ENTERTAINMENT
આનંદ પંડિત અને વૈશલ શાહ ની નવી ગુજરાતી ફિલ્મનું શુટીંગ શરૂ,ફિલ્મ રક્ષાબંધન પર થશે રીલીઝ

આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જન્નોક ફિલ્મ્સ દ્વારા રજૂ થતી નવી ગુજરાતી ફિલ્મ નું મુહૂર્ત કાર્યક્રમ ૭ માર્ચ, ૨૦૨૬ના રોજ ભવ્ય રીતે યોજાયો. આ પ્રસંગે મનોરંજન જગતના બહુમુખી ગ્લેમરસ કલાકારો જેમકે – મલ્હાર ઠાકર, યશ સોની, આરોહી પટેલ, આરતી પટેલ, સંદીપ પટેલ, કૃષ્ણદેવ યાજ્ઞિક, ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર વંદન શાહ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ ફિલ્મમાં ખ્યાતનામ કલાકાર રોનક કામદાર, મિત્ર ગઢવી, તત્સત મુન્શી, ચેતન દૈયા જોવા મળશે. ફિલ્મનું રિલીઝિંગ રક્ષાબંધનના શુભ અવસર પર નિર્ધારિત છે.
આ ફિલ્મ માનવ અને કુતરા વચ્ચેના અવિનાશી સંબંધને આધુનિક પરીકથા સ્વરૂપે રજૂ કરે છે.
કૂતરો માત્ર પાળતુ પ્રાણી નથી, પરંતુ રક્ષક, સાથી અને નિસ્વાર્થ પ્રેમનું પ્રતિક છે. ફિલ્મ આ જ બોન્ડને મજેદાર, ભાવનાત્મક અને ક્વર્કી પરીકથા સ્વરૂપે રજૂ કરે છે.
ફિલ્મની વિગતો
• નિર્દેશક: પાર્થ ત્રિવેદી
• પ્રોડ્યુસર: આનંદ પંડિત અને વૈશલ શાહ
• સ્ટાર કાસ્ટ: રોનક કામદાર, મિત્ર ગઢવી, તત્સત મુનશી, ચેતન દૈયા
નવી ફિલ્મના મહુરત પ્રસંગે આનંદભાઈ એ જણાવ્યું કે “આ મુહૂર્ત સાથે અમારો પ્રયાસ એક એવી પારિવારિક ફિલ્મ બનાવવાનો છે જે પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ અને પરિવારમાં તેમના મહત્વને સુંદર રીતે રજૂ કરે. એક નિર્માતા તરીકે મને આનંદ છે કે આપણી પ્રાદેશિક સંસ્કૃતિ હવે વૈશ્વિક સ્તરે પોતાની નવી ઓળખ ઊભી કરી રહી છે.”
ફિલ્મના નિર્માતા વૈશલભાઈ વધુમાં જણાવ્યું કે “જન્નોક ફિલ્મ્સ હંમેશા એવી વાર્તાઓ કહેવામાં માને છે જે સીધી યુવા પેઢી તથા પરિવારના સભ્યોના દિલ સાથે જોડાય. આ ફિલ્મમાં અમે એક સાવ અલગ અને અત્યાર સુધી વણખેડાયેલા વિષયને ગુજરાતી પડદા પર લાવવાનો પ્રયાસ કર્યો છે. આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પરંતુ આપણા જીવનમાં જે મૂંગા જીવો સાચો અને નિસ્વાર્થ પ્રેમ લાવે છે, તેની ઉજવણી છે. એક પ્રોડ્યુસર તરીકે મને ગર્વ છે કે અમે નિર્દેશક પાર્થ ત્રિવેદી અને રોનક-મિત્ર જેવા ટેલેન્ટેડ કલાકારો સાથે મળીને કંઈક એવું સર્જન કરી રહ્યા છીએ જે રક્ષાબંધનના તહેવાર પર પરિવારોને સિનેમા સુધી ખેંચી લાવશે”.
નિર્દેશક
પાર્થ ત્રિવેદી ગુજરાતી સિનેમાના સર્જનાત્મક નિર્દેશક તરીકે જાણીતા છે. તેમની ફિલ્મો જેમ કે – ‘ફક્ત મહિલાઓ માટે’, ‘૩ એક્કા’. ‘ચણિયા ટોળી’ ગુણવત્તાસભર કથાવસ્તુ, સંવેદનશીલ અભિગમ અને યુવા પેઢીને સ્પર્શે તેવી રજૂઆત માટે પ્રસિદ્ધ છે. તેઓ હંમેશા સામાજિક મુદ્દાઓને મનોરંજક રીતે રજૂ કરે છે અને ગુજરાતી ફિલ્મોને નવી ઊંચાઈ પર પહોંચાડે છે.
કલાકારોની સફર
રોનક કામદાર: એમણે પોતાની કારકિર્દીની શરૂઆત રંગભૂમિ પરથી કરી હતી. થિયેટરથી મળેલી પાયાની મજબૂત તાલીમને કારણે તેઓએ ફિલ્મ જગતમાં પ્રવેશ કરતાં જ દર્શકોનું ધ્યાન ખેંચ્યું. ’૨૧મું ટિફિન’, ‘નાડી દોષ’, ‘કસુંબો’ અને ‘મિસરી’ જેવી ફિલ્મોમાં તેમના અભિનયે અનોખી છાપ છોડી . તેમની અભિનયશૈલીમાં ગાઢ ભાવનાત્મકતા, સંવેદનશીલ અભિવ્યક્તિ અને આધુનિક યુવાનોની જીવંત છબી જોવા મળે છે. રોનક પાત્રને માત્ર નિભાવતા નથી, પરંતુ તેને આત્મસાત કરીને દર્શકોને અનુભૂતિ કરાવે છે. આ કારણે તેઓ ગુજરાતી સિનેમાના નવા યુગના પ્રતિભાશાળી કલાકારોમાં ગણાય છે.
મિત્ર ગઢવી- એમણે ‘છેલ્લો દિવસ’, ‘શુ થયું?’ અને ‘૩ એક્કા’ જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય કરીને પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. તેમની શોર્ટ ફિલ્મ ‘અનિતા’ આંતરરાષ્ટ્રીય સ્તરે વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ બની હતી, અભિનયમાં તેમની સંવેદનશીલતા અને પાત્રને જીવંત બનાવવાની ક્ષમતા તેમને વિશિષ્ટ બનાવે છે.
તત્સત મુનશી આજના યુવા કલાકારોમાં એક લોકપ્રિય નામ છે. તેમની અભિનય કળા દર્શકોને સીધા હૃદય સુધી સ્પર્શે છે. તાજેતરમાં રજૂ થયેલી તેમની ફિલ્મ ‘લગન લાગી રે’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ઉપરાંત ‘નાનખટાઈ’, ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની’ અને ‘ઔમ મંગલમ સિંગલમ’ જેવી ફિલ્મોમાં પણ તેમણે યાદગાર અભિનય કર્યો છે. તેમની જીવનસાથી આરોહી પટેલ ગુજરાતી ફિલ્મ જગતમાં જાણીતી અભિનેત્રી છે.
શિવાની ભારદ્વાજ નવી પેઢીની પ્રતિભાશાળી યુવા અભિનેત્રી છે, જેઓએ અનેક નાટકોમાં અભિનય કરીને પોતાની કળાની ઊર્જા અને પ્રતિભાને સાબિત કરી છે. તેમના જબરદસ્ત ઓડિશન અને અનોખી અભિનયશૈલીને કારણે તેઓ હવે જન્નોક ફિલ્મ્સના બેનર હેઠળ લૉન્ચ થઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ તેમના કારકિર્દી માટે એક મહત્વપૂર્ણ અને આશાસ્પદ શરૂઆત સાબિત થશે.
પ્રોડ્યુસરની સફળતા કથા
આનંદ પંડિત:
બોલીવૂડમાં ‘સરકાર-3’, ‘ધ બિગ બુલ’, ‘ચહેરે’ જેવી ફિલ્મો દ્વારા સફળતા મેળવી. ગુજરાતી સિનેમામાં જેન્નોક ફિલ્મ્સ સાથે એમણે ‘ફક્ત મહિલાઓ માટે’ ફિલ્મ દ્વારા શરૂઆત કરી.
વૈશલ શાહ:
વૈશલ શાહ ગુજરાતી સિનેમાના એક પ્રેરણાદાયી સર્જક છે, જેમણે છેલ્લા દાયકામાં ઉદ્યોગને નવી ઓળખ આપી છે. ‘છેલ્લો દિવસ (2015)’થી પોતાની સફર શરૂ કરી, જે યુવા પેઢી માટે કલ્ટ ફિલ્મ બની. ત્યારબાદ તેમણે ‘કરસનદાસ Pay & Use’, ‘શુ થાયુ?’, ‘ફક્ત મહિલાઓ માટે’, ‘3 એક્કા’, ‘ફક્ત પુરુષો માટે’ જેવી ફિલ્મો આપી, જે ખુબ સફળ રહી. 2025માં આવેલી ‘ચણિયા ટોળી’ તેમની કારકિર્દીનું માઈલસ્ટોન બની. તેઓ ગુજરાતી સિનેમાના “હિટ મૂવી મેકર” તરીકે ઓળખાય છે. તેમની દ્રષ્ટિ માત્ર મનોરંજન પૂરતી નથી, પણ ગુજરાતી ફિલ્મોને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાની છે. જન્નોક ફિલ્મ્સ ના સ્થાપકને ગુજરાતી સિનેમાના એક દ્રષ્ટાવાન વિઝનરી તરીકે ઓળખવામાં આવે છે.




