
નાંદોદ ધારાસભ્ય ડો. દર્શના બેન દેશમુખના હસ્તે કરજણ જણાશય યોજનાની ડીસ્ટ્રીબ્યુટરી કેનાલ નવીનીકરણનું ખાતમુહૂર્ત
અંદાજિત રૂપિયા ૨૫૧ લાખ ઉપરાંતના ખર્ચે હાથ ધરવામાં આવનાર આ કામગીરી પૂર્ણ થતાં કુલ ૩૫૭૯ હેક્ટર વિસ્તારને સિંચાઇનું પાણી મળી રહેશે
નાંદોદ તાલુકાના ૧૦ અને ગરૂડેશ્વર તાલુકાના ૧૯ મળી કુલ ૨૯ ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહેશે
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના જીતગઢ ગામે આવેલી કરજણ જણાશય યોજનાની જમણા કાંઠા મુખ્ય નહેરની સાંકળ ૧૦૦૦ મીટર પરથી ગોરા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલ નીકળે છે. કેનાલ ક્ષતિગ્રસ્ત થતાં નર્મદા જળસંપત્તિ અને કલ્પસર વિભગાના કરજણ સિંચાઇ વિભાગ દ્વારા તેના નવીનીકરણનું કામ અંદાજિત રૂપિયા ૨૫૧.૯૮ લાખના ખર્ચે હાથ ધરવામાં આવનાર છે. જેનું નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ અને સ્થાનિક પધાધિકારીઓની ઉપસ્થિતિમાં તા.૦૬ ફેબ્રુઆરી-૨૦૨૫ને ગુરૂવારના રોજ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
કરજણ સિંચાઈ જમણાં કાંઠાની ગોરા ડિસ્ટ્રીબ્યુટરીના આગળના ભાગનું લાઈનીંગ ક્ષતિગ્રસ્ત થયું હોવાથી ગોરા ડિસ્ટ્રીબ્યુટરી નહેરમાં ચાલુ પાણી દરમિયાન સમગ્ર લંબાઇમાં નક્કી થયેલા સિંચાઇ વિસ્તારને પાણી આપી શકાતું નથી. જે બાબતોને ધ્યાને લઇને ગોરા ડિસ્ટ્રી. નહેરની સિંચાઇ વ્યવસ્થા જાળવવા તેમજ નહેરમાં પાણી સરળતાથી વહેવડાવી શકાય તે માટે આ ક્ષતિગ્રસ્ત ગયેલી નહેરનું નવીનીકરણની જરૂરીયાત ઊભી થતાં આ કામગીરી કરવામાં આવનાર છે.
અત્રે નોંધનીય છે કે, આ નહેર અંતર્ગત નાંદોદ તાલુકાના ૧૦ ગામો જીતગઢ, વાવડી, સુંદરપુરા, ગોપાલપુરા, રામપુરા, માંગરોળ, કરાંઠા, થરી અને ગુવાર તથા ગરૂડેશ્વર તાલુકાના ૧૯ ગામો વેલછંડી, કલી-મકવાણા, ઝુંડા, જીતપુરા, નવાવાઘપૂરા, સુરજવડ, ગંભીરપુરા, સેંગપુરા, ફુલવાડી, મોટીરાવલ, નાનીરાવલ, વાંસલા, ઇંન્દ્રવર્ણા, બોરિયા, નાના પીપરીયા, મોટા પીપરીયા, વસંતપુરા અને ગોરા એમ કુલ ૩૫૭૯ હેક્ટર સિંચાઇ વિસ્તારનો સમાવેશ થાય છે.





