CHHOTA UDAIPUR CITY / TALUKO

છોટાઉદેપુર RSETI દ્વારા ‘જુનિયર બ્યુટી પ્રેક્ટિશનર’ તાલીમ શિબિરનું સફળ આયોજન

મુકેશ પરમાર,, નસવાડી 

ગ્રામીણ વિકાસ મંત્રાલય, રાજ્ય સરકાર અને બેન્ક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (RSETI), છોટાઉદેપુર ખાતે ‘જુનિયર બ્યુટી પ્રેક્ટિશનર’ તાલીમ શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૨૬/૧૨/૨૦૨૫ થી ૩૦/૦૧/૨૦૨૬ દરમિયાન ૩૫ દિવસીય તાલીમનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારની બહેનોને વ્યાવસાયિક કૌશલ્ય પ્રદાન કરી આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો હતો. તાલીમ દરમિયાન તાલીમાર્થી બહેનોને બ્યુટી સેક્ટરને લગતી વિવિધ આધુનિક પદ્ધતિઓ જેવી કે મેનિક્યોર, પેડિક્યોર, નેઇલ આર્ટ, હેર અને બોડી મસાજ, હાઇડ્રા ફેશિયલ તેમજ દુલ્હન મેકઅપ જેવા વિષયો પર પ્રાયોગિક (Practical) અને સૈદ્ધાંતિક (Theoretical) માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંસ્થાના નાણાકીય સાક્ષરતા સલાહકાર શ્રી મુકેશભાઈ પરમાર દ્વારા બહેનોને બેંકિંગ સેવાઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. જેમાં બચત ખાતું, રિકરિંગ, ફિક્સ ડિપોઝિટ તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) અટલ પેન્શન યોજના (APY), સુકન્યા સમૃદ્ધિ યોજના અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)ની સમજ આપવામાં આવી હતી. ડાયરેક્ટરશ્રી રાહુલ આર.જોશી દ્વારા એક વિશેષ પ્રેરણાત્મક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે સ્વરોજગારના અવસરો, આત્મવિશ્વાસનું મહત્વ અને જીવનમાં લક્ષ્ય નિર્ધારણ વિશે માર્ગદર્શન આપ્યું હતું. વિવિધ પ્રેરણાત્મક રમતો દ્વારા બહેનોમાં ટીમવર્ક, ઝડપી નિર્ણયશક્તિ અને વ્યવસાયિક માનસિકતા કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંસ્થાના ફેકલ્ટી કિરણભાઈ દ્વારા ઉદ્યમશીલતા વિષયક સત્રમાં વ્યવસાય શરૂ કરવાની પ્રક્રિયા, માર્કેટિંગ વ્યૂહરચના, જોખમ વ્યવસ્થાપન અને એક સફળ ઉદ્યોગસાહસિકના ગુણો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.તાલીમની સફળ પૂર્ણાહુતિ બાદ, તારીખ ૨૧/૦૨/૨૦૨૬ ના રોજ ડાયરેક્ટરશ્રીના હસ્તે તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ તાલીમ મેળવીને બહેનો હવે પોતાના ગામમાં સ્વરોજગાર શરૂ કરી સન્માનપૂર્વક આજીવિકા મેળવવા માટે સજ્જ બની છે.

Back to top button
error: Content is protected !!