GUJARATHALOLPANCHMAHAL

હાલોલ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલના નવ નિર્માણનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું,100 બેડની અધતન સુવિધાથી સજ્જ થશે હોસ્પિટલ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૫.૨.૨૦૨૬

હાલોલ તાલુકામાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી 100 બેડની સુવિધાસભર અદ્યતન સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલના નવ નિર્માણનું આજે મહા શિવરાત્રી ના દિવસે વિધિવત શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે સ્થાનિક હોસ્પિટલના અધિક્ષક ડૉ. અક્ષય ઉપાધ્યાય, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,હાલોલ નગર પાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ,હાલોલ શહેર બીજેપી પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.હાલોલ સાથે સાથે કાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકાના લોકોની આરોગ્ય સુવિધાઓમાં વધારો કરવાના હેતુસર હાલોલના સામુહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી નવી હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

હોસ્પિટલના અધિક્ષક ડો. અક્ષય ઉપાધ્યાયે માહિતી આપતા જણાવ્યું કે આશરે 37 કરોડ 55 લાખ રૂપિયાના ખર્ચે ગ્રાઉન્ડ ફ્લોર અને ત્રણ માળનું આધુનિક બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે. આ 100 બેડની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 3,180 ચોરસ મીટર વિસ્તારમાં ઇમરજન્સી વિભાગ, રજિસ્ટ્રેશન કાઉન્ટર, પોલીસ રૂમ, એક્સ-રે, ઇન્જેક્શન રૂમ, ઇમરજન્સી ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, લેબ, માઇક્રોલેબ તેમજ તમામ વિભાગોના ડોક્ટરો માટે OPD રૂમ્સની સુવિધા ઉપલબ્ધ રહેશે.પ્રથમ માળ ઉપર 3,000 ચોરસ મીટર વિસ્તારમાં વિવિધ વિભાગોના વોર્ડ, બે મેજર ઓપરેશન થિયેટર,બ્લડ બેંક, બ્લડ સ્ટોરેજ યુનિટ, હાડકા વિભાગ, ENT વિભાગ, ફિઝિયોથેરાપી OPD, અધિક્ષક રૂમ, સ્ટાફ રૂમ, રેકોર્ડ રૂમ તથા કોન્ફરન્સ રૂમ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. બીજા માળ ઉપર પુરુષ અને મહિલા વોર્ડ સાથે ICU વોર્ડ તથા આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવશે, જ્યારે ત્રીજા માળ ઉપર મહિલા અને પુરુષ માટે રેન બસેરા તેમજ સેમિનાર હોલ જેવી સુવિધાઓ ઉભી કરાશે.

Back to top button
error: Content is protected !!