અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા : રૂપનારાયણ ઝેરોક્ષ આગળ પાર્ક કરેલ ટુ-વ્હીલર અને દૂધના કેન આખલા યુદ્ધમાં ઊલળ્યા
* આખલા યુદ્ધ જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા,વાહન ચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યા*
* રખડતા પશુઓને તંત્ર પકડીને પાંજરાપોળમાં મૂકે તેવી લોકમાંગ*
અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં મુખ્યમાર્ગો પર અને રહેણાંક વિસ્તારોમાં રખડતાં પશુઓ અને આખલાઓથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે મોડાસા શહેરના મેઘરજ રોડ પર બપોરના સુમારે બે આખલાઓ બાખડતા રાહદારીઓમાં નાસભાગ મચી હતી ભૂરાંટા બનેલા આખલા યુદ્ધનેલઈ રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. શહેરમા રખડતા પશુઓના કારણે રાહદારીઓ અને વાહનચાલકો માટે પરેશાનીઓ વધી ગઈ છે.
મોડાસા શહેરના મુખ્ય માર્ગ અને સોસાયટી વિસ્તારમાં રખડતા પશુઓએ અડિંગો જમાવ્યો છે. જેને કારણે ટ્રાફિકમાં અડચણ સાથે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે, ત્યારે મંગળવારે બપોરે મેઘરજ રોડ પર આવેલી યુનિયન બેંક આગળ બે આખલા વચ્ચે યુદ્ધ થયું હતું. જેથી રાહદારીઓ સાથે વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બે આખલાઓએ જાણે સમગ્ર જાહેર માર્ગને બાનમાં લીધો હોય તેમ જોવા મળ્યું હતું. આ આખલા યુદ્ધના પગલે રાહદારીઓ અને વાહનચાલકો હાલાકી પડી હતી અને થોડી વાર માટે ટ્રાકિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે રખડતા પશુઓને વહેલી તકે તંત્ર પકડીને પાંજરાપોળમાં મૂકે તેવી લોકમાંગ ઉઠી છે.