GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કોટડા સાંગાણીના ભાડવા અને દેવળીયા ગામે ચાર હેક્ટર સરકારી ખરાબાની જમીનમાં ૬૪૦૦ જેટલા વૃક્ષો રોપાયા

તા.૧૧/૯/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: માણસ શ્વાસ લઇ શકે તે માટે વૃક્ષોનુ યોગદાન ભૂલી શકાય નહી. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી બને છે. છાયડો, લાકડુ, ફર્નિચર, ઐાષધિઓ, ફળફળાદી આપણે વૃક્ષો પાસેથી મેળવીએ છીએ. ત્યારે રાજકોટ જિલ્લો વૃક્ષોથી લહેરાતો રહે, તે માટે ફોરેસ્ટ વિભાગ મહેનત કરી રહ્યુ છે. આ ઉપરાંત જુદી-જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ તથા પર્યાવરણ પ્રેમી જનતા અવારનવાર વૃક્ષોનુ વાવેતર તથા જતન કરતા હોય છે. “એક પેડ, માં કે નામ” જેવા કાર્યક્રમો દ્રારા પણ વૃક્ષો રોપવામાં આવતા હોય છે. ત્યારે સરકારી ખરાબાનો સદઉપયોગ થાય અને ગામડાઓ વૃક્ષોથી લીલાછમ રહે તે માટે “ગ્રામ વાટિકા” મોડલ હેઠળ ફોરેસ્ટ વિભાગ જહેમત ઉઠાવી રહ્યુ છે.

કલેક્ટરશ્રી પ્રભવ જોષીની સૂચના મુજબ કોટડા સાંગાણી તાલુકાના ભાડવા અને દેવળીયા ગામે ચાર હેક્ટર જેટલી સરકારી ખરાબાની જમીનમાં મહેસુલ વિભાગના સહયોગથી ફોરેસ્ટ વિભાગ દ્રારા ૬૪૦૦ જેટલા વૃક્ષો જૂન માસમાં રોપવામાં આવ્યા હતા. ફોરેસ્ટ વિભાગની મહેનત તથા સતત જાળવણીથી પથરાળ જમીનમાં વૃક્ષોના પર્ણો ફૂટ્યા છે. આર.એફ.ઓ. વિલાસબેન અંટાળા તથા તેમની ટીમ દ્રારા ઉનાળા દરમિયાન આ પથરાળ જમીનમા ખાડા ખોદાવી, ફેન્સીંગ કરાવાયુ હતુ. ત્યાર બાદ જુન મહિનામા દરેક હેકટરમા ૧૬૦૦ વૃક્ષો મળી કુલ ચાર હેકટરમા ૬૪૦૦ જેટલા માતબર વૃક્ષો રોપવામાં આવ્યા હતા જેમાં લીમડો, કરંજ, પિપળો, ચરલ, ઉંમરો જેવા વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ માટે ગામના સરપંચશ્રીઓનો પણ સારો સહકાર મળ્યો હતો.

જે સ્થળે વૃક્ષો રોપવામાં આવ્યા હતા તે સ્થળની કોટડા સાંગાણી મામલતદારશ્રી ગુમાનસિંહ જાડેજાએ આર.એફ.ઓ.શ્રીની હાજરીમાં મુલાકાત લીધી હતી. કઠણ જમીન હોવા છતાં પણ ફોરેસ્ટ ખાતા તરફથી સખત મહેનત કરી વૃક્ષોનું જતન કરવામાં આવતાં મોટી સંખ્યામા વૃક્ષો ઉજરી ગયા છે. ચોમાસા પછી તમામ વૃક્ષોને નિયમિત પાણી મળી રહે તેવી વ્યવસ્થા તથા તકેદારી રાખવા ટીમ ફોરેસ્ટ કટીબધ્ધ છે.

Back to top button
error: Content is protected !!