GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: શ્રમિકોની દરકાર કરતી રાજ્ય સરકાર શ્રમિકો માટેની કલ્યાણકારી યોજના એટલે શ્રમિક અન્નપૂર્ણા યોજના

તા.૨/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન – રાધિકા વ્યાસ & જીતેન્દ્ર નિમાવત

પાંચ રોટલી, શાક, કઠોળ, ભાત, ગોળ અને અથાણાં સાથેની ૧,૫૨૫ કેલેરીની ફૂલથાળી માત્ર રૂપિયા પાંચમાં !!

રાજકોટ જિલ્લામાં ૧૪ કેન્દ્ર કાર્યરત, દરરોજ ૧૫૦૦થી વધુ ટિફિનમાં પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન પીરસવામાં આવે છે

પાંચ રૂપિયામાં અડધી ચા નથી મળતી, પણ સરકાર ગરમાગરમ ભોજન પીરસે છે: લાભાર્થી

Rajkot: “શ્રમિક અન્નપૂર્ણા યોજના” દ્વારા રાજકોટ જિલ્લામાં દરરોજ ૧૫૦૦થી વધુ શ્રમિકો માત્ર રૂ.૫માં પૌષ્ટિક ભોજન લઈ રહ્યાં છે!!. જિલ્લાનાં ૧૪ કેન્દ્રોમાંથી મહિને ૪૫ હજારથી વધુ અને વર્ષે પાંચ લાખથી વધુ ટિફિન દ્વારા શ્રમિકોને પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન પીરસવામાં આવે છે.

શહેરનાં કોઈ ખૂણા પરની લારી પર એક કટીંગ ચા નાં રૂ.૧૦ ચૂકવવા પડતા હોય છે, ત્યારે માત્ર પાંચ રૂપિયામાં પાંચ રોટલી, શાક, પુલાવ ભાત, એક કઠોળ, ગોળ અને અથાણું સાથેની ફૂલથાળી પીરસવામાં આવતી હોવાનું માનવામાં ન આવે તે સ્વાભાવિક છે. પણ, આ તો રાજ્ય સરકારની શ્રમિકો માટેની કાળજી છે.

ભૂખ્યાની ભૂખ ભાંગતી રાજ્ય સરકાર શ્રમિકોના પરિશ્રમની દરકાર કરે છે. રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન મળી રહે તેમજ તેમનું આર્થિક ભારણ પણ ઘટે તે માટે રાજ્ય સરકાર માત્ર પાંચ રૂપિયાના રાહત દરે શ્રમિકોને ભોજન ઉપલબ્ધ કરાવી રહી છે.

બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા રૈયા ગામમાં રહેતા શ્રમિક અજયભાઈને પોતાના ટિફિનની કોઈ ચિંતા નથી. સવારે વહેલાં ઊઠીને અજયભાઈને બજારમાં શાકભાજી કે કરીયાણું લેવા જવું પડતું નથી અને ઘરે રસોઈ પણ બનાવવી પડતી નથી, કારણ કે, અજયભાઈ અને તેમના પરિવારજનોને માત્ર પાંચ રૂપિયામાં ટિફિન મળી રહે છે.

લેબર ઓફિસર ડૉ. દિશાબેન કાનાણીએ આ યોજના વિશે કહ્યું કે, શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકો અને તેમના પરિવારજનોને ટોકનદરે ભોજન વિતરણ કરવામાં આવે છે. અંદાજે ૬૨૫ ગ્રામની એક થાળીમાં ૧,૫૨૫ કેલરી હોય છે. જેમાં કઠોળમાં ૩૫૪ કેલેરી, શાકમાં ૩૨ કેલેરી, રોટલીમાં ૫૯૪ કેલેરી, ગોળમાં ૯૫ કેલેરી, ભાતમાં ૧૩૦ કેલેરી તેમજ અઠવાડિયામાં એકવાર અપાતી સુખડી જેવી મીઠાઈમાં ૩૨૦ કેલેરીનો સમાવેશ થાય છે. એક ઈ-નિર્માણ કાર્ડ દ્વારા ૬ ટિફિનની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. એટલે કે, માત્ર શ્રમિક પૂરતું જ નહીં, તેમના પરિવારની કાળજી પણ રાખવામાં આવી રહી છે.

અન્ય એક લાભાર્થી ૪૩ વર્ષીય શ્રમિક શંકરન દરરોજ સવારે ૭ કલાકે રાજકોટના રૈયા ચોકડી સ્થિત શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં ગરમ ભોજનનો સ્વાદ માણે છે અને સાથે ટિફિન પણ બંધાવે છે. ભરપેટ ભોજનની થાળી અને અલગથી એક ટિફિનનાં માત્ર રૂ.૫-૫ ચૂકવે છે. શંકરન કહે છે કે, પાંચ રૂપિયામાં અડધી ચા નથી મળતી પણ સરકારની યોજનાથી ગરમાગરમ ભોજનની થાળી મળે છે. શ્રમિકો પ્રત્યેની સંવેદના બદલ શંકરને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. રૈયા ચોકડીના શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ભરતભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, વહેલી સવારથી આ કેન્દ્ર ખાતેથી ટિફિન સેવા શરૂ થઈ જાય છે, દરરોજ આશરે ૨૦૦થી વધુ શ્રમિકો અહીંથી ટિફિન મેળવી રહ્યા છે.

બાંધકામ નિરીક્ષકશ્રી અંકિત ચંદારાણાએ શ્રમિક અન્નપૂર્ણા યોજના વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. રાજકોટ શહેરમાં રૈયા ચોકડી, મવડી ચોકડી, બાલાજી હોલ સહિત ૧૨ કેન્દ્રો તેમજ તાલુકામાં જસદણ અને કોટડા સાંગાણી ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનાં કેન્દ્રો કાર્યરત છે, તેમ જણાવતાં શ્રી ચંદારાણાએ ઉમેર્યું હતુ કે, રાજ્ય સરકારશ્રીની શ્રમિકો માટેની યોજનાથી બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન મળી રહે છે, ભોજનની ગુણવત્તા જળવાઈ રહે તેની તકેદારી પણ નિયમિત રાખવામાં આવે છે.

બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિકો જેમની પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોય તેઓ જિલ્લા સેવાસદન-૩, શ્રમ આયુક્તની કચેરીએ અથવા ઓનલાઇન ઈ-નિર્માણ કાર્ડ કઢાવી શકે છે. શ્રમિક અને તેમના પરિવારને પણ ટિફિનદીઠ માત્ર રૂપિયા પાંચમાં ભોજનનો લાભ મળી રહે છે.

શ્રી ચંદરાણાએ વિશેષમાં ઉમેર્યું હતું કે, જો કોઈ વિસ્તારમાં ૫૦થી વધુ શ્રમિકો બાંધકામ સાઈટ પર કામ કરતા હોય તો તેઓને સ્થળ પર જ ટિફિનની સેવા મળી શકે છે.

આ યોજનાનું મોનીટરીંગ કરતા જિલ્લા પ્રોજેક્ટ મેનેજરશ્રી વિપુલ જાનીએ કહ્યું હતુ કે, રાજકોટ જિલ્લામાં વર્ષે પાંચ લાખથી વધુ ટિફિન શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ પીરસવામાં આવે છે. શ્રમિકો માટેની આ મહત્વપૂર્ણ યોજના છે.

Back to top button
error: Content is protected !!