વાગરા: ST ડેપોમાં કામ વગર અડિંગો જમાવતા તત્વોથી મુસાફરો અને વિદ્યાર્થીનીઓ પરેશાન.

સમીર પટેલ, ભરૂચ
વાગરાના એસ.ટી ડેપોમાં મુસાફરોની સુવિધા માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ કેટલાક બેફામ તત્વોના કારણે મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે આ સ્થળ અસુરક્ષિત બની રહ્યું છે. આ તત્વો કામ વગર અહીં અડિંગો જમાવીને બેસી રહેતા મુસાફરો જેમાં ખાસ કરીને મહિલાઓ અને વિદ્યાર્થિનીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક વિદ્યાર્થીનીઓએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે આ ઈસમો ખુરશીઓ પર બેસીને મોબાઈલમાં ગેમ રમતા હોય છે. અને અશ્લીલ ભાષાનો પણ પ્રયોગ કરતા હોય છે. જેના કારણે તેમને બસની રાહ જોતા ડેપોની બહાર ઊભા રહેવાની ફરજ પડે છે. આ તત્વોની રોમિયોગીરીના કારણે તેઓ અસુરક્ષિતતા અનુભવી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરો અને વિદ્યાર્થીનીઓએ તંત્રને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. તેમની માંગ છે કે આવા તત્વોને ડેપોમાં પ્રવેશ ન આપવો જોઈએ જેઓ કામ વગણ અહીં બેસી રહેતા હોય છે. આ ઉપરાંત તેમણે ડેપોમાં એક જીઆરડી જવાન તૈનાત કરવા અને વાગરા પોલીસ દ્વારા પણ પીક અવર્સ દરમિયાન ડેપોમાં રાઉન્ડ લગાવવાની માંગ કરી છે. જેથી મુસાફરો અને ખાસ કરીને મહિલાઓ સુરક્ષિત રીતે ડેપોમાં બેસીને બસની રાહ જોઈ શકે. આ મુદ્દાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તો મુસાફરોને મોટી રાહત મળશે.




