VALSADVALSAD CITY / TALUKO

World Girls Day : વલસાડ જિલ્લામાં ૪૫૪૭ દિકરીઓને મળ્યો ‘વ્હાલી દીકરી યોજના’નો લાભ

વલસાડમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન બન્યું વેગવંતુ: જિલ્લામાં દર ૧૦૦૦ દીકરા સામે ૯૨૭ દીકરીઓનો રેશિયો

— સખી વન સ્ટોપ સેન્ટરમાં પાંચ વર્ષમાં કુલ ૯૩૮ કિશોરીઓ-મહિલાઓને આશ્રય, કાયદાકીય, તબીબી અને પોલીસ મદદ મળી

— આ વર્ષે વિશ્વ બાલિકા દિવસની થીમ- ‘સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત’

ખાસ લેખઃ જિજ્ઞેશ સોલંકી

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૦ ઓક્ટોબર

આજે દુનિયાભરમાં તા.૧૧ ઓક્ટોબરના દિવસે ‘વિશ્વ બાલિકા દિવસ’ની ઉજવણી થશે. કન્યાઓના શિક્ષણના અધિકાર, સલામતી અને મહત્વ વિશે જાગૃત્તિ લાવવા માટે આ દિવસની ઉજવણી થાય છે ત્યારે વલસાડ જિલ્લામાં બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન વેગવંતુ બન્યુ હોય એમ હાલમાં ૧૦૦૦ દીકરા સામે ૯૨૭ દીકરીઓ છે. આ સાથે જ ગુજરાત સરકારની દીકરીઓ માટેની મહત્વાકાંક્ષી યોજનાઓ પૈકીની એક ‘‘વ્હાલી દીકરી યોજના’’ પણ ઉપયોગી થઈ રહી છે. છેલ્લા ૫ વર્ષમાં ૪૫૪૭ દીકરીઓએ લાભ મેળવ્યો છે.

આ વર્ષે બેટી બચાવો, બેટી પઢાવો અને પુર્ણા યોજના હેઠળ ગુજરાતમાં વિશ્વ બાલિકા દિવસ ૨૦૨૩ની થીમ ‘સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત’ છે. રાજ્ય સરકાર દ્વારા દિકરીઓના ઉત્થાન, સ્વરક્ષણ, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે વિવિધ યોજનાઓ અમલી છે. દીકરીઓના જન્મ દરમાં વધારો થાય તેમજ દીકરીના માતા -પિતાની સામાજિક અને આર્થિક સ્થિતિ મજબૂત બને, બાળ લગ્ન પ્રથા અટકે અને શિક્ષણમાં બાળકીઓના ડ્રોપ આઉટનું પ્રમાણ ઘટે તે માટે ‘‘વ્હાલી દીકરી યોજના’’ કાર્યરત છે. જે અંતર્ગત દીકરી ધો.૧ માં આવે ત્યારે રૂા.૪૦૦૦, ધો.૯ માં પ્રવેશ કરે ત્યારે રૂા.૬૦૦૦ તેમજ દીકરી ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવે અથવા લગ્ન કરે તો સહાય તરીકે રાજય સરકાર દ્વારા રૂ. ૧ લાખની સહાય આપવામાં આવે છે. વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં આ યોજના હેઠળ કુલ મંજૂર લાભાર્થીની સંખ્યા ૪૫૪૭ થઈ છે. આ સિવાય સખી વન સ્ટોપ સેન્ટર ખાતે છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૯૩૮ કિશોરીઓ, મહિલા-યુવતીઓને આશ્રય, કાયદાકીય મદદ, તબીબી અને પોલીસ સેવા તેમજ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે.

વિશ્વ બાલિકા દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સમજાવતાં વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વેતા દેસાઈએ જણાવ્યું કે, વિશ્વ બાલિકા દિવસની ઉજવણી બાલિકા-કિશોરીઓના સ્વરક્ષણ, અધિકારો અને તેમની સામે આવનારી મુશ્કેલીઓનો સામનો કરવાનો તથા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાનો છે. ૧૧ ઓક્ટોબર, ૨૦૧૬ ના રોજ, યુનાઈટેડ નેશન્સ વિમેન્સ ગુડવિલ એમ્બેસેડર એમ્મા વોટસને વિશ્વભરના દેશો અને પરિવારોને બળજબરીથી બાળ લગ્ન સમાપ્ત કરવા વિનંતી કરી હતી. કિશોરીઓને શિક્ષિત કરવાથી બાળ લગ્ન દરને ઘટાડવામાં મદદ મળે છે અને તેમને સુશિક્ષિત કરવાથી સમાજમાં, આર્થિક ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધારવામાં મદદ મળે છે.

બોક્ષ મેટર

વલસાડ જિલ્લામાં આજથી ૩ દિવસ કિશોરી મેળા યોજાશે

વલસાડ જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી કમલેશ ગિરાસેએ જણાવ્યુ કે, વલસાડ જિલ્લા કક્ષાએ તા.૧૧ થી ૧૩ ઓક્ટોબર સુધી ધરમપુર, વલસાડ અને ઉમરગામમાં કિશોરી મેળાનું આયોજન કરાયું છે. જેમાં સાયબર ક્રાઈમ અને સ્વ-રક્ષણ તાલીમ વિશે જાગૃતિ, કિશોરીઓ માટે વિવિધ વિભાગો દ્વારા કાર્યરત યોજનાના સ્ટોલ, મેળાના કાર્યક્રમમાં દીકરીઓ દ્વારા એન્કરીંગ, મિલેટ્સ અને પૂર્ણા શક્તિમાંથી બનતી વિવિધ વાનગીનું નિદર્શન, દીકરીઓ માટે ખાસ પરામર્શ બુથ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે શોર્ટ ફિલ્મ, વિવિધ નિષ્ણાંતો દ્વારા જુદા જુદા વિષયો અંગે માર્ગદર્શન અને કિશોરીઓનું આરોગ્ય તપાસ અને પરામર્શ કરાશે.

બોક્ષ મેટર

વિશ્વ બાલિકા દિવસનો ઈતિહાસ

સંયુક્ત રાષ્ટ્રસંઘ મહાસભાએ કિશોરીઓના અધિકારોને માન્યતા આપવા અને તેમની સામેના આગવા પડકારો અંગે જાગૃતિ કેળવવા, વર્ષ ૨૦૧૧માં આજના દિવસે દર વર્ષે ૧૧મી ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવાના ઠરાવને બહાલી આપી હતી. વિશ્વ બાલિકા દિવસની ઉજવણી માટેની પહેલ એક બિન-સરકારી સંસ્થા ‘પ્લાન ઇન્ટરનેશનલ’ પ્રોજેક્ટ તરીકે લેવામાં આવી હતી. આ સંગઠને “કારણ કે હું એક છોકરી છું” નામનું અભિયાન પણ શરૂ કર્યું હતું, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવા કેનેડાની સરકારના સહયોગ મેળવ્યો હતો. ત્યારબાદ કેનેડા સરકારે ૫૫મી મહાસભામાં ઠરાવ રજૂ કર્યો હતો અને સંયુક્ત રાષ્ટ્રએ ૧૯ ડિસેમ્બર, ૨૦૧૧ના રોજ ઠરાવ સર્વ સહમતિથી પસાર કર્યો હતો. ૧૧ ઓક્ટોબરને ઉજવણી કરવા માટેનો દિવસ પસંદ કરી પ્રથમ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તા.૧૧ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ વૈશ્વિક સ્તરે મનાવવામાં આવ્યો હતો.

બોક્ષ મેટર

વ્હાલી દીકરી યોજના પર એક નજર

  • આ યોજનાનો લાભ તા. ૦૨-૦૮-૨૦૧૯ (તા. ૦૧-૦૮-૨૦૧૯ મધ્ય રાત્રિ ૧૨-૦૦ કલાક પછી) કે ત્યારબાદ જન્મેલી દીકરીને મળવાપાત્ર છે.
  • દીકરીના જન્મ સમયે માતાની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  • દંપતીની (પતિ-પત્નીની સંયુક્ત) વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
  • દંપતીની પ્રથમ ત્રણ સંતાન પૈકી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!