GUJARAT

ડાંગ જિલ્લાના તેજસ્વિની સંસ્કૃતિ ધામ વાસુરણા ખાતે સૃષ્ટિ સંચાલનની સત્ય સનાતન સંસ્કૃતિ સપ્તાહ’ સંપન્ન…

વાત્સલ્યમ સમાચાર–મદન વૈષ્ણવ

મહાકવિ કાલિદાસે યથોચિત જ કહ્યું છે કે *”ઉત્સવ પ્રિયા ખલુ મનુષ્યા:”* ઉત્સવો માનવ માત્રને ગમે છે. કારણ કે તે આપણને રોજિંદા જીવનમાંથી અલ્પકાલીન મુક્તિ આપે છે. ધંધા રોજગાર અને શુષ્ક જીવન વ્યવહારના બોજા નીચે દબાયેલો માનવી, ઉત્સવના દિવસે થોડો મુકત શ્વાસ લઈ મોકળાશનો અહેસાસ કરી શકે છે.

ઉત્સવ જીવનની જડતાને ખુલ્લુ આકાશ પૂરુ પાડે છે. ઘડીભર તેમા મુક્ત ઉડાન ભરીને માનવી, પોતાના મનના સંતાપોને તત્કાલ પૂરતા શમી ગયેલા અનુભવે છે.

તેજસ્વિની સંસ્કૃતિ ધામ, વાસુરણાના સંસ્થાપક બ્રહ્મવાદીની પૂ. હેતલ દીદી કોઈ પણ ઉત્સવની ઉજવણી પાછળ *પ્રેય અને શ્રેય બંનેનો સમન્વય* સધાવો જોઈએ તેવુ દ્રઢપણે માને છે. ત્યારે ઉત્સવોની મુકવાણી આપણને જીવન વિકાસમાં ઉપયોગી એવા સંદેશા આપે છે. આ રીતે ઉત્સવો એક ઉત્કૃષ્ટ માર્ગદર્શક કે ભોમિયાની ગરજ સારે છે.

જન્માષ્ટમી એટલે કૃષ્ણ જેવા બનીને કૃષ્ણની પૂજા કરવી. શ્રાવણ મહિનાની શિવરાત્રી એટલે શિવ જેવા બની શિવની પૂજા કરવી. સ્વાતંત્ર દિન એ સાચી સંઘ નિષ્ઠા કેળવી સમ્યક્ ક્રાંતિ સર્જવાનો સંદેશ આપે છે. તો રક્ષાબંધન એ ભાવ સંવર્ધનનું કામ કરે છે. આ વિચારોને પ્રાધાન્ય આપી શ્રાવણ મહિનાના છેલ્લા સપ્તાહમા વાસુરણા સહિત આજુ બાજુના અલગ અલગ ગામોમાંથી ભજન મંડળી દ્વારા ભજન, સત્સંગ, હરિપાઠનુ આયોજન કરવામા આવ્યુ હતુ. દરમિયાન સત્સંગ, સમર્પણ તથા સંગીતના માધ્યમથી નાના બાળકો અને ભૂલકાઓને અલગ અલગ રમતોના સથવારે વન ભોજન તથા જરૂરિયાત પ્રમાણે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. શહેરી સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિના કલાકારોને ભેગા કરી એકબીજાની સંસ્કૃતિને સમજવાનો સ્તુત્ય પ્રયાસ કરાયો હતો.

આ વેળા પૂ.હેતલ દીદીએ જણાવ્યુ હતુ કે પ્રકૃતિપ્રેમ, પર્યાવરણ, પરિવાર, પ્રામાણિકતા, અને પ્રસન્નતાથી જ પરમાત્મા પ્રેરણા પૂરી પાડે છે, અને આપણી પ્રતિભા ખીલવે છે. આ સપ્તાહ વૈચારિક પરિવર્તન લાવવા માટે ખૂબ સફળ પુરવાર થયુ હતુ.

ફળશ્રુતિ રૂપે અનેક લોકો આગામી ગણેશોત્સવમા ધનસુખભાઈ, રતનભાઇ, ગુલાબભાઈ, સખારામ ભાઈની આગેવાની હેઠળ પોત પોતાના ગામમાં ગણપતિ ઉત્સવ ઉજવવા તથા સનાતન સંસ્કૃતિને જાળવવા માટે ઉત્સાહિત બન્યા હતા.

Back to top button
error: Content is protected !!