શુક્લતીર્થમાં 3 લોકો ડૂબી જવાની ઘટના બાદ કાર્યવાહી: લીઝ ધારકોએ સાઇન બોર્ડ-હદના નિશાન ન દર્શાવ્યાનું ધ્યાને આવ્યું

સમીર પટેલ, ભરૂચ
શુક્લતીર્થ-મંગલેશ્વરની 24 લીઝોમાં ભરૂચ ખાણ ખનીજ વિભાગનું ચેકિંગ : 20 યાંત્રિક બોટ સીઝ
ભરૂચના શુક્લતીર્થ ગામે ત્રણ જણાના ડુબી જવાથી મોતની ઘટના બાદ ખનિજ વિભાગ પણ એકશનમાં આવ્યું હતું. ખાણ ખનીજ વિભાગની ટીમોએ શુક્લતીર્થ અને મંગ્લેશ્વર ગામની સીમમાં આવેલી 24 જેટલી લીઝો પણ ચેકિં ગ હાથ ધરી ગેરકાયદે રેતી ખનનને લઇને 20 યાંત્રિક બોટ સીઝ કરી કુલ 5 લાખ જેટલો દંડ ફટકાર્યો છે. ભરૂચના નર્મદા કિનારે અને તેમાંય શુકલતીર્થ-મંગલેશ્વર સહિત આસપાસના ગામડા તથા સામે પાર ઝઘડિયા તાલુકાના ગામોમાં થઇ કુલ 211 જેટલી રેતીની લીઝો આવેલી છે. ત્યારે નદીમાંથી ગેરકાયદે રીતે રેતી ખનન અને વહનને લઇને છાસવારે બુમો ઉઠતી રહે છે. દરમિયાનમાં શુક્લતીર્થ ગામે યોજાયેલાં મેળા દરમિયાન ભરૂચના વેજલપુરના પિતા-પુત્ર સહિત 3 લોકો ડુબી જવાની ઘટનાથી ભારે રોષ ફેલાયો હતો. લીઝ ધારકો દ્વારા ગેરકાયદે રીતે નદીમાં તેમની હદ સિવાય પણ દૂરથી રેતી ખેંચવા માટે યાંત્રિક બોટમાં મોટરો બેસાડીને નદીમાંથી રેતી ખેંચી લેતાં હોય છે. ત્યારે આ પ્રકારથી રેતી કાઢવામાં આવતાં નદીમાં અનેક સ્થળે ઉંડા ખાડા પડી ગયાં હોવાથી તેમાં ડુબી જવાથી ઘટનાઓ વધી જાય છે. દરમિયાનમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા શુકલતીર્થ ગામે આવેલી લીઝોનું ચેકિંગ કરતાં એકંદરે દરેક લીઝ ધારકે તેમની હદ અંગેના નિશાન બનાવ્યાં ન હતાં. ઉપરાંત લીઝ ચાલું હોવાના સાઇન બોર્ડ પણ લગાવ્યાં ન હતાં. ઉપરાંત ત્યાં યાંત્રિક નાવડીઓનો ઉપયોગ થતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેના પગલે 20 યાંત્રિક બોટોને સીઝ કરી તેમને કુલ 5 લાખનો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત હદ નિશાન- સાઇન બોર્ડને લઇને પણ દંડની કવાયત હાથ ધરી છે. ત્રણના મોતની ઘટના બની ત્યાં કોઇને લીઝ આપી ન હતી ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરતાં ત્યાં બનેલી ઘટના અંગેનીપણ તપાસ કરી હતી. ત્યારે ત્રણ જણા ડુબી જવાના સ્થળે કોઇને લીઝ આપી જ ન હોવાનું વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જોકે, તે સ્થળે રેતી ખનન કરવાને કારણે 30થી 35 ફૂટ ઊંડા ખાડા પડી ગયાં હોવાથી ત્યાં ગેરકાયદે રેતી ખનન થયું હોવાનું જણાઇ આવ્યું હતું. તપાસ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી કામગીરી અટકાવવા તાકીદ દરેક લીઝમાં ટીમ દ્વારા સ્થળ તપાસ કરતાં મોટાભાગની તમામ લીઝોમાં હદ નિશાન કે સાઇન બોર્ડ ન હોવાને કારણે તેમને 20-20 હજારનો દંડ કરવાનું નક્કી કરાયું છે. લીઝ ધારકોને જ્યાં સુધી વિભાગ દ્વારા ચાલી રહેલી તપાસની પ્રક્રિયા પુર્ણ ન થાય ત્યાં સુધી કોઇ કામગીરી નહીં કરવા માટે લીઝ ધારકોને તાકીદ કરાઇ છે. તેમ કરશે તો તેમની સામે કાર્યવાહી થશે તેમ વિભાગે જણાવ્યું છે.



