Rajkot: અન્નદાતાને અગ્રિમતા તરઘડીયા ખાતે રાજકોટ જિલ્લાકક્ષાનો “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ”યોજાયો

તા.૨/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લાનાં ૧.૯૩ લાખ ખેડૂત પરિવારોને ૨૦માં હપ્તા દ્વારા રૂ.૩૮.૭૯ કરોડની સહાયની ચૂકવણી
પી.એમ. કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૧૯ હપ્તા દરમિયાન દેશનાં ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૩.૬૯ લાખ કરોડથી વધુ રકમની સહાય ચૂકવાઈ છે
ગુજરાતની કૃષિને ઉન્નત કક્ષાએ લઇ જવાની નેમ સાથે ખેડૂતોની સમૃદ્ધિ એ જ અમારો મુદ્રાલેખ
Rajkot: કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં તરઘડીયા સ્થિત ત્રિમંદિર ખાતે રાજકોટ જિલ્લાકક્ષાનો ‘પી.એમ.કિસાન ઉત્સવ દિવસ’ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ખેડૂતોને પી.એમ.કિસાન સમ્માન નિધિ યોજનાનાં ૨૦માં હપ્તાની ચૂકવણી કરવામાં આવી હતી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યનાં તમામ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. આ અવસરે કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે તરઘડીયા ખાતે ઉપસ્થિત રહી વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના અન્ય ખેડૂતોને પણ શુભકામના પાઠવી હતી.
કૃષિ મંત્રીશ્રીએ ‘પીએમ કિસાન સમ્માન નિધિ યોજના’ વિશે વિસ્તૃત જાણકારી આપી ક્લાઈમેટ ચેન્જ અને પ્રાકૃતિક ખેતી, કૃષિ યાંત્રિકીકરણ, ડ્રોન ટેક્નોલોજી, ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ તથા ટેકાના ભાવની યોજના વિશે ખેડૂતોને માહિતગાર કરી જણાવ્યું હતું કે, વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેતી અને ખેડૂતોના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. વડાપ્રધાનશ્રીનાં પગલે આગળ વધતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હંમેશા ખેડૂતોની પડખે રહીને તેમનાં હિતમાં નિર્ણયો લઇ રહ્યા છે. સાથોસાથ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ થકી ખેડૂતોને રસાયણમુક્ત ખેતી કરવા માર્ગદર્શિત કરી રહ્યાં છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણ, કૃષિમાં નેનો ટેક્નોલોજી, કૃષિ આઇ.ટી. જેવી મહત્વપૂર્ણ યોજનાઓ અસરકારક રીતે અમલમાં મૂકી છે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ વડાપ્રધાનશ્રી દ્વારા અત્યાર સુધીમાં ૧૯ હપ્તા દરમિયાન દેશનાં ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને ત્રણ હપ્તા દ્વારા રૂ.૩.૬૯ લાખ કરોડથી વધુ રકમની સહાય ચૂકવી ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું છે. ત્યારે આજે સમગ્ર દેશમાં ૨૦માં હપ્તા દરમિયાન ૯.૭ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ.૨૦,૦૦૦ કરોડથી વધુની રકમ જમા કરવામાં આવનાર છે, તેમજ રાજ્યમાં ૫૨.૧૫ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ.૧,૧૧૮ કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવશે. જ્યારે રાજકોટ જિલ્લાનાં ૧.૯૩ લાખ ખેડૂત પરિવારોને ૨૦માં હપ્તા દ્વારા રૂ. ૩૮.૭૯ કરોડની સહાયની ચૂકવણી કરવામાં આવશે.
મંત્રીશ્રીએ કહ્યું કે, કૃષિ કાર્યો સમયસર થાય, ખેત મજૂરોની અછતનાં કારણે ખેડૂતોને મુશ્કેલીઓ ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ યાંત્રિકીકરણને મહત્વ આપવામાં આવી રહ્યું છે. કમ્બાઇન હાર્વેસ્ટર, થ્રેશર, રોટાવેટર, ઓટોમેટીક ઓરણી જેવા સાધનો ઉપલબ્ધ થવાને કારણે ખેતી કાર્યમાં ખૂબ ઝડપ આવી અને ઓછાં ખર્ચે ખેતી કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે. કિસાન પરિવહન યોજના અંતર્ગત માલ વાહક વાહન ઉપરાંત ટ્રેક્ટર ટ્રેલરનો પણ સમાવેશ કરી ટ્રેક્ટર ખરીદી માટે સહાયનું ધોરણ વધારીને વર્ષ ૨૦૨૫-૨૬થી રૂ.૧ લાખ કરવાનો નિર્ણય કરાયો છે તેમજ પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં સહાયનું ધોરણ રૂ.૭૫,૦૦૦થી વધારીને રૂ. એક લાખ કરાયું છે.
ખેડૂતોની સમૃદ્ધિ એ જ અમારો મુદ્રાલેખ હોવાનું જણાવતાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ખેડૂતોને માલના વેચાણમાં આર્થિક નુકસાની ન આવે, તેમજ જણસીના ઉત્પાદન ખર્ચને ધ્યાને લઈ રાજ્યમાં થતા મહત્વનાં પાકો મગફળી, કપાસ, તુવેર, ચણા સહિતનાં પાકોનાં ટેકાનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મગફળી પાકનાં ટેકાનાં ભાવ રૂ.૭,૨૬૩, કપાસનાં ટેકાનાં ભાવ રૂ.૮,૧૧૦ તથા તુવેરના ટેકાનાં ભાવ રૂ.૮,૦૦૦, ચણાના ટેકાનાં ભાવ રૂ.૫,૬૫૦ કરાયા છે. છેલ્લાં પાંચ વર્ષમાં પી.એસ.એસ. હેઠળ આશરે ૧૭ લાખ લાભાર્થી ખેડૂતો પાસેથી ૪૧ લાખ મે.ટનથી વધુનાં જથ્થાની રૂ.૨૬ હજાર કરોડથી વધુ રકમનાં ખર્ચે ટેકાનાં ભાવે ખરીદી કરવામાં આવી છે. આમ, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેકવિધ આયોજનોથી અનેક સારા પરિણામો પ્રાપ્ત થઇ રહ્યાં છે.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીએ ખેડૂતોને શુભકામનાઓ પાઠવી હતી. અન્નદાતાનાં સન્માનનાં અવસરે તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, વિકસિત ભારતનાં નિર્માણ માટે દેશનાં ખેડૂતો સમૃદ્ધ બને તે ખૂબ જરૂરી છે, ખેડૂતોને સમૃદ્ધ બનાવવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ વિવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તૃપ્તિબેન પટેલે કર્યું હતું, જ્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરઘડીયાનાં કૃષિ વૈજ્ઞાનિકશ્રી જે.એચ.ચૌધરીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી, ખેત નિષ્ણાતોનાં માર્ગદર્શનમાં જમીનમાં જરૂરિયાત મુજબ દવાનો છંટકાવ કરવા અપીલ કરી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરઘડીયાનાં વડા અને વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિકશ્રી એન.એમ.તળપદાએ કાર્યક્રમની આભારવિધિ કરી હતી. આ પ્રસંગે મહાનુભાવોનાં હસ્તે પોસ્ટ હાર્વેસ્ટનાં સાધન સહાયનાં લાભાર્થીઓને પૂર્વ મંજૂરી હુકમ એનાયત કરાયાં હતાં.
આ પ્રસંગે સાંસદશ્રી પરસોત્તમભાઈ રૂપાલા તથા શ્રી રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિનાં ચેરમેનશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ)શ્રી દવે સહિત અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી એચ.ડી.ગઢવીએ કર્યું હતું.




