
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાતનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે જિલ્લા વહીવટી તંત્રનાં માર્ગદર્શન હેઠળ આગામી 27મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા 10 દિવસીય ‘દિવાળી વેકેશન ફેસ્ટિવલ’ આયોજનને લઈને વિવાદ ઘેરો બની રહ્યો છે.ગિરિમથક સાપુતારા ખાતે દસ દિવસીય દિવાળી વેકેશન ફેસ્ટિવલનાં ટૂંકા અને અણધડ આયોજન સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ ડાંગ વહીવટી તંત્રનાં સાપુતારા નોટિફાઈડ એરિયા કચેરી દ્વારા આ ટૂંકાગાળાના ફેસ્ટિવલ માટે કરોડો રૂપિયાની માતબર રકમની ફાળવણી કરવામાં આવી હોવાનુ જાણવા મળી રહ્યું છે, ત્યારે તેની સામે આયોજન ઓછું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, 10 દિવસના સાપુતારા દિવાળી વેકેશન ફેસ્ટિવલ માટે એજન્સીને અંદાજે ₹1 કરોડ 44 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે. તેની સરખામણીમાં, એક મહિના સુધી ચાલેલા અને રંગારંગ કાર્યક્રમોથી ભરપૂર ‘મોન્સૂન ફેસ્ટિવલ’ માટે ₹1 કરોડ 80 લાખ ફાળવવામાં આવ્યા હતા.મોન્સૂન ફેસ્ટિવલમાં આખા સાપુતારાને રોશનીથી શણગારવામાં આવ્યું હતુ અને વરસાદી માહોલ હોવા છતાં પ્રવાસીઓ કાર્યક્રમની મજા માણી શકે તે રીતે સલામત ડોમનું આયોજન પણ કરાયુ હતું.તેની સામે, ડાંગ જિલ્લા કલેકટર દ્વારા દિવાળી વેકેશન ફેસ્ટિવલમાં ગ્રાન્ટનો મોટો હિસ્સો ફાળવ્યો હોવા છતાં, આયોજન અત્યંત નબળું દેખાઈ રહ્યું છે. હાલમાં વરસાદી માહોલ હોવા છતાં ફેસ્ટિવલનો ડોમ ખુલ્લો બનાવવામાં આવ્યો છે, જેથી પ્રવાસીઓ વરસાદથી બચીને કાર્યક્રમ નિહાળી શકે તેમ નથી. વળી, 10 દિવસના ફેસ્ટિવલ માટે કરોડો ફાળવ્યા હોવા છતાં, માત્ર ત્રણ દિવસ જ કાર્યક્રમ રાખવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલમાં આખા સાપુતારાને શણગારવામાં આવ્યુ હતુ તેની સામે ડાંગ જિલ્લાનું નોટિફાઈડ તંત્ર વામનુ પુરવાર થયુ છે.સાપુતારા નોટિફાઈડ વિભાગ દ્વારા માત્ર સ્વાગત સર્કલથી બોટિંગ તરફ જતા માર્ગ પરના સુગર એન્ડ સ્પાઇસ સુધી જ શણગાર કરીને દેખાડો કરવામાં આવ્યો છે. આટલી મોટી ગ્રાન્ટ હોવા છતાં, ક્રાફ્ટ બજારની પણ બાદબાકી કરવામાં આવી છે, જે સ્થાનિક કલાકારો અને પ્રવાસીઓ માટે નિરાશાજનક છે.આ પગલાંથી પ્રવાસીઓની મજાક ઉડાવાઈ હોવાની ચર્ચા વેગવંતી બની છે.સાપુતારામાં દિવાળી વેકેશન ફેસ્ટીવલનું નબળું આયોજન, વરસાદથી રક્ષણ ન આપે તેવો ખુલ્લો ડોમ, ઓછી સંખ્યામાં કાર્યક્રમો અને દેખાવ પૂરતો શણગાર જોતાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે તંત્ર દ્વારા ફાળવવામાં આવેલી ₹1.44 કરોડની માતબર ગ્રાન્ટ ક્યાં જશે? શું આ દિવાળી વેકેશન ફેસ્ટિવલ ખરેખર પ્રવાસીઓને આકર્ષવા માટે કે પછી માત્ર તંત્રના ‘ખિસ્સા ભરવા’ માટે જ આયોજિત કરાયો છે?નોટિફાઇડ એરીયા કચેરીના અધિકારીઓના વહીવટ પર પણ સવાલો ઊભા થયા છે કે આટલી મોટી સરકારી ગ્રાન્ટનો યોગ્ય રીતે ઉપયોગ કેમ કરવામાં આવતો નથી અને શા માટે આયોજન મોન્સૂન ફેસ્ટિવલ કરતાં ઘણુ હલકું છે. પ્રવાસીઓ અને સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે ફેસ્ટિવલના નામે નાણાંની ઉચાપત કરવામાં આવી રહી છે કે કેમ, તેની રાજય કક્ષાએથી યોગ્ય તપાસ થવી જરૂરી છે..





