સાગબારા બહેનોનો સ્થાનિક દેહવાલી બોલીમાં ગીતો સાથે શાળા પ્રવેશોત્સવ અંગે જાગૃતિનો નવતર પ્રયાસ

તાહિર મેમણ : ડેડીયાપાડા -22/06/2024 – નર્મદા જિલ્લામાં આગામી તા.૨૬,૨૭ અને ૨૮ જૂન-૨૦૨૪ દરમિયાન ૨૧ મા તબક્કાનો શાળા પ્રવેશોત્સવ યોજાનાર છે. જેમાં બાળકોનું ૧૦૦ ટકા નામાંકન થાય તે માટે આઈસીડીએસ અને જિલ્લા પ્રાથમિક – માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ તબક્કે કામગીરી કરવામાં આવી રહી છે. શાળા પ્રવેશોત્સવ અંગે જાગૃતિ ફેલાવવા સાગબારા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ સ્થાનિક દેહવાલી બોલીમાં ગીતો સાથે ગામમાં રેલી યોજી અનોખી પહેલ કરી હતી.
નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના ત્રિ-દિવસીય કાર્યક્રમ દરમિયાન આંગણવાડીમાં ૨૮૧૪ બાળકો, બાલવાટિકામાં ૬૯૫૦, ધોરણ-૧માં ૮૦૮૮ ભૂલકાંઓ તેમજ ધોરણ-૯માં ૫૫૭૨ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રવેશ અપાશે. આ કાર્યક્રમમાં ગામલોકો પોતાની ભાગીદારી નોંધાવે તે અર્થે સાગબારા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ ગામમાં ભૂલકાંઓ સાથે રેલી યોજી હતી. જેમાં “ચાલા ચાલા રે આંગણવાડી મેં…” જેવા ગીતો થકી શાળા પ્રવેશોત્સવ તેમજ સરકારશ્રી દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં અપાતા યોજનાકીય લાભોની જાણકારી આપી લોકજાગૃતિનો અનોખો પ્રયાસ કર્યો હતો.
તદઉપરાંત આંગણવાડી કાર્યકર બહેનોએ આંગણવાડી કેન્દ્રો ખાતે લાભાર્થી મહિલાઓ સાથે સ્થાનિક બોલીમાં સંવાદ યોજી સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.




