MORBi:આકાશી વીજળી સંદર્ભે રાખવાની થતી સાવચેતી અંગે જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા માર્ગદર્શિકા જારી
MORBi:આકાશી વીજળી સંદર્ભે રાખવાની થતી સાવચેતી અંગે જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા માર્ગદર્શિકા જારી
હાલ વરસાદી ઋતુ ચાલી રહી છે, ઘણીવાર આકાશી વીજળી પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આકાશી વીજળીની ઘટનાઓ બાબતે જરૂરી સાવચેતી રાખી બચી શકાય છે. આ બાબતે રાખવાની થતી તકેદારીઓની વાત કરીએ.
જ્યારે તમે ઘરની અંદર હોવ ત્યારે શું કરવું
વીજળીથી ચાલતા ઉપકરણોથી દૂર રહો, તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરશો. બારી, બારણા અને છતથી દૂર રહો. વીજળીના વાહક બને તેવી કોઈપણ ચીજવસ્તુથી દૂર રહો, ધાતુથી બનેલા પાઈપ, નળ, કૂવારો, વોશબેશીન વિગેરેના સંપર્કથી દૂર રહો.
જ્યારે તમે ઘરની બહાર હોવ ત્યારે શું કરવું
ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે, જેથી તેનો આશરો લેવાનું ટાળો. આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશ્રય લેવાનું ટાળો અને ટોળામાં રહેવાને બદલે છૂટાછવાયા વિખરાઈ જાઓ. મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય, મુસાફરી કરતા હોવ તો તમારા વાહનમાં જ રહો. મજબૂત છત વાળા વાહનમાં રહો. ધાતુની વસ્તુનો બહાર ઉપયોગ ન કરો. ધાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઈલેક્ટ્રીક કે ટેલિફોનના થાંભલા, તારની વાડ, મશીનરી વિગેરેથી દૂર રહો. પુલ, તળાવો અને જળાશયો થી દૂર રહો, પાણીમાં હોવ તો બહાર આવી જાઓ. તમારા માથાના વાળ ઉભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવા, કારણ કે તમારી આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે તેમ સમજવું અને જમીન પર સુવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવા નહીં.
આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે શું કરવું
વીજળીનો આંચકો લાગેલી વ્યક્તિને જરૂર જણાય તો સીપીઆર (કાર્ડિયો પલમોનરી રિસસિટેશન) એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ અને તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઇએ. કોઈ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો આપાતકાલિન સંપર્ક માટે જિલ્લાના કંટ્રોલરૂમના નંબર ૧૦૭૭ પર સંપર્ક કરવા જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની યાદીમાં જણાવાયું છે.