રાજયપાલશ્રીએ બોડેલીના ટીંબી ગામના ગ્રામજનો સાથે રાત્રિસભા યોજી પ્રાકૃતિક ખેતીના ફાયદા વર્ણવ્યા.

મુકેશ પરમાર નસવાડી
આવનારી ભાવિ પેઢીને ફળદ્રુપ જમીનનો વારસો આપવા સાથે, પ્રકૃતિનું જતન સંવર્ધન અને શિક્ષણના સંસ્કાર આપવાનું આહવાન કરતા રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભાવિ પેઢીના ઉદ્ધાર માટે વ્યસનમુક્ત સમાજ નિર્માણ ઉપર ભાર મૂક્યો હતો.
છોટાઉદેપુર ના બોડેલી તાલુકાના ટીંબીના ગ્રામજનો સાથે રાત્રિ સભા યોજી પ્રાકૃતિક ખેતીના ફાયદા વર્ણવતા રાજ્યપાલશ્રીએ ઝેર મુકત ખેતી થકી ધરતી માતાની સેવા કરવા આહ્વાન કર્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિની ઝુંબેશ ખેડૂતોએ સહર્ષ ઉપાડી લીધી છે, ત્યારે પ્રાકૃતિક કૃષિલક્ષી વિવિધ યોજનાઓનો લાભ મેળવી જમીનને વધુ સમૃદ્ધ બનાવવા માટે રાજ્યપાલશ્રીએ હાંકલ કરી હતી.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ રાજ્યના વિવિધ તાલુકાઓના ગામડાઓમાં જઈને પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક ભોજનનો આનંદ લેશે. તેમણે ઉપસ્થિત ખેડૂતોને રાસાયણિક ખેતીને તાત્કાલિક જાકારો આપીને પ્રાકૃતિક કૃષિ માટે સંકલ્પબદ્ધ કર્યા હતા. સાથે જ અન્ય ખેડૂતોને પણ માનવ જાતની સેવા માટેના આ મહાયજ્ઞમાં જોડવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.તેમણે સુખી, સમૃદ્ધ અને સંસ્કારી ભાવિ પેઢીના ઘડતર માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે શિક્ષણનો જીવનમંત્ર અપનાવી સાદગી અને પ્રાકૃતિક જીવનધોરણ સ્વસ્થ અને નિરોગી જીવન જીવવાની ચાવી છે તેમ પણ જણાવ્યું હતું.ગ્રામીણજનોની ‘અતિથિ દેવો ભવ’ ની ઉચ્ચતમ પરંપરાને જાળવી રાખી, તેમના છોટા ઉદેપુર જિલ્લાના પ્રવાસની આ ઘડી, તેમના જીવનમાં ચીર સ્મરણીય બની રહેશે તેમ રાજ્યપાલશ્રીએ જણાવ્યુ હતું.




