ENTERTAINMENT

અંતે પણ અધુરી જ રહી જતી ફિલ્મ એટલે ‘સરપ્રાઈઝ’

વર્ષમાં ઘણી બધી ગુજરાતી ફિલ્મો રજુ થતી હોય છે જેમાંથી કેટલીક એવરેજ હોય છે તો કેટલીક ઘણી સારી; સારી ફિલ્મોની સંખ્યા ઓછી હોય છે એ અલગ વાત છે. અને કેટલીક ફિલ્મો ઢંગધડા વગરની પણ હોય છે. ઠીક છે બધાં પોતપોતાની રીતે બનતો પ્રયાસ કરતાં હશે એમ માની લઈએ. પણ આજે વાત કરવી છે ગુજરાતી ફિલ્મ સરપ્રાઈઝ વિશે. ફિલ્મમાં વત્સલ શેઠ, હેલી શાહ અને જાનવી ચૌહાણ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે.. આ ફિલ્મ ગુજરાતીમાં થ્રિલર પ્રકારની ફિલ્મોને નવી દિશા આપે એવી અપેક્ષા રાખી શકાય. હેલી શાહ ટેલિવિઝન શો માં પણ બહુ લોકપ્રિય છે. હિન્દી મનોરંજન ક્ષેત્રે નામના મેળવનાર વત્સલ શેઠ અને હેલી શાહ પ્રથમ વાર ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. વત્સલ શેઠ એટલે ‘ટારઝન ધ વન્ડર કાર’ ફિલ્મનો ચોકલેટી હિરો.

ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો સરપ્રાઈઝ બે આકર્ષક ચોરોના ગોવા ભાગી જવાની વાર્તા છે, જેમણે એક ધનિક વ્યક્તિને લૂંટી પોતાની લૂંટેલી સંપત્તિ સાથે અદૃશ્ય થવાનું નક્કી કર્યું છે. પરંતુ તેમની યોજના ખોરવાય જાય છે જયારે તેઓ એક અજાણી વ્યક્તિને મળે છે. ત્રણે લોકો ગોવા જાય છે. અહીંથી શરૂ થાય છે એક રમૂજી અને રોમાંચક વાર્તા. ફિલ્મમાં એક પછી એક નવા વળાંકો આવે છે. એક જ વ્યક્તિ અલગ અલગ રોલમાં અનેકવાર આવે છે. જેના લીધે દર્શકો પણ એટલા જ કન્ફયુઝ થાય છે‌. મનમાં ને મનમાં બોલતાં પણ હશે કે “યે ક્યા હો રહા હૈ ભઈ” પછી સ્ટોરી આગળ વધે છે. તેમની સફર જૂઠાણા, છેતરપિંડી અને ભયની વાર્તા બની જાય છે, જેમાં ચોરી કરતાં પાત્રમાં રહસ્ય છુપાયેલા છે. ચોરીથી શરૂ થયેલી સફર… ભય અને છળકપટથી સુધી પહોંચી જાય છે. ફિલ્મમાં રહસ્યમય અને થ્રિલિંગ ટોન જોવા મળે છે. જે લોકોને હાસ્ય, રહસ્ય, ગુના અને રોમાંચ એકસાથે જોવાનું ગમતું હોય તેમને તો ચોક્કસથી જોવી જોઈએ આ ફિલ્મ.

આજની યુવાપેઢીને ગમે તેવી ફિલ્મ છે. ફિલ્મને બોલિવૂડ સ્ટાઈલમાં ઢાળવાની આબાદ કોશીશ કરી છે. એમાં થોડાં ઘણાં સફળ પણ થયાં છે. પણ એમાં વત્સલ શેઠની ઘણી જગ્યાએ ઓવર એકટીંગ લાગે છે. ફિલ્મમાં ઘણું બધું કન્ફયુઝન ઉભું કરીને પણ ફિલ્મના કલાઈમેક્સમાં દર્શકોને જોઈતો જવાબ નથી મળી શકતો. ત્રિપલ રોલનું રહસ્ય ઉભું કરવામાં દશકોને પણ એટલાં કન્ફયુઝ કરી નાખ્યાં છે કે અડધી ફિલ્મમાં જ કંટાળી જવાય, ભલે ઈરિટેડ થઈ જવાય એ કન્ફયુઝનમાં છતાંય ફિલ્મ અંત સુધી જોવા માટે મજબૂર કરે એવું મજબુત કન્ટેન્ટ તો છે જ. ફિલ્મનું ડિરેક્શન ખરેખર ઘણું સારું છે. એકટીંગ પણ ઘણી સારી છે. સ્ટોરી સારી છે પણ હજી આના કરતાં પણ સારી રીતે થઈ શકતી હતી એવું મને લાગે છે. કલાઈમેક્સમાં એવું કંઈ બતાવ્યું હોત જેનાથી કન્ફયુઝ થયેલા દર્શકોને મજા આવી જાત તો ફિલ્મ ઔર સારી લાગતી.

‘સરપ્રાઇઝ’ ફિલ્મનું ગીત ‘ઝુમે છે ગોરી’ રોમાંચક છે. એ સિવાય પણ પણ જે ગીત છે એ પણ સરસ છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક સરસ છે. લોકેશન સારા ચોઈસ કર્યા છે. એકાદ સીનમાં મને ટેકનિકલી ખામી ઉડીને આંખે વળગી હતી. જેમાં એક સીનમાં ગોવાની હોટેલમાં પોલીસ શોધખોળ માટે હોટેલના ગેટની અંદર પ્રવેશે છે ત્યારે રિસેપ્શન પર બેસેલી છોકરી એના કામમાં જ વ્યસ્ત હોય છે. આવું કંઈ રીતે શક્ય બને? પોલીસ ઉતાવળમાં અચાનક દરવાજાથી અંદર આવે ને કોઈ રીએકશન જ ન‌ હોય એવું બને? આખી ફિલ્મમાં તમે પણ ઓરીજનલ પાર્થ દેસાઈને શોધતા રહી જશો.

‘સરપ્રાઇઝ’ માત્ર તેના નામ જેટલી જ રહસ્યમય નથી, પણ તે દર્શકો માટે એક અનોખો સિનેમેટિક અનુભવ પણ છે એમ કહી શકાય. ફિલ્મને બે શબ્દોમાં વર્ણન કરવી હોય તો, બે મહિલા મિત્ર મોટી ચોરી કરીને ચોરેલી કાર સાથે ગોવા ફરવા જાય છે, ત્યાર પછી જે જબરદસ્ત ટ્વીસ્ટ આવે છે, જેમાં પ્રેમ, જુઠાણું, છેતરપીંડિ, વિશ્વાસઘાત, લાલચની કહાણી જોવા મળે છે. ઓવર ઓલ ફિલ્મ ગુજરાતી સિનેમા જગતમાં સારું એન્ટરટેઇનમેન્ટ પેકેજ છે. ગુજરાતી ફિલ્મમાં કંઈક નવું જોવા માંગતા હોવ તો ચોક્કસથી સરપ્રાઈઝ ફિલ્મ જોઈ અવાય.

નેલ્સન પરમાર
-7874449149

Back to top button
error: Content is protected !!