સજા પતે કે પછી જામીન મળે તો કોઈ કેદી એક મિનિટ પણ જેલમાં ન રહેવો જોઇએ : ગુજરાત હાઈકોર્ટ

ત્રણ જુદા જુદા કેસોમાં એક કેદીએ તમામ સજા પૂરી કરી દીધી હોવા છતાં જેલ સત્તાવાળાઓની સજા ગણતરીમાં ભૂલના કારણે કેદીને બે મહિના સુધી વધુ જેલમાં રહેવું પડ્યું હોવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે આજે આઈપીએસ અને વડોદરા જેલ એસપી ઉષા રાડા, જેલર એન.જે.પરમાર અને એન.જી.પરીખને વર્ચ્યુઅલી હાજર રખાવ્યા હતા તો, જેલ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ એમ.ડી.ચૌધરી, સિનિયર જેલર વી.ડી.બારીયા, સિનિયર કલાર્ક સંજય મોહિતને રૂબરૂ હાજર રખાવ્યા હતા. ગઇકાલે ભરચક કોર્ટ રૂમમાં આ તમામ જેલ સત્તાવાળાઓનો જોરદાર રીતે ઉધડો લીધા બાદ આજે જસ્ટિસ હસમુખ ડી.સુથારે જેલ ઓથોરીટીની ગંભીર બેદરકારી અને લાપરવાહીના કારણે બે મહિના વધુ જેલમાં રહેનાર કેદીને રૂ. 50,000 વળતર અપાવતો હુકમ કર્યો હતો.
હાઈકોર્ટે કેદીને વળતરની આ રકમ તેમના ખિસ્સામાંથી સીધી કેદીના ખાતામાં ચૂકવી આપવા વડોદરા જેલ સુપ્રિટેન્ડન્ટને ફરમાન કર્યું હતું. આ સાથે હાઈકોર્ટે પોતાના હુકમમાં બહુ ગંભીર, સંવેદનશીલ અને માર્મિક અવલોકનો સાથે અગત્યના નિર્દેશો જારી કર્યા હતા.
હાઈકોર્ટે જેલ મુલાકાતીઓ તરીકે જેલમાં મુલાકાત લેતાં ન્યાયિક અધિકારીઓને તેમની જેલ મુલાકાત દરમિયાન જેલના રેકોર્ડ ચકાસવા અને કોઈપણ કેદી કે કાચા કામનો કેદી સજા પૂરી થઈ ગયા પછી કે જો તેના મંજૂર થઈ ગયા હોય તો તે પછી એક મિનિટ માટે પણ જેલમાં ખોટી કે ગેરકાયદે રીતે રહેવો ના જોઇએ તે બાબતની ખરાઇ કરવા બહુ મહત્ત્વનો હુકમ કર્યો હતો.
સાથે સાથે જેલ સુપ્રિટેન્ડન્ટને તમામ કેદીઓના સેટ ઓફના સમયગાળાની નવેસરથી ચોકક્સ ગણતરી કરવા પણ હુકમ કર્યો હતો. યોગ્ય ચકાસણી પછી તા. 01-08-2025ના પરિપત્ર અનુસાર, કેદીઓના અપડેટેડ પ્રવેશ કાર્ડ, ટિકિટ અને સંબંધિત જેલ રેકોર્ડ તૈયાર કરવા પણ હુકમ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે રાજય સરકાર અને જેલ સત્તાવાળાઓને બહુ માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, જેલ સત્તાવાળાઓની મનસ્વીતા અને ઉદ્ધતાઈથી ઉદ્દભવેલી આવી ખોટી કેદ ગુનેગાર(કૈદી)ના મૂળભૂત અધિકારો પરત્વે સંપૂર્ણ અવગણના દર્શાવે છે.
બંધારણની કલમ-51a તમામ નાગરિકોને જીવંત પ્રાણીઓ પ્રત્યે કરૂણા દાખવવાનો નિર્દેશ કરાયો છે. જેલના કેદીઓ ગુનેગાર હોવા છતાં પણ તેમના મૂળભૂત અધિકારો ગુમાવતા નથી. વારંવાર તકો મળવા છતાં જેલ અધિકારીઓ કેદીઓ પ્રત્યે સહાનુભૂતિથી કાર્ય કરવામાં નિષ્ફળ રહ્યા અને તેમના ગેરકાયદે તેમ જ મનસ્વી અભિગમો ચાલુ રાખ્યા. તેથી આ સંદર્ભમાં ગંભીર ચૂક દાખવાનારા જેલ અધિકારીઓ પર વળતરનો દંડ લાદવા માટેનો આ ફીટ કેસ અદાલત માને છે.
જસ્ટિસ હસમુખ ડી.સુથારે પોતાના ચુકાદાનું સમાપન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના બહુ હૃદયસ્પર્શી વાકય સાથે કર્યું હતું. જેમાં જણાવ્યું છે કે, પોતાને શોધવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે, તમે બીજાઓની સેવામાં પોતાને ગુમાવી દો(પોતાની જાતને ખપાવી દો). હાઈકોર્ટે રાજયની જેલોના આઈજીને બહુ મહત્ત્વનો આદેશ કરતાં જેલોમાં આશ્રમ જેવું મૈત્રીપૂર્ણ અને કરૂણામય(સંવેદનશીલ) વાતાવરણ ઉભુ કરવા પણ હુકમ કર્યો હતો. હાઈકોર્ટે રાજયની જેલોના જેલ સત્તાવાળાઓને મોડેલ જેલ મેન્યુઅલનું પાલન કરીને તમામ કેદીઓ સાથે માનવતા અને સંવેદનશીલતા સાથે વર્તન કરવા અને ગુનેગારો-કેદીઓના પુર્નવસન માટે જરૂરી પગલાં લેવા પણ બહુ અગત્યનો હુકમ કર્યો હતો.




