ગંભીરા બ્રિજ દુર્ઘટના ૦૨ ગુમ વ્યક્તિઓની શોધ ચાલુ, અત્યાર સુધીમાં ૧૮ મૃતદેહો મળ્યા

ગંભીરા બ્રિજ દુર્ઘટના ૦૨ ગુમ વ્યક્તિઓની શોધ ચાલુ, અત્યાર સુધીમાં ૧૮ મૃતદેહો મળ્યા
તાહિર મેમણ – આણંદ – 11/07/2025 – ગંભીરા બ્રિજ પર બનેલી ગંભીર દુર્ઘટનાના ત્રીજા દિવસે, વડોદરા કલેક્ટરશ્રી અનિલ ધામેલિયાએ ઘટનાસ્થળેથી ચાલી રહેલી બચાવ કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, પરમ દિવસે જે ગંભીર અકસ્માત થયો તેના અંતર્ગત બચાવ કામગીરી ચાલુ રાખી છે. ખાસ કરીને કાદવની પરિસ્થિતિ અને બ્રિજની સ્થિરતાના પ્રશ્નોને કારણે, ઉપરના ભાગે ક્રેન સુરક્ષિત રીતે કામ કરી રહી છે. આ ઉપરાંત, અંદરના ભાગમાં સોડા એશ ફેલાવાને કારણે પાણીમાં બળતરા અને ખંજવાળની સમસ્યા થઈ રહી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સલ્ફ્યુરિક એસિડનું ૯૮% સાંદ્રતા ધરાવતું એક ટેન્કર પણ અંદરના ભાગમાં છે, જેથી તમામ જોખમોને ધ્યાનમાં રાખીને ટીમ કામ કરી રહી છે.
ગઈકાલે રાત્રે ૧૦.૦૦ વાગ્યાની આસપાસ પાણી ભરાઈ ગયા બાદ ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું. ત્યાં સુધીમાં ૧૮ મૃતદેહો મળ્યા હતા.
કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, હવે બ્રિજનો સ્લેબને તોડવાનું કામ કરવામાં આવશે અને નીચેથી બાકીનું બધું મટીરીયલ અને સંપત્તિ રિકવર કરાશે. સાથે જ, નદીના પાણીમાં સલ્ફ્યુરિક એસિડનું જે ટેન્ક છે તેને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, એક મૃતદેહની પ્રાથમિક માહિતી મળી છે અને તેની પ્રક્રિયા ચાલી રહી છે. હાલના તબક્કે, સૌથી અગત્યની કામગીરી એ છે કે, પુલર મારફતે ટ્રકને બહાર કાઢવામાં આવશે અને સાથે સાથે જે સ્લેબ છે, તેને તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.




