Rajkot: રાજકોટ જિલ્લાકક્ષાની બાળનાટ્ય – બાળનૃત્ય નાટિકા સ્પર્ધા માટે અરજીઓ મગાવાઈ
તા.૨૫/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
૦૭ થી ૧૩ વર્ષ સુધીનાં બાળ કલાકારો ભાગ લઈ શકશેઃ ૯મી ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે
Rajkot: ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-રાજકોટ દ્વારા “જિલ્લાકક્ષાની બાળનાટ્ય અને બાળનૃત્ય નાટિકા સ્પર્ધા: ૨૦૨૪-૨૫”નું આયોજન હાથ ધરાનાર છે. આ બંને સ્પર્ધા માટે બાળ કલાકારો પાસેથી અરજીઓ મગાવવામાં આવે છે.
બાળનાટ્ય અને બાળનૃત્ય નાટિકા – આ બંને સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયેલી કૃતિને રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જવાનું રહેશે. ભાગ લેનારની ઉંમર માટે જન્મ તારીખની ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિ ધ્યાને લેવાની રહેશે.
ઉક્ત બંને સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા રાજકોટ શહેર અને ગ્રામ્યના બાળ કલાકારોએ નિયત નમૂનાનું અરજીફોર્મ સંપૂર્ણ વિગતે ભરીને આધારકાર્ડ-જન્મનાં પ્રમાણપત્રની નકલ સાથે “પ્રતિ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ ગ્રામ્ય, ૫/૫, બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ” ખાતે તા. ૯મી ઓગસ્ટ, ૨૦૨૪ સુધીમાં રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાનું રહેશે. નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં, તેમ રાજકોટના જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એચ.વી.દિહોરાની યાદીમાં જણાવાયું છે.