ફિલ્મ રીવ્યુ : જીવનના રંગોને પડદા પર જીવંત કરતી ફિલ્મ ‘ચોરંગી’ : નેલ્સન પરમાર

ગુજરાતી સિનેમામાં સંવેદનશીલ અને વાસ્તવિક વિષયને સ્પર્શતી ફિલ્મ તરીકે ‘ચોરંગી’ એક સરસ પ્રયાસ છે. ગામડાંથી લઈને મુંબઈ જેવી મેટ્રો સિટી સુધીના જીવનના વિવિધ રંગો દર્શાવતી આ ફિલ્મ લાગણીઓ, સંબંધો અને વ્યક્તિગત સંઘર્ષોને કેન્દ્રમાં રાખે છે. જોકે, ફિલ્મની આ મજબૂત વિચારધારા સાથે કેટલીક મર્યાદાઓ પણ નજરે પડે છે, ચાર સ્ટોરી હોવાથી કેટલીકવાર કે કેટલીક જગ્યાએ દર્શક તરીકે ફિલ્મ સાથે કનેક્ટ નથી થઈ શકાતું. આ છે ને ફિલ્મ નથી પણ એક સુંદર મજાની ગઝલ છે એમ કહી શકાય. તમને જેમ એકલામાં કે મિત્રો સાથે કે પછી મનને તુપ્તિ માટે ગઝલ સાંભળવી ગમે છે એમ જ ચૌરંગી ફિલ્મ એક ગઝલ છે. જેમ જેમ જોતા જાવ તેમ તેમ તેનો નશો ચઢતો જાય છે.
ચૌરંગીમાં ફિલ્મની વાર્તા જ હિરો છે. જીવનના અલગ–અલગ રંગો અને લાગણીઓને રજૂ કરવાનો પ્રયાસ એકદમ પ્રામાણિક લાગે છે. કેટલીક પરિસ્થિતિઓ ખૂબ જ રિયલ અને રિલેટેબલ છે, જે દર્શકને પોતાની આસપાસની દુનિયા યાદ અપાવે છે. ઘણાં બધાં સીન તમને વાસ્તવિકતાથી વાકેફ કરાવે છે. ફિલ્મમાં બોલાતી ગઝલો હોય કે કવિતા તે ઘણી સુંદર રીતે ભજવાતી નજર આવે છે. ફિલ્મમાં ઘણી જગ્યાએ સ્ક્રીનપ્લે થોડો નબળો લાગે છે. ફર્સ્ટ હાફ મજબૂત લાગ્યો, હા, શરુઆતની દસેક મિનિટ એવું લાગી શકે છે કે,એ આ શું થઈ રહ્યું છે, કંઈ વાર્તા સમજવી પણ બાદમાં મનમાં ઉદ્ભવતા દરેક પ્રશ્નોના જવાબ મળી જાય છે. સેકન્ડ હાફમાં વાર્તા થોડીઘણી ખેંચાયેલી લાગે છે. કેટલાક સબપ્લોટ્સ વધુ ઊંડાણ માંગતાં હતાં, જે અધૂરા રહી જાય છે. ઘણી બધી જગ્યાએ ન બોલેલા શબ્દો પણ ઘણું કહી જાય છે તે ફિલ્મનું પોઝીટીવ પાસું છે.
અભિનયની વાત કરીએ તો સંજય ગોરડિયા એટલે કોમેડીના બાદશાહ તરીકે જાણીતા છે. પણ આ ફિલ્મમાં એકદમ નવા અને ધીરગંભીર અને ઠરેલા વ્યક્તિના અવતારમાં જોવા મળે છે. તેમના અભિનયમાં રહેલી મેચ્યોરિટી અને સ્ક્રીન પ્રેઝન્સ ફિલ્મને ખૂબ સારી રીતે આગળ વધારે છે. તેમની સાથે કોન્સ્ટેબલના પાત્રમાં સોહની ભટ્ટે પોતાના રોલમાં નેચરલ પરફોર્મન્સ આપ્યું છે. તેની હાજરી ફિલ્મની સ્ટોરીને યોગ્ય સપોર્ટ આપે છે તેમ કહીં શકાય. એજ રીતે દિક્ષા જોશીએ પોતાના પાત્રને સહજતા અને સંવેદનશીલતાથી એકદમ જીવંત બનાવ્યું છે. દીક્ષાના ભાવનાત્મક દ્રશ્યોમાં તેમના અભિનય ખાસ અસર કરે છે. ઘણી જગ્યાએ દીક્ષા નથી બોલતી તો પણ જે કહેવાનું હોય તે કહી જાય છે. સોનાલી લેલે દેસાઈનું પરફોર્મન્સ આખી ફિલ્મમાં તેમના મજબૂત અભિનય સાથે સ્ક્રીન પર છાપ છોડી જાય છે. એમ કહી શકાય કે ફિલ્મમાં છવાઈ ગયાં છે. નિજલ મોદીનો અભિનય ખરેખર ખૂબ સરસ છે અને વખાણવા લાયક છે. તેઓએ પોતાના પાત્રને એકદમ સહજતા અને આત્મવિશ્વાસ સાથે નિભાવ્યું છે. જેના કારણે સ્ક્રીન પર તેમની હાજરી ખાસ નોંધપાત્ર બની જાય છે. તેમના એક્સપ્રેશન અને એકટીંગ ફિલ્મને વધુ સારી બનાવે છે. નીલ ભટ્ટ સ્ક્રીન જે રીતે દેખાય છે તે કંઈક અલગ જ લાગે છે, તેમના પાત્રને તેમણે સૌથી વધું ન્યાય આપ્યો છે. તેમની બોડી લેંગ્વેજ પાત્રને વધુ મજબૂત બનાવે છે. ભૂમિ મધુના અભિનયની ખાસ નોંધ લેવી પડે તેવી છે. ચારુના પાત્રમાં તેઓ એકદમ નેચરલ અને સહજ લાગી આવે છે. તેમની અભિવ્યક્તિ, બોડી લેંગ્વેજ અને ભાવનાત્મક સમજ પાત્રને જીવંત બનાવે છે. ભૂમિ મધુ સ્ક્રીન પર પોતાની હાજરીથી દ્રશ્યોને અસરકારક બનાવી જાય છે. મગન લુહાર કપીલના પાત્રમાં પોતાની ખાસ છાપ છોડી જાય છે. તેમનો અભિનય અસરકારક લાગે છે. ડાયલોગ ડિલિવરીનું ટાઈમિંગ અને સ્ક્રીન પરની તેમની મજબૂત હાજરી દરેક દ્રશ્યને વધું જોવા અને માણવા લાયક બનાવે છે. વૈભવ બિનીવાલએ પોતાના પાત્રને પૂરતા આત્મવિશ્વાસ સાથે ભજવ્યો છે. તેમની એનર્જી અને અભિનય ફિલ્મમાં નોંધપાત્ર છે. પોલીસ કોન્સ્ટેબલના પાત્રમાં તેમની કોમેડી ખરેખર ખખડાટ હસાવી જાય તેવી છે, અને દરેક દ્રશ્યમાં તેઓ પોતાની હાજરીથી અલગ જ મજા ઉમેરે છે. મકરંદ શુક્લનો અભિનય પ્રભાવશાળી છે. તેઓ પોતાના પાત્રમાં જરૂરી ગંભીરતા ખૂબ અસરકારક રીતે લાવે છે. ખાસ વાત એ છે કે, ઓછાં ડાયલોગ બોલાનના તેમના ભાગે આવે છે. તેમ છતાંય તેમની આંખો, બોડી લેન્ગવેજ દ્વારા અભિવ્યક્તિ થતું ઘણું કહી જાય છે, જે તેમના અભિનયની પરિપક્વતાને દર્શાવે છે. ફિલ્મમાં મુકેશ રાવની એક્ટિંગ મને સૌથી વધારે ગમી. ખ કહીએ તો શું એક્ટિંગ છે બોસ! એકદમ નેચરલ અને સહજ પરફોર્મન્સ યાર…તેમનું પાત્ર એવું લાગે છે જાણે સ્ક્રીન પર એક્ટિંગ નહીં પરંતુ વાસ્તવિક રીતે ક્ય જીવી રહ્યા હોય, તેમની આંખોની ભાષા, બોડી લેંગ્વેજ અને ટાઈમિંગ ફિલ્મમાં ખાસ છાપ છોડી જાય છે અને દર્શકને તેઓ અલગથી યાદ રહી જાય તેવું પરફોર્મન્સ છે.
કેમેરા વર્ક ફિલ્મને વિઝ્યુઅલી મજબૂત બનાવે છે. એકદમ સ્પષ્ટ છે કે તેમને શું બતાવું છે તે જ સ્ક્રીન પર દેખાય છે. ફિલ્મમાં ગામડાં અને શહેરના દ્રશ્યો વચ્ચેનો કોન્ટ્રાસ્ટ સારી રીતે ઝીલાયો છે. એડિટિંગ સામાન્ય રીતે સ્મૃથ છે અને ફિલ્મ ટેકનિકલી સારી છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મની લાગણીને મજબૂત બનાવે છે. ગીત ‘રંગાયો રે’ ફિલ્મના મૂડ સાથે સરસ રીતે ફિટ થાય છે અને યાદ રહી જાય એવું છે. એ સિવાય પણ ‘જબ્બર પ્રેમ’ સોંગ પહેલાંથી લોકપ્રિય થયેલું છે.
વિનોદ પરમારએ ડિરેક્ટર તરીકે ખરેખર ખૂબ સરસ કામ કર્યું છે. તેમની પહેલી ફિલ્મ ચાતર સારી હતી અને તેમણે તે ફિલ્મમાંથી ઘણું બધું શિખીને બીજી ફિલ્મમાં વધારે સારું કર્યું હોય એવું દેખાય આવૈ છે. ફિલ્મની રજૂઆત, દ્રશ્યોની ગોઠવણી અને કલાકારોમાંથી શ્રેષ્ઠ અભિનય કાઢવાની તેમની ક્ષમતા સ્પષ્ટ રીતે દેખાય છે. દરેક સીન પર તેમની દિગ્દર્શન પકડ અનુભવી શકાય છે. એક સારા ડિરેક્ટર તરીકેની છાપ ઊભી કરવામાં સફળ રહ્યા હોય તેમ કહીં શકાય.
ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ માનવીય સંબંધોની ઊંડાણ, પ્રેમના અલગ–અલગ સ્વરૂપો અને જીવનમાં આવતા સંઘર્ષોને સંવેદનશીલ રીતે રજૂ કરે છે. ક્યારેક હસાવતી, ક્યારેક વિચારમાં મૂકી દેતી અને ક્યારેક ભાવુક બનાવી દેતી આ ફિલ્મ પરિવાર સાથે અચુક જોવા જવાય.
– નેલ્સન પરમાર




