ભરૂચમાં 108 કર્મચારીઓની પ્રામાણિકતા: અકસ્માતગ્રસ્ત વ્યક્તિના 1.02 લાખ રૂપિયા પોલીસને સોંપ્યા

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના ગડખોલ લોકેશનની 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની ટીમે સેવા સાથે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર તા. 30 મે, 2025ના રાત્રે અંદાજે 12:30 કલાકે માંડવા હાઇવે પર બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. ઘટના અંગેની માહિતી મળતાની સાથે જ ગડખોલ 108 પર ફરજ બજાવતા ઈએમટી ઠાકોર ચેહરાજી અને પાયલોટ સંજય ગમિત તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
અહીં તેમને આશરે 36 વર્ષના એક યુવકને ગંભીર ઇજાઓ સાથે જમણી હાલતમાં જોઈ તાત્કાલિક જરૂરી સારવાર આપી. ત્યારબાદ તેમને 108 એમ્બ્યુલન્સમાં સારવાર આપીને ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર દ્વારા વધુ સારવાર આપવામાં આવી.
આ દરમિયાન, ઈજાગ્રસ્ત યુવાનની પાસે રોકડ રૂ. 1,02,550 હોવાનું ટીમના સભ્યોને ધ્યાનમાં આવ્યું. પાયલોટ અને ઈએમટી દ્વારા આ સમગ્ર રકમ સીધી સિવિલ હોસ્પિટલમાં ફરજ પર હાજર પોલીસ અધિકારીને સોંપી દેવામાં આવી.
આ ઘટનાએ 108ની ટીમે માત્ર તાત્કાલિક સારવાર જ નહીં, પરંતુ વ્યક્તિગત ઈમાનદારી અને નૈતિક જવાબદારીનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે. ભરૂચ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા આપવામાં આવતી સેવા અને પ્રામાણિકતાની પ્રશંસા કરવામાં આવી રહી છે.




