GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી ખાતે વંદે ભારત એક્સપ્રેસને સ્ટોપેજ મળતા કેન્દ્રીયમંત્રી વીસી.આર.પાટીલે સ્ટેશન પર ટ્રેનનું સ્વાગત કર્યું…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલ સહિત વિવિધ મહાનુભાવોએ ટ્રેનને ફ્લેગઓફ આપ્યો*

*પહેલી વખત નવસારીથી વંદે ભારત ટ્રેનનો લાભ લેતા મુસાફરોને શુભકામનાઓ પાઠવી*

*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રેલવે ક્ષેત્રે સતત વિકાસ કાર્ય થઈ રહ્યા છે. જેના કારણે આજે રેલ્વેનો પ્રવાસ સૌથી સુખદ પ્રવાસ છે.- કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલ*

નવસારી,તા.૨૩: આજે નવસારી રેલવે સ્ટેશનના ઈતિહાસમાં એક સુવર્ણ પળ સર્જાઈ છે. પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નં. 20902/20901 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નવસારી સ્ટેશન પર નિયમિત સ્ટોપેજ મળતા સમગ્ર નવસારીવાસીઓમાં આનંદ ઉલ્લસની લાગણી જોવા મળી રહી છે.

આ શુભ અવસર પર માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલએ આજરોજ નવસારી સ્ટેશનએ પ્રથમ વખત ટ્રેન આવતા ટ્રેનને નારીયેળ કુમકુમથી વધાવી લીધી હતી. આજે પહેલી વખત નવસારીથી વંદે ભારત ટ્રેનનો લાભ લેતા મુસાફરોને શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે ટ્રેનને ઉપાડવાનો સમય થતા કેન્દ્રીય મંત્રીશ્રીસી.આર. પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ અને નરેશભાઇ, જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે  સહિત વિવિધ મહાનુભાવોએ લીલી ઝંડી બતાવીને નવસારી જિલ્લાની સેવાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મહેમાનો દ્વારા લીલીઝંડી બતાવતા જ ઉપસ્થિત જાહેર જનતાએ તાળીઓના ગળગળાટથી આ ક્ષણને યાદગાર બનાવી હતી.
પ્રાસંગિક ઉદ્બોધન કરતા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલએ પોતાના ઉદ્દબોધનમાં કહ્યું કે – વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જેવી અદ્યતન સુવિધાયુક્ત, ઝડપી અને આરામદાયક ટ્રેનનો સ્ટોપેજ હવે નવસારીને મળ્યો છે. જેથી નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો માટે આજે આનંદનો દિવસ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રેલવે ક્ષેત્રે સતત વિકાસ કાર્ય થઈ રહ્યા છે. જેના કારણે નાગરિકોની અપેક્ષા પણ વધી છે. જેનુ જીવંત ઉદાહરણ નવસારીના નાગરિકોને વંદેભારત ટ્રેનનું મળેલુ સ્ટોપેજ છે. લોકોની લાગણી અને માંગણીને ધ્યાને લઇ આજે નવસારી જિલ્લા સહિત આ વિસ્તારના નાગરિકોની માંગણી પૂર્ણ થઈ છે. જેનાથી વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, વેપારીઓ અને પ્રવાસીઓને સીધો લાભ મળશે. રેલવે મંત્રાલય લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સતત નવી સેવાઓ ઉમેરતું રહ્યું છે. જેના કારણે આજે રેલ્વેનો પ્રવાસ સૌથી સુખદ પ્રવાસ છે.

મંત્રીશ્રીએ વિશ્વાસ સાથે ઉમેર્યું હતું કે, આજે નવસારી સ્ટેશન પર વંદે ભારતનો રોકાણ શરૂ થવાથી નવસારી જિલ્લાનું દેશના અન્ય મોટા શહેરો સાથેનું જોડાણ વધુ મજબૂત બનશે જેના થકી નવસારી જિલ્લાના વિકાસમા મોટો ફાયદો થશે. નવસારીના લોકો આ સુવિધાનો પૂરો લાભ લેશે અને આ ટ્રેન આપણી પ્રગતિની ગતિને વધુ તેજ કરશે.ઉપરાંત તેમણે ઉમેર્યું કે, નવસારી જિલ્લાની જરૂરીયાતને ધ્યાને રાખે અન્ય બે નવી સુપરફાસ્ટ ટ્રેનો તથા મેમુ ટ્રેનો અને નવસારી સ્ટેશનના વિકાસ માટે અન્ય સુવિધાઓ ઉભી કરવા પણ રજુઆત કરવામાં આવી છે.

*વંદે ભારત ટ્રેનને નવસારી જિલ્લામાં સ્ટોપેજ મળતા થનારા મુખ્ય લાભો*

• નવસારીથી અમદાવાદ અને મુંબઈ સુધીની મુસાફરી વધુ ઝડપી અને આરામદાયક બનશે.

• દક્ષિણ ગુજરાતના વેપારીઓ, વિદ્યાર્થીઓ તથા રોજિંદા મુસાફરોને મોટી રાહત.

• વંદે ભારત એક્સપ્રેસની આધુનિક સુવિધાઓ જેમ કે આરામદાયક બેઠકો, અત્યાધુનિક ટેકનોલોજી, સ્વચ્છતા અને સલામતીના માપદંડો હવે નવસારી સહિત આ વિસ્તારના નાગરીકો માટે ઉપલબ્ધ.

*ટ્રેન સમયપત્રક (નવસારી સ્ટેશન માટે)*

• ગાંધીનગર કેપિટલ – મુંબઈ સેન્ટ્રલ (20902) : સાંજે 5:27 વાગ્યે નવસારી આવશે અને 5:29 વાગ્યે રવાના થશે.

• મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ (20901) : સવારે 8:43 વાગ્યે નવસારી આવશે અને 8:45 વાગ્યે રવાના થશે.

આ કાર્યક્રમમાં જિલ્લાનાં વિવિધ પદાધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા, પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ અને મ્યુનિસિપલ કમિશનરશ્રી દેવ ચૌધરી સહિત રેલવે અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.

*બોક્ષ-*
અત્રે નોંધનિય છે કે, હાઇ-સ્પીડ રેલ્વે નેટવર્ક તરફ ભારતના પગલાને વેગ આપવાના વિઝન સાથે વંદે ભારત ટ્રેન વર્ષ-૨૦૧૪માં શરૂ કરવામાં આવી હતી. આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેનો સમગ્ર ભારતમાં મુસાફરી કરવા માટે આરામદાયક અને અનુકૂળ વિકલ્પ પ્રદાન કરે છે. સુપર-ફાસ્ટ એસી ચેર કાર મુખ્ય શહેરોને જોડે છે, જે ઝડપી અને મુશ્કેલી મુક્ત ટ્રેન મુસાફરીની ખાતરી આપે છે. આ સુવિધા ભારતના રેલ ટ્રાવેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માટે એક પરિવર્તનશીલ પગલું છે. હાલમાં તે દેશના ૨૫ રૂટ પર દોડી રહી છે. નવસારી જિલ્લાના રુટને મળેલ ટ્રેનની વાત કરીએ તો ગાંધીનગર કેપિટલ, અમદાવાદ, આનંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, વાપી, બોરીવલ્લી અને અંતે મુંબઈ સેન્ટ્રલ ઉપર ટ્રેન ઉભી રહે છે.

Back to top button
error: Content is protected !!