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ બેઠકના અંતે સર્વાનુમતે મજૂરોના હિતમાં કેટલાક મહત્વપૂર્ણ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.બેઠકમાં ઉપસ્થિત મજૂર આગેવાનો અને મુકદમોએ શેરડી કાપણીના મજૂરોને પડતી મુશ્કેલીઓ અને તેમના અધિકારો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.ત્યારબાદ મજૂરોના હિતને ધ્યાનમાં રાખીને  સર્વાનુમતે ઠરાવ મંજૂર કર્યા હતા.જેમાં (1) તમામ સુગર ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરોને બળતણ ખર્ચ પેટે પ્રતિદિન ₹ 5 મળવા જોઈએ.આ ઠરાવથી દૂર-દૂરથી આવતા મજૂરોને તેમના પરિવહન ખર્ચમાં રાહત મળશે,( 2) કોઈપણ સુગર ફેક્ટરીમાં કામ કરતા કામદારનું કુદરતી મૃત્યુ થવાના કિસ્સામાં, સુગર ફેક્ટરી દ્વારા તેના પરિવારને આર્થિક સહાયતા આપવાની જોગવાઈ કરવામાં આવશે.આ નિર્ણયથી શોકગ્રસ્ત પરિવારને કપરા સમયમાં આર્થિક રીતે મદદરૂપ થઈ શકાશે. સહાયની રકમ સુગર ફેક્ટરીઓ દ્વારા નક્કી કરવામાં આવશે,(3) તમામ સુગર ફેક્ટરીઓએ મજૂરીની ચૂકવણી માટે એક સમાન વાવચર (ચુકવણી પત્રક) બનાવવું પડશે. આનાથી મજૂરોને તેમની મહેનતનું યોગ્ય અને પારદર્શક રીતે વળતર મળી રહેશે(4) તમામ મુકદમોએ હવેથી મજૂરોની એક જોડી પર એડવાન્સ પેટે ₹ 50,000 થી વધુ રકમ આપવાની રહેશે નહીં, અને મજૂરોએ પણ તેનાથી વધુ રકમની માંગણી કરવી નહીં. આ નિર્ણયથી મજૂરો અને મુકદમો વચ્ચે નાણાકીય લેવડ-દેવડમાં પારદર્શિતા જળવાશે,(5) કોઈપણ સુગર ફેક્ટરીમાં કામ કરતા મુકદમો મજૂરો પાસેથી ૨૫% થી વધારે વ્યાજ વસૂલ કરી શકશે નહીં. આ ઠરાવ મજૂરોને ઊંચા વ્યાજના બોજમાંથી મુક્ત કરશે,(6) તમામ મુકદમોએ મજૂર સંગઠન દ્વારા આપવામાં આવતી શેરડી કાપણી મજૂર ભરતી કરારની ડાયરીમાં જ હિસાબ રાખવાનો રહેશે અને આ ડાયરીમાં નોંધાયેલો હિસાબ જ માન્ય ગણાશે. આનાથી હિસાબમાં ગેરરીતિ થવાની શક્યતા ઘટશે એમ મળી કુલ 6 જેટલા ઠરાવ કર્યા હતા.બેઠકમાં મજૂર અધિકાર મંચના ડાંગ જિલ્લાના સચિવ જયેશભાઈ ગામીત, કારોબારી અધ્યક્ષ શાંતિલાલભાઈ, ખજાનચી ડેનિસભાઈ, એડવોકેટ સુનિલભાઈ ગામીત, રોશનભાઈ, અમૂલભાઈ, અનિલભાઈ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મજૂર મુકદમોને નવા ઠરાવો અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને તેમનું યોગ્ય માર્ગદર્શન કર્યું હતું.મજૂર અધિકાર મંચના આગેવાનોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જે કોઈ મુકાદમ કે મજૂર આ નિયમોનું પાલન નહીં કરે, તેમની સામે મજૂર કાયદા હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી જે તે મુકાદમ કે મજૂરની રહેશે. આ નિર્ણયથી શેરડી કાપણીના મજૂરોના હિતોનું રક્ષણ થશે અને તેમને વધુ સારી કાર્ય પરિસ્થિતિ પ્રાપ્ત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ બેઠક મજૂર વર્ગ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે..

Back to top button
error: Content is protected !!