ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ જિલ્લામાં ૦૮ મૃતદેહ અમદાવાદ ખાતેથી આવતા તેમના અંતિમ સંસ્કાર /દફનવિધિ પૂર્ણ કરાઈ

આણંદ જિલ્લામાં ૦૮ મૃતદેહ અમદાવાદ ખાતેથી આવતા તેમના અંતિમ સંસ્કાર /દફનવિધિ પૂર્ણ કરાઈ

તાહિર મેમણ – આણંદ – 17/06/2025 – આણંદ – અમદાવાદ ખાતેની વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ મુસાફરો મૃત્યુ પામ્યા હતા.

આ મુસાફરોના મૃતદેહને તેમના સ્વજનોને સોંપવા માટે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા, ડીએનએ સેમ્પલ લીધા બાદ તેનો રિપોર્ટ ૭૨ કલાક બાદ આવતો હોય છે, જેને ધ્યાને લઈ જે મૃતકના ડીએનએ સેમ્પલ તેમના પરિવારના વ્યક્તિ સાથે મેચ થાય છે, તે મૃતકના મૃતદેહને તેમના સ્વજનોને સોંપવાની કામગીરી ચાલી રહી છે.

આણંદ જિલ્લામાં તા. ૧૭/૦૬/૨૦૨૫, મંગળવારના રોજ બપોરના ૧૬-૦૦ કલાક સુધીમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ૩૩ પૈકી ૮ મુસાફરોના મૃતદેહો તેમના પરિવારના લોકોને સોંપવામાં આવ્યા છે. જેમાં આણંદ તાલુકાના કિનલબેન સુરેશકુમાર મિસ્ત્રી, બદરૂદ્દીન હસનઅલી હાલાણી, મલેકબેન રજબઅલી હાલાણી, મહેન્દ્રભાઈ મનુભાઈ વાઘેલા અને આકાશ નિલેશભાઈ પુરોહિત, જ્યારે બોરસદ તાલુકાના મંજુલાબેન જગદીશભાઈ પટેલ, ખંભાત તાલુકાના મુકુંદ અંબાલાલ પટેલ અને તારાપુર તાલુકાના પાર્થ પપ્પુભાઈ ઉર્ફે કમલેશભાઈના મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે, અને તેમના અંતિમ સંસ્કાર – દફનવિધિ પૂર્ણ કરવામાં આવી છે.

જિલ્લાના બાકી રહેલ ૨૫ જેટલા મૃતકોના ડીએનએ મેચ થયા બાદ તેમના પાર્થિવ દેહ તેમના સ્વજનોને સોંપવામાં આવશે, જેની કામગીરી હાલ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ચાલી રહી છે. આ બાકી રહેલ ૨૫ જેટલા મૃતકોના મૃતદેહમાં આણંદ, કરમસદ, વાસદ, ચીખોદરા, ગાના, લાંભવેલ, ઉમરેઠ, ભરોડા, કસુંબાડ, ઝારોલા, ફાંગણી, સોજીત્રા, ખંભાત, જલસાણ અને ખંભાત તાલુકાના વટાદરાના મૃતકોનો સમાવેશ થાય છે.

આ કામગીરીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ મૃતકોના ઘરે જઈને તેમના પરિવારજનોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટેની કાર્યવાહી કરી રહ્યા છે, આ ઉપરાંત મૃતકના મૃતદેહને પોલીસ એસ્કોર્ટ સાથે લાવવામાં આવી રહ્યો છે, જ્યાં તેમની અંતિમ વિધિ સમયે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત પદાધિકારીઓ પણ હાજર રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી રહયાં છે.

Back to top button
error: Content is protected !!