Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ભંડારીયા-બોઘરાવદર રોડ પર રૂ ૨ કરોડના ખર્ચે સ્લેબ ડ્રેઇન કામનું ખાતમુહૂર્ત

તા.૫/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
યુવાનોને રોજગારી માટે આઈ.ટી.આઈ.માં હવે કોમ્પ્યુટર સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પાઠ પણ ભણાવાશે
મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
Rajkot: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયાએ ભંડારીયા બોઘરાવદર રોડ પર રુ ૨ કરોડના ખર્ચે આયોજિત સ્લેબ ડ્રેઇન ( નાલા) ના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું
આ તકે ભંડારીયા ગ્રામ પંચાયત ખાતે આયોજિત સભામાં મંત્રીશ્રી કુવરજીભાઈએ જણાવ્યું હતું કે, આ રોડ પર અલગ અલગ ત્રણ જગ્યાએ નાલા અને એપ્રોચ રોડની કામગીરી કરવામાં આવી રહી છે. ચોમાસામાં હાઇવે પરથી પસાર થતા વાહનોને મુશ્કેલી પડતી હોવાથી આ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કામગીરી નિયત સમય મર્યાદામાં અને યોગ્ય ગુણવત્તા સાથે પૂર્ણ કરવા સંબંધિત સરકારી વિભાગો તેમજ કોન્ટ્રાક્ટરશ્રીઓને મંત્રીશ્રી બાવળિયાએ સૂચના આપી હતી.
ગ્રામ્ય પંથકના યુવાનોને રોજગારી મળી રહે તે માટે આઇ.ટી.આઈ માં ચાલતા સ્કીલ ડેવલપમેન્ટ કોર્સમાં હવે કોમ્પ્યુટરની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોર્સ પણ શરૂ કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. ગ્રામ્ય મહિલાઓને રોજગારી મળી રહે તે માટે મિશન મંગલમ યોજના અંતર્ગત કૌશલ્ય ટ્રેનિંગ અને લોન સહાય યોજનાનો પણ લાભ લેવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. જસદણ-વિછીયા પંથકમાં પાણીની સમસ્યા ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા જે રીતે સૌની યોજનાનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે તેની વિગતો પણ મંત્રીશ્રીએ આપી હતી. તેઓએ જસદણ વિછીયા પંથકમાં આસલપુર ડેમ તેમજ આધ્યા ડેમમાં પાણી ભરવા માટેની વ્યવસ્થાની જાણકારી આપી હતી. આ ડેમોમાં પાણી ભરાવાથી કમળાપુર , વડાળી , દહીસરા, રાણીંગપર સહિતના ગામોના તળાવો પણ ભરવામાં આવશે. જેને કારણે ખેડૂતોને પાક લેવામાં સરળતા રહેશે તેમ મંત્રીશ્રીએ ગ્રામજનોને ભરોસો આપ્યો હતો.
માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીએ ભંડારીયા બોઘરાવદર ગામે બનનારા રોડની કામગીરી અંગેની આંકડાકીય માહિતી પૂરી પાડી હતી. જેમા સાત મીટરના આઠ ગાળાનું સ્લેબ ડ્રેઇન કામ તેમજ ભંડારીયા ગામ બાજુ ૨૦ મીટર ડામર એપ્રોચ રોડ, પાંચ મીટર બંને બાજુ રિટર્ન વોલ તથા પાંચ મીટર બંને બાજુ પ્રોટેક્શન વોલ, બોઘરાવદર ગામ પાસે ૨૦ મીટર એપ્રોચ રોડ , પાંચ મીટર બંને બાજુ રિટર્ન વોલ તથા પાંચ મીટર બંને બાજુ પ્રોટેક્શન વોલ, આગળ બે ગાળાનું નાળા સહિતની કામગીરી પૂર્ણ કરાશે.
આ તકે સરપંચ શ્રી દિનેશભાઈ, અગ્રણીઓ સર્વશ્રી ભાવેશભાઈ, મુકેશભાઈ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






